કર્ણાટકમાં ખરાખરીનો ચૂંટણી જંગ

Tuesday 08th May 2018 15:26 EDT
 

કર્ણાટકમાં ચૂંટણી વિધાનસભાની છે, પરંતુ તેના પર નજર દેશઆખાની છે. કારણ સ્પષ્ટ છે આ રાજ્યની ચૂંટણીને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી સાથે સાંકળીને મૂલવવામાં આવે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે કર્ણાટકના પરિણામો પરથી આગામી લોકસભા ચૂંટણીમાં કોનો હાથ ઉપર રહેશે તેનો તાગ મળી જશે. આથી જ સહુ કોઇ ચૂંટણી પરિણામના દિવસ - ૧૫ મેની રાહ જોઇ રહ્યા છે. આ પરિણામો ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે તેમાં બેમત નથી. તાજેતરમાં બિહાર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં યોજાયેલી લોકસભા અને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો ભાજપ માટે નિરાશાજનક રહ્યા હતા. પેટા ચૂંટણીના પરિણામો જનતા જનાર્દનની પરિવર્તનની ઝંખનાનો સંકેત આપે છે તેવું ભલે કહેવાતું હોય, પરંતુ જો કર્ણાટકમાં ભાજપ જીતી ગયો તો આ તર્ક ખોટો ઠરવાનો તે નક્કી. ભાજપ કર્ણાટકની ચૂંટણીને દક્ષિણ ભારતના પ્રવેશદ્વાર તરીકે નિહાળી રહી છે, અને આથી જ તેણે રાજ્યમાં વિજયપતાકા લહેરાવવા દિવસ-રાત એક કર્યા છે. જો કર્ણાટકની પ્રજાએ ભાજપને સત્તાનું સિંહાસન સંભાળવા લીલી ઝંડી બતાવી તો સમગ્ર દેશમાં કેસરિયા રંગે રંગી નાખવાનું તેનું લક્ષ્ય ઘણું આસાન થઇ જશે. કર્ણાટકની ચૂંટણીમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્યની પ્રજાએ વીતેલા ત્રણ દસકામાં કોઇ પણ પક્ષને સતત બીજી મુદત માટે સત્તાના સૂત્રો સોંપ્યા નથી. મતદારોનું આ મનોવલણ ભાજપ માટે આશાસ્પદ માહોલ સર્જે છે એ સાચું, પરંતુ...
... જો કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય થયો તો કહેવાશે કે આ પક્ષના પુનરોદ્ધારનો પ્રારંભ છે. લોકસભા ચૂંટણી પૂર્વે અન્ય પક્ષો સાથે રાજકીય જોડાણ કરતી વેળા તે પોતાના દૃષ્ટિકોણને મજબૂતીથી રજૂ કરી શકશે. અન્યથા, બીજા પક્ષો કે સાથે જોડાણ કરતી વેળા તેની સ્થિતિ ઘણી કમજોર થશે. ઉત્તર પ્રદેશમાં આવું જ થયું હતુંને? સબળાના સાળા સહુ કોઇ થાય, નબળાના બનેવી થવાનું કોઇ પસંદ ન કરે તે કોંગ્રેસને અનુભવે સમજાયું છે. આ સિવાય પક્ષના પરાજયથી એક સંકેત એવો પણ વહેતો થશે કે દેશ કોંગ્રેસમુક્ત બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. સરવાળે કોંગ્રેસના નવસંચાર માટે વિજય સિવાય આરોવારો નથી. આ વિજય જ તેના પુનરોદ્ધારનો માર્ગ નિશ્ચિત કરશે.
આમ ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે કર્ણાટકની ચૂંટણીમાં વિજય આગવું મહત્ત્વ ધરાવે છે, પરંતુ તેમનો મારગ આસાન તો નથી જ. આ બન્ને પક્ષોને આગેકૂચ કરતાં પહેલાં મજબૂત પ્રાદેશિક પડકારનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે. અને પડકારનું નામ છે જનતા દળ (સેક્યુલર). રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ કર્ણાટકમાં જનતા દળ (એસ)એ ખાસ્સું કાઠું કાઢ્યું છે. પક્ષના નેતા કુમારસ્વામી યુવા પેઢીમાં લોકપ્રિય છે તે કોંગ્રેસ અને ભાજપ માટે ચિંતાનું કારણ બની શકે છે. કેટલાક જનમત સર્વે પ્રમાણે જનતા દળ (એસ) ૪૦થી ૫૦ બેઠકો પર વિજય મેળવશે તેવી શક્યતા છે. જો આમ થયું તો - રાજ્યમાં કોઇ પણ પક્ષની સરકાર રચાય - જનતા દળ (એસ) કિંગમેકર હશે એ નક્કી છે. સાથોસાથ જનતા દળ (એસ)નો જ્વલંત વિજય પ્રાદેશિક પક્ષો માટે સારા દિવસોના આગમનના એંધાણ લઇને આવશે. પ્રાદેશિક પક્ષો માટે આ બાબત પ્રોત્સાહક હશે, પછી ભલે તે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગમેતેની સાથે જોડાય. કર્ણાટકમાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા ભાજપ અને જનતા દળ (એસ) હાથ મિલાવે તેવા અહેવાલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક ચૂંટણીસભાને સંબોધતાં એવો મુદ્દો ઉછાળ્યો હતો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જનતા દળ (એસ)ના મોભી એચ. ડી. દેવેગોવડાનું અપમાન કર્યું હતું. બીજી તરફ, કોંગ્રેસ પણ જનતા દળ (એસ) સાથે સંપર્ક જાળવવા પ્રયત્નશીલ છે. ન કરે નારાયણ અને ત્રિશંકુ જનમત આવે તો તેના સમર્થનથી સરળતાથી સરકાર રચી શકાય.
પરિણામો બાદ કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે ફરી સરકાર રચશે તો તેના યશના હકદાર સિદ્ધારામૈયા જ હશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અગાઉ જ સ્પષ્ટ કરી ચૂક્યા છે તેમ સિદ્ધારામૈયા જ ફરી મુખ્ય પ્રધાન પદ સંભાળશે. બીજી તરફ, ભાજપે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાને મુખ્ય પ્રધાન પદના દાવેદાર તરીકે આગળ કર્યા છે. પરંતુ જો મતદારોએ ત્રિશંકુ ચુકાદો આપ્યો તો કોંગ્રેસ-ભાજપના નેતૃત્વ અંગેના સમીકરણો ખોરવાઇ જશે તે નક્કી. પ્રજા કોના હાથમાં સત્તાના સૂત્રો સોંપે છે એ તો ૧૫ તારીખે ખબર પડી જશે, પણ અત્યારે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુવરાજ રાહુલ ગાંધી કર્ણાટકને પ્રતિષ્ઠાનો જંગ બનાવીને વિજય માટે દિવસ-રાત એક કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter