આમાર બાંગલા, સોનાર બાંગલા

Thursday 01st April 2021 05:15 EDT
 

બાંગલાદેશની આઝાદીના જંગની શરુઆતને મહામોલા ૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગલાદેશની મુલાકાત લઈને મૈત્રીસંબંધને વધુ નક્કરતા બક્ષી છે. ભારત અને બાંગલાદેશ માત્ર પડોશી દેશ નથી. બાંગલાદેશ માટે ભારતનું સ્થાન વિશેષ છે કારણકે બાંગલાદેશના સર્જનમાં ભારતનો અમૂલ્ય ફાળો રહેલો છે. એક સમયના વેસ્ટ અને ઈસ્ટ પાકિસ્તાન વચ્ચે ભારત ભીંસાયેલું હતું. આજે ઈસ્ટ પાકિસ્તાન એ બાંગલાદેશ બન્યું છે.
પોતાનો જ હિસ્સો હોવાં છતાં, પાકિસ્તાની લશ્કરી શાસકો માટે પૂર્વ પાકિસ્તાન અળખામણો પ્રદેશ હતો. પૂર્વ પાકિસ્તાનના બળવા પાછળ મુખ્યત્વે બંગાળી પ્રજાનો ભાષાપ્રેમ જવાબદાર બની ગયો હતો કારણકે બંગાળી બોલતી પ્રજા ૫૬ ટકાથી વધુ હોવાં છતાં, પાકિસ્તાનના લશ્કરી શાસકોએ ઉર્દુ ભાષાને વધુ મહત્ત્વ આપવાથી બંગાળી ખમીરે બળવો પોકાર્યો હતો. આ ઉપરાંત, ૧૯૭૦ની ચૂંટણીમાં બંગબંધુ શેખ મુજિબૂર રહેમાનની પાર્ટીએ જ્વલંત સફળતા મેળવી તે પણ લશ્કરી શાસકોને ખટકી હતી. ૧૯૭૧ની ૨૫મી માર્ચે લશ્કરી હુમલાઓમાં રીતસર બંગાળી હિન્દુઓની કત્લેઆમ કરવામાં આવી હતી. સમગ્ર બાંગલાદેશમાં લશ્કરી નરસંહારમાં ૨૦૦,૦૦૦થી ૩૦૦,૦૦૦ લોકોને મોતને ઘાટ ઉતારાયાનો અંદાજ છે. જોકે, બ્રિટિશ મેડિકલ જર્નલ ૧૨૫,૦૦૦થી ૫૦૫,૦૦૦નો આંકડો તેમજ અમેરિકન પોલિટિકલ સાયન્ટિસ્ટ રુડોલ્પ રુમેલ કુલ મૃત્યુઆંક ૧.૫ મિલિયન ગણાવે છે. ભારતનું વિભાજન થયું ત્યારે ૧૯૪૭માં પૂર્વ પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી ૩૦ ટકા હતી જે હાલ માત્ર ૯ ટકા રહી છે.
લશ્કરી હુમલા અને હત્યાકાંડોના ચાલેલા દોરથી બાંગલાદેશી શરણાર્થીઓના ધાડા ઘૂસી આવવાથી ભારતને પણ ગંભીર અસર થઈ હતી. આખરે ભારતને બાંગલા મુક્તિબાહિનીને લશ્કરી સાથ આપવાની ફરજ પડી હતી. ભારતની મદદ સાથે બાંગલા મુક્તિબાહિનીએ વિજય મેળવ્યો અને તત્કાલીન પશ્ચિમ પાકિસ્તાની લશ્કરે ઘૂંટણીએ પડી ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી. ભારતના તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની દૂરંદેશીએ આ ગાળામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમેરિકાને આ યુદ્ધથી દૂર રાખવા ઈન્દિરાજીએ સોવિયેત રશિયા સાથે ઓગસ્ટ ૧૯૭૧માં મૈત્રીકરાર કરી લીધો હતો. આમ છતાં, પાકિસ્તાનનો પરાજય નિશ્ચિત જણાયો ત્યારે અમેરિકી પ્રમુખ રિચાર્ડ નિક્સને હિન્દ મહાસાગરમાં સાતમો નોકા કાફલો મોકલી આપ્યો હતો. સામા પક્ષે અણુ મિસાઈલો સાથે સુસજ્જ સોવિયેટ નેવી પણ આવી પહોંચ્યું હતું.
ભારતીયોની માફક બાંગલાદેશીઓ પણ વિદેશમાં ફેલાયેલા છે. યુકેમાં ૭ લાખ બાંગલાદેશી લોકો વસવાટ કરે છે. તેમની સૌથી વધુ ૪૦ ટકા વસ્તી લંડનના ટાવર ઓફ હેમલેટ્સ બરોમાં છે. જોકે, શિક્ષણનો અભાવ હોવાથી રેસ્ટોરાં કે હોસ્પિટાલિટી સિવાયના મહત્ત્વના ક્ષેત્રોમાં તેમની હાજરી ઓછી જણાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ‘નેબરહૂડ ફર્સ્ટ’ નીતિ પ્રાધાન્ય ધરાવે છે. બાંગલાદેશના બે દિવસના પ્રવાસમાં બંને દેશો વચ્ચે પાંચ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કોરોના મહામારીના સંદર્ભમાં ભારતે બાંગલાદેશને ૧૨ લાખ વેકિસન ડોઝ અને ૧૦૯ જીવનરક્ષક એમ્બ્યુલન્સની ભેટ આપી સદ્ભાવના અંકે કરી લીધી છે. બંને દેશ વચ્ચે પ્રજાકીય સંપર્કો વધારવા માટે ઢાકા અને ન્યૂ જલપાઈ ગુડીને સાંકળતી મિતાલી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન પણ દોડાવાશે. ભારતે છઠ્ઠી ડિસેમ્બરે એક દેશ તરીકે સત્તાવાર માન્યતા આપી હોવાની યાદ તરીકે છઠ્ઠી ડિસેમ્બરને ‘મૈત્રી દિવસ’ તરીકે ઊજવવાનો નિર્ણય પણ લેવાયો છે. મહત્ત્વની બાબતો એ પણ છે કે ભારત અને બાંગ્લાદેશ અવકાશ ક્ષેત્રમાં સહયોગ વધારવા તેમજ બિનલશ્કરી પરમાણુ સહયોગ વધારવા પણ સંમત થયા છે.
બાંગલાદેશના સર્જનમાં ભારતનું અનન્ય યોગદાન હોવાં છતાં, બંને દેશોના સંબંધોમાં ચડાવઉતાર પણ જોવાં મળ્યાં છે. લશ્કરી શાસક ઝીઆ ઉર રહેમાનના સમયે ભારતવિરોધી વલણ જોવાં મળ્યું હતું. તેમના પત્ની ખાલેદા બેગમ વડા પ્રધાન હતાં ત્યારે પણ ભારતવિરોધી સૂર પ્રબળ રહ્યો હતો. છેલ્લે ચીનની ચાલમાં આવી જઈને બાંગલાદેશ ભારતથી દૂર જતું રહ્યું હતું. ‘આમાર બાંગલા, સોનાર બાંગલા’નું સૂત્ર ધરાવતા બાંગલાદેશનું ભૌગોલિક મહત્ત્વ વિશેષ છે. દરિયાથી ઘેરાયેલું હોવાં સાથે શણ, ચોખા, વસ્ત્રોની નિકાસમાં તેનો અવ્વલ નંબર છે. આમ, સાર્ક દેશોમાં બાંગલાદેશ સાથે મૈત્રી ભારત માટે પણ મહત્ત્વપૂર્ણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter