કચ્છમાં ઊર્જા ટેકનોલોજીની હરણફાળ

Thursday 17th December 2020 01:10 EST
 

ગુજરાતનું કચ્છ એક સમયે માત્ર તેના રણપ્રદેશના કારણે જ ઓળખ ધરાવતું હતું હતું પરંતુ, હવે રણની સાથોસાથ ટેકનોલોજી અને વિકાસના નકશામાં પણ કચ્છનું નામ આલેખાયું છે. દેશ અને ગુજરાતના ઝડપથી વિકાસ પામતા ક્ષેત્રોમાં તેણે સ્થાન મેળવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને નવી ઓળખ આપી ‘કચ્છડો બારે માસ’ને ચરિતાર્થ કર્યું છે. કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ખાવડા નજીક દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ અનર્જી પાર્કનું ખાતમુહૂર્ત કરાયું છે. આ પાર્ક કાર્યરત થશે ત્યારે માત્ર ગુજરાત નહિ, ભારતને પણ પોતાના ઊર્જા લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં મદદ મળશે. ભારત સરકારે ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગા વોટ પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષમતા મેળવવા રાખેલા લક્ષ્યાંકને પાર પાડવામાં આ પાર્કનો ફાળો મહત્ત્વપૂર્ણ ફાળો બની રહેશે. એ પણ ઉલ્લેખનીય છે કે ૨૦૦૧ના વિનાશક ભૂકંપ પછી કચ્છને ફરી બેઠું કરી વિકાસમાર્ગે દોડાવવામાં તત્કાલીન મુખ્યપ્રધાન મોદીની જહેમત અને દિશાસૂચનો કદી ભૂલી શકાય તેમ નથી.
કચ્છમાં દુનિયાના સૌથી મોટા હાઈબ્રિડ રિએન્યુએબલ પાર્કના પ્રોજેક્ટના કારણે ખેડૂતો અને ઉદ્યોગ એમ બંનેને ફાયદો કરાવશે અને પ્રદૂષણ ઘટાડીને પર્યાવરણને બચાવવામાં મદદરૂપ થશે. રિન્યુએબલ એનર્જી પાર્કમાં ઉત્પન્ન થનારી વીજળીથી પ્રતિ વર્ષ ૫૦ મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડ એમિશનને રોકવામાં મદદ મળશે. કચ્છના રિન્યુએબલ એનર્જી પાર્કની વિશાળતાની વાત કરીએ તો સિંગાપોર અને બહેરિનના કદ જેટલા ૭૨,૬૦૦ હેક્ટરમાં ફેલાયેલા પ્લાન્ટની ઊર્જા ક્ષમતા ૩૦ ગીગા વોટ (૩૦,૦૦૦ મેગા વોટ)ની છે અને પવન અને સૌર ઊર્જાના સંગ્રહ માટે પ્રતિબદ્ધ હાઇબ્રિડ પાર્ક બની રહેશે.
આ ઉપરાંત, ધોરડો માંડવીમાં આવેલા પ્રતિ દિન ૧૦ કરોડ લીટર ખારા જળને પીવાલાયક બનાવતા વોટર ડિસિલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું છે. દરિયાના પાણીને મીઠું બનાવનારા આ પ્લાન્ટથી વધનારી જળસુવિધાનો લાભ મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણાને મળશે. નોંધપાત્ર બાબત એ છે કે ગુજરાતમાં આવા પાંચ સ્થળોએ ડિસેલિનેશન પ્રોજેક્ટ સ્થપાવાના છે જે દરિયાકિનારાના રાજ્યો માટે પ્રેરણા બની રહેશે.
વિશ્વ જ્યારે ક્લાઈમેટ ચેન્જના પડકારનો સામનો કરી રહ્યું છે ત્યારે આ પ્રકારના પ્રોજેક્ટસ જરુરી બને છે. એક સમયે બ્રિટનમાં અને ભારત સહિત અન્ય દેશોમાં વીજ ઉત્પાદન માટે કોલસાનો વપરાસ મુખ્ય હતો. હવે અણુવિદ્યુત, સૌરઊર્જા અને પવનઊર્જાનો યુગ છે. ભારતે ૨૦૧૯માં પ્રથમ વખત વર્તમાન માથાદીઠ ઉત્સર્જનનું પ્રમાણ અને ઉર્જાના વપરાશના આધારે ક્લાઈમેટ ચેન્જ પરફોર્મન્સ ઈન્ડેક્સની ૫૭ દેશોની યાદીમાં ટોપ-૧૦માં ૯મુ સ્થાન જ્યારે યુકેએ ૭મુ સ્થાન હાંસલ કર્યું હતું. ચીનનું રેન્કિંગ ૩૦ રહ્યું હતું. ચિંતાની બાબત એ છે કે ક્લાઈમેટ ચેન્જને કાબુમાં રાખવા નિશ્ચિત કરાયેલા માપદંડોમાં કોઈ પણ દેશ આદર્શ ગણાયો નથી. ઉલ્લેખનીય એ છે કે આના કારણે ટોપ-૧૦માં પ્રથમ ત્રણ સ્થાન ખાલી જ રખાયા હતા. COP25 ના રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા અને અમેરિકાનું પ્રદર્શન ખુબ જ નબળું રહ્યું છે. ૫૭ દેશોમાંથી ૩૧ દેશ સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરી રહ્યા છે અને વિશ્વના ૯૦ ટકા કાર્બન ઉત્સર્જનમાં તેઓ ભાગીદાર છે. આ પરિસ્થિતિમાં કચ્છમાં સ્થાપિત રિન્યુએબલ એનર્જી પાર્ક જેવા વધુ પ્રોજેક્ટ્સ વિશ્વભરમાં સ્થપાય અને ગ્રીન એનર્જીનું પ્રમાણ વધે તે આવશ્યક ગણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter