ઉત્તરાખંડમાં તારાજીએ અનેક પ્રશ્નો સર્જ્યા

Tuesday 09th February 2021 14:30 EST
 
 

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નંદાદેવી ગ્લેશિયર તૂટવાના કારણે સર્જાયેલી ભારે તારાજીએ અનેક પ્રશ્નો પણ સર્જ્યા છે. ગ્લેશિયર તૂટવાના કારણે ઋષિ ગંગા નદીમાં અચાનક ધસમસતા પ્રવાહ સાથે આવેલા પૂરથી તેના માર્ગમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સહિત જે પણ આવ્યું તેનો વિનાશ થયો છે.
જોકે, ગ્લેશિયરનો કોઈ હિસ્સો તૂટવાથી ઋષિગંગામાં વિનાશક પૂર આવ્યાની દલીલ સાથે આંતરરાષ્ટ્રીય ભૂગર્ભ વિજ્ઞાનીઓ અને ગ્લેશિયરોના નિષ્ણાતો સહમત થતા નથી. તેમનો દાવો છે કે આ ઘટના ગ્લેશિયર તૂટવાની નહિ, પરંતુ ભૂસ્ખલનની છે. ભૂસ્ખલનથી નીચેના ગ્લેશિયર પર દબાણ સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનો દાવો યુનિવર્સિટી ઓફ કેલગેરીના જીઓલોજિસ્ટ અને ગ્લેશિયર એક્સપર્ટ ડોક્ટર ડૈન શુગરે સેટેલાઇટ ઇમેજની તપાસ થકી કર્યો છે.
આ જે તબાહી સર્જાઈ તેમાં દોષનો ટોપલો માત્ર આબોહવા પર ઢોળી દેવાનું યોગ્ય નથી. ચમોલી દુર્ઘટના કુદરતી કરતાં વધુ તો માનવસર્જિત ગણાવી શકાય. જે રીતે વિકાસના નામે હિમાલયનો ભોગ લેવાઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખતા પ્રકૃતિએ થોભી જાવનો આદેશ આપ્યો હોય તેમ જણાય છે. જ્યારે પર્યાવરણીય સમતુલા ખોરવાય છે ત્યારે આવી દુર્ઘટના અને નુકસાન મારફત પ્રકૃતિ માનવીને અટકી જવાનો સંદેશો પાઠવે છે. કોઈ પણ નાજૂક પર્વતીય વ્યવસ્થાની તળેટીઓમાં વારેવારે પત્થરોના ખોદકામ, પર્વતોના બ્લાસ્ટ અને બંધોના નિર્માણની સાથોસાથ ટનલ્સના ખોદકામ જેવી પ્રવૃત્તિઓએ સ્થાનિક પર્યાવરણ સાથે વિનાશની રમત જ ખેલી છે.
આ વિનાશને રોકી શકાય તેમ હતો. ગંગા શુદ્ધિકરણ મંત્રાલયે ૨૦૧૬માં તપોવન વીજ પ્રોજેક્ટ અંગે સુપ્રીમ કોર્ટ સમક્ષ વાંધો રજૂ કરી ઉત્તરાખંડમાં નવા બંધ અને પાવર પ્રોજેક્ટને ખતરનાક ગણાવ્યા હતા. આ પછી પણ બંધનું નિર્માણ ચાલુ રહ્યું. છેક ૨૦૦૯માં સુરંગ માટે બોરિંગ દરમિયાન અલકનંદાના કિનારે જમીનની અંદર પાણી રોકતા પથ્થરો તૂટી ગયા હતા ત્યારે પર્યાવરણવિદોએ ચેતવણી ઉચ્ચારી હતી પણ પર્યાવરણ મંત્રાલયે તેને ફગાવી દીધી હતી. ભાગીરથી નદીને ૮૧ ટકા અને અલકનંદા નદીને ૬૫ ટકા નુકસાન થયું છે. ૧૯૮૦ પછી માર્ગો અને વિદ્યુત પ્રોજેક્ટ માટે ૮.૦૮ લાખ હેક્ટર વનભૂમિને નુકસાન થયું છે. ગંગાના ઉપરવાસ ક્ષેત્રનો હિસ્સો ભૂસ્ખલનવાળો છે અને સુરંગો માટે કરાતા વિસ્ફોટોએ વિસ્તારોને વધુ નાજુક બનાવી દીધા છે.
ઉત્તરાખંડના ઉપરવાસમાં ગંગા નદીને વિશાળ જળપ્રવાહ પૂરો પાડતી નાની નદીઓની સિસ્ટમ છે તેના પર ૧૬ બંધ બંધાયેલા છે અને વધુ ૧૩ બંધ નિર્માણાધીન છે. રાજ્ય સરકારે આ નદીઓની જળઉર્જા ક્ષમતાને નાથવા વધુ ૫૪ બંધની દરખાસ્તો મૂકી છે. ધૌલી ગંગા નદી પર નવા આઠ હાઈડલ પ્રોજેક્ટ્સની દરખાસ્ત મૂકાઈ હતી. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનનો તપોવન પ્રોજેક્ટ તો પાણીમાં જ વહી ગયો છે.
ધ્યાન ખેંચનારી બાબત તો એ છે કે એક દાયકાથી ઓછાં સમયગાળામાં બે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ૨૦૧૩માં યાત્રાની સીઝન દરમિયાન અચાનક આવેલા પૂરે કેદારનાથ મંદિરને તહસનહસ કરી નાખ્યું હતું અને ૩,૦૦૦ જેટલા લોકોએ જાન ગુમાવ્યા અને હજારો લોકો લાપતા બન્યા હતા. ઈશ્વરનો પાડ માનીએ કે ચમોલીમાં મોટી સંખ્યામાં માનવવસ્તી ન હતી કારણકે ઋષિ ગંગા અને ધૌલી ગંગા પ્રમાણમાં નાની નદીઓ છે. બે હાઈડલ પ્રોજેક્ટમાં કામ કરતા માણસો માર્યા ગયા છે અથવા લાપતા બન્યા છે.
આબોહવા પરિવર્તને પણ પોતાની ભૂમિકા ભજવી છે. કાઠમંડુસ્થિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD)ના નવા રિપોર્ટ અનુસાર જો વિશ્વમાં પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટના ૧.૫ ડીગ્રી સેલ્સિયસ તાપમાન વધારાની મર્યાદાને જાળવી રખાય તો પણ હિંદુકુશ હિમાલયન ક્ષેત્રમાં ગ્લેશિયર્સનો ૩૬ ટકા જથ્થો વર્ષ ૨૧૦૦ના અંત સુધીમાં અદૃશ્ય થઈ જશે. ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના હિમાલયન ગ્લેશિયર્સ સંબંધિત ડેટા પર નજર નાખીએ તો જણાશે કે ચમોલી આવ્યું છે તે સેન્ટ્રલ હિમાલયન કેચમેન્ટ વિસ્તારમાં આ સદીના પ્રથમ ૨૦ વર્ષમાં ગ્લેશિયર્સ પીગળવાનું વધ્યું છે. ૨૦૦૦ કિલોમીટરમાં પથરાયેલા ૬૫૦ ગ્લેશિયર્સનો અભ્યાસ કહે છે કે ૧૯૭૫-૨૦૦૦ના ગાળાની સરખામણીએ ગ્લેશિયર્સ પીગળવાનું બમણું થયું છે. ગંગા ગ્લેશિયર્સ ઝડપથી પીગળશે તો ઉત્તરમાં ઉત્તરાખંડથી માંડી દક્ષિણમાં બાંગલાદેશ સુધીના ગંગા નદીના બેઝિન વિસ્તારમાં રહેતા આશરે ૬૦૦ મિલિયન લોકોના જીવનને અસર થશે.
આજે નુકસાન થાય અને આવતી કાલે સમારકામ કરીએ તે કોઈ ઉપાય કે વિકલ્પ નથી. સાચો વિકલ્પ તો હિમાલય અને તેના પર્યાવરણને બચાવવાનો છે. આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ નિશ્ચિત કરી શકાયું નથી પરંતુ, એક બાબત તો ચોક્કસ છે કે હિમાલય ક્ષેત્રમાં પ્રોજેક્ટ્સનો ડહાપણભર્યો વિકાસ કરાયો હોત તો તેની દુષ્પ્રભાવી અસર ઓછી હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter