એક સલામ માનવાધિકારવાદી ઈરોમ શર્મિલાને

Tuesday 02nd August 2016 11:51 EDT
 

છેલ્લાં ૧૬ વર્ષથી મણિપુરમાં અનશન પર બેઠેલાં માનવાધિકારવાદી ઈરોમ ચાનૂ શર્મિલાએ ભૂખ હડતાળ સમેટવાની જાહેરાત કરી છે. સાથે સાથે જ તેમણે આગામી ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે. મણિપુરમાં અમલી આર્મ્ડ ફોર્સીસ સ્પેશ્યલ પ્રોટેક્શન એક્ટ (‘આફસ્પા’) સામે તેમણે અવાજ ઉઠાવ્યો હતો. પોતાની માગણી મંજૂર કરાવવા, પોતાનો અવાજ સત્તાધિશોના કાને પહોંચાડવા માટે પીડિતો દ્વારા રેલી-ધરણા-પ્રદર્શન સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો થાય છે તેમાં કંઇ નવું નથી. ભારતમાં તો આવા કાર્યક્રમો વેળા જાહેર કે ખાનગી મિલકતોને નુકસાન કરવાની વાતે પણ કોઇ નવાઇ નથી. જોકે ઈરોમ શર્મિલાએ સાવ જ અલગ રાહ ચીંધ્યો હતો. નવેમ્બર ૨૦૦૦માં ઈમ્ફાલમાં આસામ રાઈફલ્સના જવાનોએ કરેલા ગોળીબારમાં ૧૦ નાગરિકોએ જીવ ગુમાવ્યા પછી તેમણે રાજ્યમાંથી ‘આફસ્પા’ ઉઠાવી લેવાની માગ સાથે ભૂખ હડતાળના મંડાણ કર્યા હતા. ઈરોમ નવમી ઓગસ્ટે ઐતિહાસિક ઉપવાસના પારણા કરશે તે સાથે જ અનોખા આંદોલનની દંતકથાનો અંત આવશે. હા, ‘આફસ્પા’ અમલમાં જ છે, અને નજીકના ભવિષ્યમાં તેના રદ થવાની શકયતા નથી.
બે-ચાર દિવસ, ચાર-છ મહિના કે આઠ-દસ વર્ષ નહીં, ૧૬ વર્ષ ચાલેલા તેમના ઉપવાસ આંદોલને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. કોઈને નુકસાન પહોંચાડ્યા વિના કેવી રીતે વિરોધ કરી શકાય તે વાત ઈરોમે સમકાલીન વિશ્વને દેખાડી આપી છે. એક રીતે જોઇએ તો તેમણે મહાત્મા ગાંધીની પરંપરા જ આગળ ધપાવી છેને?! ૪૩ વર્ષના ઈરોમે આ વર્ષોમાં અનાજનો દાણો પણ મોંમાં નાખ્યો નથી.
ઈરોમ તેમનો ઉદ્દેશ હાંસલ કરવામાં પ્રત્યક્ષપણે ભલે નિષ્ફળ રહ્યાં હોય, પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતે ‘આફસ્પા’ સંદર્ભે કરેલું નીરિક્ષણ અવશ્ય તેમના માટે રાહતજનક છે. સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરતા સ્પષ્ટ કર્યું છે કે જે રાજ્યોમાં ‘આફસ્પા’ લાગુ છે, ત્યાંથી માનવ અધિકારોના ભંગની ફરિયાદ પોતાની સમક્ષ આવશે તો તે આ મુદ્દે સુનાવણી કરશે. મતલબ કે સુરક્ષા દળોને ‘આફસ્પા’ અંતર્ગત મળતું સંરક્ષણ હવે પૂરું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય મણિપુર સાથે સંકળાયેલા મામલાની સુનાવણી દરમિયાન જ આવ્યો છે. આ મર્યાદિત, પરંતુ વ્યાપક અસરકર્તા ન્યાયિક સફળતા પછી ઈરોમ તેના મુદ્દાને લઈ પ્રજા વચ્ચે જવાની મજબૂત સ્થિતિમાં છે. લોકો તેમની વાતો પર અવશ્ય ધ્યાન આપશે.
વિધાનસભા ચૂંટણી લડવાના તેમના નિર્ણયને સંઘર્ષની રણનીતિમાં બદલાવ સ્વરૂપે જોઈ શકાય. મણિપુરમાં આવતા વર્ષે ચૂંટણી યોજાઇ રહી છે. ઈરોમ તેમાં શકયત: અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહે તેવી શક્યતા છે. આશા રાખીએ કે એનાથી મણિપુર - અને તેના થકી ભારતભરમાં - નાગરિક અધિકારોના રક્ષણને લઈને જનજાગૃતિ વધશે. એ નિર્વિવાદ છે કે ઈરોમે વ્યક્તિગત અહિંસક સંઘર્ષનો એક વિક્રમ સ્થાપ્યો. તેમની અદમ્ય સંઘર્ષ-ભાવના પ્રશંસનીય છે. ઈરોમે આ લડત થકી એક એવા કાયદાની વિરુદ્ધ લોકચેતના વધારી છે, જેને તેઓ અનુચિત માને છે. ઈરોમ ચાનૂ શર્મિલા લોકતાંત્રિક પ્રણાલિમાં ભળી રહ્યાં છે તે અત્યંત ખુશીની આવકારદાયક ઘટના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter