કાશ્મીર પ્રશ્નઃ ચર્ચાથી આગળ વધવાનો સમય

Tuesday 16th August 2016 14:19 EDT
 

કાશ્મીર મુદ્દો છેલ્લા સાત દસકામાં કદાચ ક્યારેય ચર્ચામાં નહીં રહ્યો હોય એટલો અત્યારે ચર્ચામાં છે. કાશ્મીર ખીણમાં લગભગ પોણા બે મહિનાથી પ્રવર્તતી અશાંતિ વિશે સંસદમાં પણ ચર્ચા થઇ ચૂકી છે, સર્વપક્ષીય બેઠક પણ યોજાઇ ચૂકી છે. અને ૭૦મા સ્વાતંત્ર્ય પર્વે વડા પ્રધાને લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનમાં પણ આ મુદ્દો ચમક્યો છે. સંસદથી માંડીને સર્વપક્ષીય બેઠક સુધીના અહેવાલ દર્શાવે છે કે હંમેશા વિરોધાભાસી રાગ આલાપતા રહેતા ભારતના રાજકીય પક્ષો કમસે કમ કાશ્મીર મુદ્દે એક મત છે. આને ભારતીયોનું સદભાગ્ય જ ગણવું રહ્યું. પરંતુ અહીં સવાલ એ છે કે શું કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે માત્ર આટલું પૂરતું છે ખરું?!
વાત ન ગમે તેવી હોવા છતાં વાસ્તવિક્તા એ છે કે આપણી - આંતરિક - મંત્રણાથી કાશ્મીરની સ્થિતિ બદલાવાની નથી. ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની કે પછી બીજા કોઇ પક્ષની - કાશ્મીર મુદ્દે એકમેવ નીતિ બનાવવાની તાતી આવશ્યક્તા છે. માત્ર કાશ્મીર જ નહીં, પાકિસ્તાન માટે પણ ચોક્કસ નીતિ ઘડવાની જરૂર છે. પાકિસ્તાન સાથે કઇ રીતે વાત કરવાની છે? શરતો સાથે વાત કરવી છે કે બિનશરતી? જો શરત હશે તો તેનો આધાર શું હશે? ભલે આ બધું કંઇ રાતોરાત નહીં થઇ જાય, પણ આ બધું નિયત સમયમર્યાદામાં નક્કી કરવું જ રહ્યું. અત્યારે તો એવું થઇ રહ્યું છે કે ક્યારેક મંત્રણા કરીએ છીએ તો ક્યારેક એવી જાહેરાત કરીએ છીએ કે હવે કોઇ જ મંત્રણા નહીં થાય. કાશ્મીર મુદ્દે નક્કર નીતિ બનાવ્યા વગર કોઇ ફળદાયી પરિણામની આશા રાખવી વ્યર્થ છે. સમસ્યા કાશ્મીર ખીણમાં હોય તો નિરાકરણ પણ ત્યાં જ શોધવું આવશ્યક છે.
દસકાઓથી કાશ્મીર મુદ્દે ચર્ચા ખૂબ થઇ રહી છે, પણ આજ સુધી શાસકો ત્યાંના લોકોનો વિશ્વાસ જીતી શક્યા નથી તે અફસોસજનક છે. આથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી પ્રજામાં વિશ્વાસ જગાવવાની વાત કરી છે તે આવકાર્ય છે. ભારત દેશ પાકિસ્તાનની સરખામણીએ ઘણો વિશાળ પણ છે અને શક્તિશાળી પણ. લોકતંત્ર પણ ઘણું મજબૂત છે. આ બધા પાસાને કેન્દ્રમાં રાખીને કાશ્મીરી પ્રજાનો વિશ્વાસ જીતી શકાય તેમ છે. દેશની સુરક્ષા સાથે કોઇ બાંધછોડ નહીં થાય, એવી વડા પ્રધાનની વાતમાં પણ દમ તો છે જ, પરંતુ સરકારે એ પણ લોકોને સમજાવવું રહ્યું કે આ માટે ક્યા પ્રકારના પગલાં લેવાશે. ભારતનો ઇતિહાસ તપાસશો તો જણાશે કે કાશ્મીરની સ્થિતિ આ હદે ક્યારેય કથળી નથી. ત્યાં હાલત બગડવાનું શરૂ થયું ૧૯૮૬-૮૭ના અરસામાં. હા, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહના વડા પ્રધાન પદ દરમિયાન સંજોગો કંઇક અંશે સુધર્યા હતા. અલબત્ત, તે સમયે પણ આતંકવાદ તો હતો જ.
ભારતની કદાચ સૌથી મોટી મુશ્કેલી એ છે કે કાશ્મીરમાં સંજોગ થોડાંક પણ સુધરે છે કે શાસકો એવી ભ્રમણામાં રાચવા લાગે છે કે બધું ઠીકઠાક છે. પ્રશ્ન જેટલો રાજકારણ સાથે સંકળાયેલો છે તેટલો સુરક્ષા, ત્રાસવાદ કે વિકાસ જેવા મુદ્દા સાથે સંકળાયેલો નથી. આજે રાજકીય સ્તરે નક્કર પગલાં લેવાની તાતી જરૂર છે. સૌથી મહત્ત્વની વાત, જે વડા પ્રધાને પણ કરી છે તે - એ છે કે કાશ્મીરી પ્રજાને વિશ્વાસમાં લેવી પડશે. સતત સંવાદ થકી જ આ શક્ય છે. સહુ કોઇ જાણે છે કે કાશ્મીરનો એક હિસ્સો પાકિસ્તાનના કબ્જામાં છે. આ સંજોગોમાં ભારત સરકારનો એ મુદ્દો વાજબી જ છે કે આઝાદ કાશ્મીર સહિત સમગ્ર કાશ્મીર મુદ્દે જ મંત્રણા કરવી જોઇએ. રહી વાત કાશ્મીરમાં પાકિસ્તાનપ્રેરિત ઘૂસણખોરીની, તો આપણે પાકિસ્તાનને સમજાવવું પડશે કે સંઘર્ષથી કોઇને લાભ નથી. બન્ને દેશના શાસકો પોતપોતાની પ્રજાને ખુશ રાખે તેમાં જ સહુની ભલાઇ છે. મોટો દેશ હોવાના નાતે આપણે દિલ પણ મોટું રાખવું પડશે. આ માટે આપણે આંતરિક મતભેદો પણ ઉકેલીએ. વડા પ્રધાને સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં બલૂચિસ્તાન, ગિલગીટ પ્રદેશોનો, તેની પ્રજાની લાગણીનો ઉલ્લેખ કર્યો તો વિપક્ષ કોંગ્રેસે તેમને સલાહ આપી છે કે પાકિસ્તાન મુદ્દે જાહેરમાં બોલવું યોગ્ય નથી. શા માટે ભલા? પાકિસ્તાને તેનો સ્વાતંત્ર્ય દિન કાશ્મીરીઓને સમર્પિત કર્યો હોવાનું નિવેદન તેના દિલ્હીમાં બેસતાં હાઇ કમિશનર આપી શકતા હોય તો વડા પ્રધાનના શબ્દોમાં ખોટું શું છે? તમે સતત કનડતા દુશ્મનને ધમકાવો નહીં, પણ ખોંખારો તો ખાવો જ પડેને?!
બન્ને દેશની પ્રજા આ મુદ્દે બહુ સંવેદનશીલ છે. પાકિસ્તાને હંમેશા તેની આંતરિક પ્રશ્નોથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા કાશ્મીર મુદ્દાનો ઉપયોગ કર્યો છે, પણ ભારત સરકારે લોકોની લાગણને નજરમાં રાખીને સમાધાન શોધવું પડશે. મોદી સરકારને પ્રજાએ પૂર્ણ બહુમતીથી ચૂંટી છે ત્યારે તેણે રાષ્ટ્રહિતને નજરમાં રાખીને કાશ્મીર મુદ્દે યોગ્ય નીતિ ઘડવી રહી. ભારત હોય કે પાકિસ્તાન - શાસકોએ સમજવું પડશે કે અશાંતિથી આખરે તો વિકાસ જ અવરોધાતો હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter