કર્ણાટકમાં સઘળા ખેલાડી

Wednesday 23rd May 2018 06:04 EDT
 

કર્ણાટકમાં એ બધેબધું જ થયું, જે કોઇ ઇચ્છતું નહોતું. કર્ણાટકના મતદાતાઓ સત્તા માટેની આવી વરવી સોદાબાજી જોવાનું નહોતા ઇચ્છતા, અને ના તો ભાજપ અને કોંગ્રેસ સત્તા માટેની આવી ખેંચતાણ ઇચ્છતા હતા. ભાજપની દિલ્હીમાં બેઠેલી ટોચની નેતાગીરી જે ઇચ્છતી હતી તેવું પણ ન થયું. ભાજપ સરકારને વિશ્વાસનો મત જીતવા માટે પૂરા ૧૫ દિવસ આપવાની ગવર્નર વજુભાઇ વાળાની ઇચ્છા પણ અધૂરી રહી ગઇ. અને એક દિવસ માટે વિધાનસભાના (પ્રોટેમ) અધ્યક્ષ બનેલા કે. જી. બોપય્યાની - યેદિયુરપ્પા સરકારને ગૃહમાં વિશ્વાસનો મત જીતતી જોવાની - મુરાદ પણ મનમાં જ રહી ગઇ. જો કોઇએ કંઇ ઇચ્છયું હોય, અને તેની ઇચ્છા પ્રમાણે જ બધું સમુસૂતરું પાર પડ્યું હોય તો તે છે સુપ્રીમ કોર્ટ.
કર્ણાટકની પ્રજાએ ત્રિશંકુ ચુકાદો આપ્યા બાદ સરકાર રચવાના મુદ્દે કોકડું ગૂંચવાયું હતું. ગવર્નરે ૧૦૪ બેઠકો જીતનાર ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું, અને કુલ ૧૧૬ બેઠકો ધરાવતી કોંગ્રેસ - જનતા દળ (સેક્યુલર) યુતિના નેતાઓ દોડતા થઇ ગયા. કોંગ્રેસની (વાંધા) અરજીની તાકીદના ધોરણે સુનાવણી કરવા ૧૬ અને ૧૭ મેની મધરાતે ભારતની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખુલ્યા. ત્રણ જજોની બેન્ચે કોઇના પણ નિર્ણય વિશે ટીકા-ટિપ્પણ કર્યા વિના બધાને કઠેડામાં ઉભા કરી દીધા. યેદિયુરપ્પા સરકારને વિશ્વાસનો મત જીતવા માટે ગવર્નર વજુભાઇએ આપેલી ૧૫ દિવસની મુદત ઘટાડીને ૨૪ કલાકની કરી નાંખી, પણ ગવર્નરને શપથ અપાવતા કે યેદિયુરપ્પાને શપથ લેતા અટકાવ્યા નહીં. ગવર્નરે સિનિયોરિટીના નિયમની ખુલ્લેઆમ ઉપેક્ષા કરીને ભાજપના ધારાસભ્ય બોપય્યાને પ્રોટેમ સ્પીકર બનાવ્યા. કોર્ટે આ નિર્ણય સામે તો કોઇ વાંધો ન ઉઠાવ્યો, પરંતુ બોપય્યાની પાંખ એવી રીતે કાપી કે ના તેઓ ખુદ ઉડી શક્યા કે ના તો તેઓ પોતાના પક્ષને ઉડવામાં મદદરૂપ થઇ શક્યા. તેમને માત્ર શોભાનો ગાંઠિયો બનાવી દીધા. કોર્ટે વિશ્વાસ મતની કાર્યવાહી ગુપ્ત મતદાન દ્વારા - બેલેટ પેપર દ્વારા કરાવવાની માગણી ફગાવી દીધી, પરંતુ સાથોસાથ આદેશ આપ્યો કે વિશ્વાસ મત લેવાની સમગ્ર કાર્યવાહીનું લાઇવ ટેલિકાસ્ટ કરો. કર્ણાટક વિધાનસભા ગૃહમાં વિધાનસભ્યો શું કરે છે તેના પર નજર રાખવાનું કામ દેશવાસીઓને સોંપી દીધું.
કોર્ટે કોંગ્રેસની કોઇ દલીલ મંજૂર ન રાખી, અને તેમ છતાં ન્યાયતંત્રની શાખ, વિશ્વસનિયતાને રતિભાર પણ ઘસારો ન લાગે તેવી ટકોરાબંધ કામગીરી કરી. કોર્ટે એક પણ પક્ષકારને અસંતોષ ન રહે તે રીતે તમામ સાથે ન્યાય પણ કર્યો અને ગવર્નરના હોદ્દાથી માંડીને વિધાનસભા ગૃહની બંધારણીય ગરિમાનું જતન પણ કર્યું.
ભારતીય ન્યાયતંત્રે તો તેની ફરજ સુપેરે બજાવી પણ આપણા રાજકીય પક્ષોની નીતિરીતિનું શું? લોકોએ ખોબલા મોઢે મત આપીને ચૂંટેલા પ્રતિનિધિઓની નૈતિક્તાનું શું? લોકો આઘાત અને આશ્ચર્ય સાથે એ જોઇ રહ્યા હતા કે કોનું કેટલું પતન થઇ રહ્યું છે અને તેઓ કઇ રીતે લોકતંત્રની આબરૂના લીરા ઉડાડી રહ્યા છે.
કર્ણાટકમાં જે તાયફો જોવા મળ્યો એ લોકતંત્રનો ખેલ હતો. કેટલાક રાજભવન તરફ દોડતા જોવા મળતા હતા તો કેટલાક અદાલતના શરણે પહોંચ્યા હતા અને કેટલાક લોકો ધારાસભ્યો સાથે તડજોડ કરવાના કામે વળગ્યા હતા. જે લોકો રંગેચંગે વિજયનો જશ્ન મનાવી રહ્યા હતા તેમને અચાનક લકવો મારી ગયો અને જેમને લકવો મારી ગયો હોય તેવું લાગતું હતું તેઓ દોડતા થઇ ગયા હતા. લોકતંત્રનો ખેલ પૂરો થયો. આ પછી લોકતંત્ર સાથે રમત શરૂ થઇ. યુતિ, મોરચો કે સાદા શબ્દોમાં કહીએ તો જોડતોડ એ રાજકારણનું એક અભિન્ન અંગ છે તે સાચું, પરંતુ રાજકારણ સંપૂર્ણપણે જોડતોડ પર જ નભી શકે નહીં. કર્ણાટકમાં રાજકીય પક્ષોએ કંઇક આવું જ કરવાના ભરચક પ્રયાસ કર્યા.
યેદિયુરપ્પાએ વિધાનસભામાં લાગણીસભર સંબોધન બાદ રાજીનામું આપવાની જાહેરાત કરીને અટલ બિહારી વાજપેયીના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો. આનાથી કદાચ એ તો લોકલાગણી જીતી ગયા હશે, પણ ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને રાજ્યપાલ વજુભાઇ વાળાના કપાળે લાગેલો કાળો ટીકો વધુ ઘેરો થઇ ગયો છે. ગવર્નર તો સીધા જ આરોપીના કઠેડામાં આવી ગયા છે. તેમણે જે ટૂંકી રાજકીય દૃષ્ટિનો પરિચય આપ્યો છે તેવું ભાગ્યે જ જોવા મળે છે. તો અમિત શાહના સંબોધનમાં સત્તાનો મદ છલકતો જોવા મળતો હતો. આ જ કારણસર ચૂંટણીમાં પ્રજાલક્ષી મુદ્દાઓ કોરાણે મૂકાઇ ગયા હતા. એકબીજાનો સફાયો કરી નાખવાનો નારો, કોંગ્રેસમુક્ત ભારતનો નારો છવાયો. ચૂંટણી નૈતિક મૂલ્યહીન હારજીતનો અખાડો બની ગઇ.
ભાજપે કર્ણાટકમાં પણ લોકતંત્ર સાથે એ જ રમત રમી, જે તેણે ગોવા, મણિપુર, મેઘાલય વગેરેમાં કરી હતી. કર્ણાટકમાં બીજા નંબરે રહેલી કોંગ્રેસ માર્ચ ૨૦૧૭માં મણિપુર ચૂંટણીમાં ૨૮ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હતી, પરંતુ સરકારની રચના ૨૧ બેઠકો જીતનાર ભાજપે કરી હતી. ગોવામાં પણ કોંગ્રેસ (૧૭ બેઠક) અને ભાજપ (૧૩ બેઠકો)ની આવી જ સ્થિતિ સર્જાઇ હતી. ગત ફેબ્રુઆરીની જ વાત કરીએ, મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં પણ રાજ્યપાલ ગંગાપ્રસાદે સૌથી મોટા પક્ષ કોંગ્રેસ (૨૧ બેઠક)ને નકારીને સંગમા (૧૯ બેઠક)ને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. જિસકી લાઠી ઉસકી ભેંસનું અભિયાન બેરોકટોક ચાલ્યું હતું.
આ દરેક વખતે કોંગ્રેસ મૌન બનીને રાજકીય તમાશો જોતી રહી હતી. કાં તો તે સમસમીને બેસી રહેતી હતી અથવા તો તેને ગતાગમ જ નહોતી કે આવા સંજોગોમાં ક્યા ક્યા વિકલ્પો અપનાવી શકાય. જોકે આ વખતે પહેલી વાર કોંગ્રેસ આટલી જાગ્રત અને આક્રમકતા સાથે લડવાના મૂડમાં જોવા મળી. છેક એટલે સુધી કે પોતાના હકના અધિકારની લડાઇ માટે તેણે મધરાતે સર્વોચ્ચ ન્યાયાલયનો દરવાજો ખખડાવ્યો. પ્રોટેમ સ્પીકરની નિમણૂકમાં જોગવાઇનો ભંગ થયાનું જણાયું તો થોડાક જ કલાકોમાં તેઓ ફરી કોર્ટમાં પહોંચ્યા. લોકોએ પણ સાચા અર્થમાં અનુભવ્યું કે લોકતંત્રમાં વિપક્ષની ભૂમિકા શાસક પક્ષ કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ છે. ભાજપ છેક સુધી એવા જ ભ્રમમાં રહી ગયો કે તે પોતાની યોજના મુજબ યેનકેન પ્રકારેણ સરકાર રચી જ લેશે, પરંતુ કોંગ્રેસના આક્રમક
અભિગમ અને રાજકીય વ્યૂહરચનાએ તેના પગે પાણી ઉતારી દીધું.
કર્ણાટકના ચૂંટણી પરિણામો જ નહીં, તે પછી ખેલાયેલા રાજકીય કાવાદાવા પણ તમામ રાજકીય પક્ષો, સવિશેષ તો શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ માટે બોધપાઠ લઇને આવ્યા છે. ભાજપ એ વાતે આત્મનિરીક્ષણ કરવું રહ્યું કે ક્યાંક સત્તાના મદમાં તેની આંખે એટલી ઝાંખપ તો નથી આવી ગઇને કે નરી આંખ સામેનું સત્ય પણ નજરે પડતું નથી. આજે ભાજપના સહયોગીઓ એક પછી એક છેડો ફાડી રહ્યા છે કે છેડો ફાડવાની તૈયારીમાં છે. તેલુગુ દેસમ તો સાથ છોડી ગયો જ છે, અને અસમ ગણ પરિષદ, શિવ સેના, અકાલી દળ જેવા જૂના સાથીઓમાં અસંતોષ પ્રવર્તે છે. બીજી તરફ, કર્ણાટકમાં સત્તામાં ભાગીદાર બનવામાત્રથી કોંગ્રેસે પણ હરખાઇ જવાની જરૂર નથી. તેણે યાદ રાખવું રહ્યું કે લોકોએ તેને ફરી સત્તા નથી આપી, પણ તેણે (ભાજપને સત્તાથી દૂર રાખવાની મજબૂરીના લીધે) તડજોડ કરીને સત્તા હાંસલ કરી છે. ગત ચૂંટણીમાં ૧૨૨ બેઠકો જીતનાર પક્ષ આ વખતે ૭૮ બેઠકો પર સમેટાઇ ગયો છે. પક્ષનો આ દેખાવ સ્પષ્ટ કરે છે કે તેણે ૨૦૧૯નો લોકસભા ચૂંટણી જંગ જીતવો હશે તો લોકોનો વિશ્વાસ હાંસલ કરવો પડશે અને આ માટે આકરી મહેનત કર્યા વગર છૂટકો નથી.
રાજકીય વિશ્લેષકો કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લોકસભા ચૂંટણીની સેમિ-ફાઇનલ ગણાવતા રહ્યા છે. આ સેમિ-ફાઇનલના પરિણામો લોકમાનસને પ્રતિબિંબિત કરે છે. ભાજપ તેમજ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષે સમજવું રહ્યું કે ૨૦૧૯ના જંગનો મુકાબલો આસાન નથી. પોતાની તરફેણમાં સ્પષ્ટ જનમત મેળવવો હશે તો તેમણે વિચાર-વાણી-વર્તનનો ત્રિવેણીસંગમ રચ્યા વગર છૂટકો જ નથી. લોકો હવે મૂલ્યહીન રાજકારણથી તોબા પોકારી ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter