ઇચ્છામૃત્યુનો અધિકાર

Tuesday 13th March 2018 14:41 EDT
 

જ્યારે દરેક વ્યક્તિ સન્માન સાથે જીવવાનો અધિકાર ધરાવતી હોય તો પછી સન્માન સાથે મરવાનો કેમ નહીં? ભારતમાં લાંબા સમયથી ચર્ચાના ચોતરે ચઢેલા આ પ્રશ્નનો જવાબ આખરે સર્વોચ્ચ અદાલતે આપી જ દીધો છે. સુપ્રીમ કોર્ટે કેટલીક આકરી શરતોને આધીન ભારતીયોને ‘ઇચ્છામૃત્યુ’નો અધિકાર આપતો ચુકાદો ફરમાવ્યો છે. કોર્ટે આ સીમાચિહનરૂપ ચુકાદો આપતી વેળા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીના શબ્દો ટાંક્યા છે. કોર્ટે જીવનની તુલના દિવ્ય જ્યોતિ સાથે કરી છે તો સાથોસાથ જીવન અને મૃત્યુને એક સિક્કાની બે બાજુ પણ ગણાવ્યા છે. તો આ ચુકાદા સાથે જ અદાલતે દરેક વ્યક્તિને ‘લિવિંગ વિલ’નો અધિકાર આપ્યો છે. જે અંતર્ગત વ્યક્તિ હવે પોતાની હયાતીમાં જ એવું વિલ કરી શકશે કે ભવિષ્યમાં પોતે ગંભીર કે અસાધ્ય રોગની સારવાર દરિમયાન એવી સ્થિતિમાં પહોંચી જાય કે જેની સારવાર જ શક્ય ન હોય અથવા તો કાયમ માટે કોમામાં સરી પડે અને અચેતન હાલતમાં જ વેન્ટિલેટર પર દિવસોના દિવસો સુધી મૂકવા પડે એવી સ્થિતિમાં આવી જાય તો તેવા સંજોગોમાં તેમની લાઇફ સપોર્ટ સિસ્ટમ બંધ કરી દેવામાં આવે. આવું વિલ ના થયું હોય તો તેવા સંજોગોમાં દર્દીના સ્વજનો લાઇફ સપોર્ટ સિસ્ટમ બંધ કરવા દેવાની પરવાનગી માટે હાઇ કોર્ટનો પણ સંપર્ક કરી શકશે.
સર્વોચ્ચ અદાલતે ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોને ‘ઇચ્છામૃત્યુ’નો અધિકાર તો આપ્યો છે. પરંતુ, આ અધિકાર માત્રને માત્ર એવા લોકો પૂરતો જ સીમિત રાખવામાં આવ્યો છે, જેમના સ્વસ્થ થવાની સંભાવના લેશમાત્ર નથી. કોર્ટે ઇચ્છામૃત્યુની નવી જોગવાઇનો દુરુપયોગ રોકવા માટે કેટલીક આકરી શરતો પણ લાદી છે. આ પ્રકારના તમામ કિસ્સામાં મેડિકલ બોર્ડની મંજૂરી અનિવાર્ય બનશે. બહુમતી ભારતીય સમાજ જીવન-મૃત્યુને ઇશ્વરની દેન માને છે ત્યારે આ ચુકાદો ચર્ચાસ્પદ ન બને તો જ નવાઇ. જોકે આમ છતાં સર્વોચ્ચ અદાલતનો આદેશ કેટલાય કેસોમાં આવકાર્ય ગણવો રહ્યો. ઘણી વ્યક્તિઓ જિંદગીની અંતિમ ક્ષણોમાં એટલી હદે રિબાતી હોય છે કે જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે સ્વજનોનો એક જ પ્રતિભાવ હોય છે કે - સારું થયું, બિચારા છૂટી ગયા...
સ્વૈચ્છિક સંસ્થા કોમન કોઝ દ્વારા ૧૩ વર્ષ પૂર્વે ઇચ્છામૃત્યુનો અધિકાર માગતી અરજી થઇ હતી. કોર્ટે અનેકવિધ પાસાંઓ પર ચર્ચાવિચારણા યોજ્યા બાદ, સુનાવણી કર્યા બાદ ચુકાદો આપતાં માન્યું છે કે દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે અને તેમાં અચેતન અવસ્થામાં હોસ્પિટલની પથારીમાં પડ્યા પડ્યા માત્ર મશીનોના સહારે શ્વાસ ચાલતા રહે તેવા જીવનનો સમાવેશ થતો નથી. આ પ્રકારના કેસોમાં દર્દીના શરીરમાં જાત જાતની નળીઓ ખોંસીને તેને કૃત્રિમ તબીબી સાધાનોના સહારે પરાણે જીવીત રાખવો એ ક્રૂરતા અને માનવગૌરવનો ભંગ જ છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા સંદર્ભે મુંબઇની કેઇએમ હોસ્પિટલની નર્સ અરુણા શાનબાગનો ઉલ્લેખનીય છે. એક નરાધમે કરેલા દુષ્કર્મના પ્રયાસ દરમિયાન અરુણા કોમામાં સરી પડી. વર્ષોના વહેવા સાથે પરિવારજનો અને મિત્રો પણ તેને છોડી ગયા. જોકે હોસ્પિટલના સાથી કર્મચારીઓએ તેના અંતિમ શ્વાસ સુધી કાળજી રાખીને સાથ નિભાવ્યો હતો. અરુણાએ લગભગ ૪૨ વર્ષ સુધી નિશ્ચેતન અવસ્થામાં હોસ્પિટલના બિછાને વીતાવ્યા
હતાં. અરુણાને તો નસીબદાર જ ગણી શકાય કે ‘પોતાના’ છોડી ગયા તો ‘પરાયા’એ હૂંફ આપી, પણ આવું જવલ્લે જ બનતું હોય છે તે પણ વરવી વાસ્તવિક્તા છે.
ચુકાદાનો સાર એટલો જ કહી શકાય કે માત્ર શ્વાસ ચાલુ રહેવા એ જ જિંદગી નથી. કોઇ વ્યક્તિને પોતાના શરીર પર થનારા અત્યાચારને અટકાવતી રોકી શકાય નહીં. ઇચ્છામૃત્યુની મંજૂરીનો દુરુપયોગ થઇ શકે છે એવી આશંકાઓને સુપ્રીમ કોર્ટે ગણકારી નથી કારણ કે એમ તો કોઇ પણ કાયદાકીય જોગવાઇનો દુરૂપયોગ થઇ જ શકે છે. આથી વહીવટી તંત્રે એ બાબતની પણ કાળજી લેવી રહી કે નવી જોગવાઇનો દુરુપયોગ ન થાય તે માટે આવશ્યક શરતોનું ચોકસાઇપૂર્વક પાલન થાય. સંપતિના વિખવાદ કે વસિયતના દુરુપયોગની આશંકા ન રહે તેવી જોગવાઇઓ પર
પણ વિચારણા કરવી જોઇએ. ‘ઇચ્છામૃત્યુ’નો અધિકાર આપવાનો નિર્ણય ઐતિહાસિક છે અને તે જ સંદર્ભમાં મૂલવવામાં આવશે તેવી
અપેક્ષા અસ્થાને નથી. આ વિષય માનવીય સંવેદનાઓ સાથે જોડાયેલો હોવાથી આમાં રાજકારણ ન થાય તો સારું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter