કાશ્મીરમાં અલગતાવાદને નાથ્યા વગર આરો નથી

Tuesday 12th July 2016 15:10 EDT
 

ભારતવિરોધી અલગતાવાદની આગે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરની શાંતિને પલિતો ચાંપ્યો છે. હંમેશા શાંતિમય માહોલ ખોરવવાની તાકમાં રહેતા અલગતવાદીઓએ આ વખતે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઠાર મરાયેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીના મોતને હાથો બનાવ્યો છે. કટ્ટરવાદીઓ જેને ‘શહીદ’ ગણાવી રહ્યા છે તે બુરહાન વાનીના મોતના વિરોધમાં ફાટી નીકળેલા તોફાનો ૨૩ માનવજિંદગીને ભરખી ગયા છે. ખીણ પ્રદેશમાં ૧૯૯૬ બાદ પહેલી વખત એવું બન્યું છે કે ધરણાં - વિરોધ પ્રદર્શન માટે આટલી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી પડ્યા હોય. શ્રીનગર, પુલવામા સહિતના વિસ્તારો હિંસામાં ભડકે બળ્યા છે. ગુજરાત સહિત દેશભરમાંથી આવી પહોંચેલા અમરનાથ યાત્રિકો માર્ગમાં અધવચ્ચે જ અટવાયા છે.
કાશ્મીરમાં ભાગલાવાદીઓની મોડસ ઓપરેન્ડી સરળ છે. સુરક્ષા દળો સામે વિરોધ પ્રદર્શન વેળા હંમેશા તેઓ લોકોનાં ટોળાં આગળ ધકેલી દે છે. પરિણામે સલામતી દળો સ્વરક્ષણ માટે કે સ્થિતિને અંકુશમાં લેવા બળપ્રયોગ કરે અને મૃત્યુઆંકમાં એકાદનો પણ ઉમેરો થાય કે અલગતાવાદીઓને પ્રજાને પણ ઉશ્કેરવાનો મોકો મળી જાય છે. સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન જાણ્યે-અજાણ્યે એકાદ વ્યક્તિનું મોત થાય કે એનો સમગ્ર પરિવાર, સમગ્ર વિસ્તાર અલગતાવાદીઓ માટે સહાનુભૂતિ ધરાવતો કે તેમને સમર્થન આપતો થઇ જાય છે. આતંકવાદીઓ આ પરિસ્થિતિનો ભરપૂર લાભ ઉઠાવે છે.
અલગતાવાદીઓની યુક્તિમાં ફસાયેલા નિર્દોષ લોકો સલામતી દળોની ગોળીનો શિકાર બની રહ્યા છે અને એ રીતે સલામતી દળો સામેનો આક્રોશ પણ ઉગ્ર બની રહ્યો છે. ત્રાસવાદીઓનો બદઇરાદો સાકાર થતો અટકાવવા કાશ્મીરના અનેક શહેરોમાં કરફ્યુ લદાયો છે. મોબાઇલ સેવા, ઇન્ટરનેટ વગેરે પર પ્રતિબંધ મૂકાયો છે.
અલબત્ત, રાજકીય વિશ્લેષકોનો એક વર્ગ એવું પણ માને છે કે, કાશ્મીરમાં હિંસાનો જે દાવાનળ ફાટી નીકળ્યો છે તેના મૂળમાં લોકોમાં લાંબા સમયથી ધરબાયેલો આક્રોશ છે, ખાસ તો યુવા પેઢી નારાજ છે. તેઓ માને છે કે કાશ્મીર સમસ્યાના નિવારણ માટેના પ્રયાસો ઠપ્પ થઇ ગયા છે. ભારત સરકાર કે રાજ્ય સરકાર તરફથી આ દિશામાં નક્કર પ્રયાસો થતા નથી.
સ્થાનિક કાશ્મીરી પ્રજા સહિત સહુ કોઇ જાણે છે કે આ સમસ્યાનો ઉકેલ હાથવેંતમાં નથી. એટલું જ નહીં, આ સમસ્યાનું કોકડું ક્યારે ઉકેલાશે તે પણ કોઇ જાણતું નથી. છતાં તે વાતે ભાગ્યે જ કોઇ ઇન્કાર કરશે કે આ મુદ્દો આમ આદમીની લાગણી સાથે જોડાયેલો છે. આથી આ પ્રશ્ને દાખવાતી કથિત ઉપેક્ષાથી કાશ્મીરીઓમાં કચવાટ પ્રવર્તે છે. અધૂરામાં પૂરું, રાજ્યમાં આર્થિક વિકાસ અંગે અસંતોષ પ્રવર્તે છે. ધંધા-રોજગારની તકોનો અભાવ છે.
અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે ચર્ચા થતી રહેતી હતી. ક્યારેક ભારત સરકાર કાશ્મીરના અલગતાવાદી જૂથોનું નેતૃત્વ કરતી હુર્રિયત કે અન્ય જૂથના નેતાઓ સાથે ચર્ચા કરતી હતી તો ક્યારેક રાજ્ય સરકારના પ્રતિનિધિ. પરિણામે લોકો એવી લાગણી અનુભવતા કે કોઇને કોઇ તો કાશ્મીરનું કોકડું ઉકેલવામાં રસ લઇ રહ્યું છે. પરંતુ છેલ્લા લાંબા સમયથી પાકિસ્તાનની અવળચંડાઇના કારણે કાશ્મીરમાં મંત્રણાની પ્રક્રિયા લગભગ ઠપ્પ છે. ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય મંત્રણા તો અટકી જ છે, ભારત સરકાર દ્વારા પ્રાદેશિક સ્તરે પણ કોઇ પ્રયાસો થઇ રહ્યાનું જણાતું નથી. સંભવ છે કે ભારત સરકાર કે રાજ્ય સરકાર લોકનજરથી દૂર રહીને આંતરિક સ્તરે આ પ્રકારના પ્રયાસો કરી રહી હોય, પરંતુ સત્તાધિશોએ એ ન ભૂલવું જોઇએ કે આ મુદ્દા સાથે લોકલાગણી સંકળાયેલી છે. આથી માત્ર પ્રયાસ કરવા પૂરતા નથી, પ્રયાસો થઇ રહ્યા છે એવી લોકોને અનુભૂતિ થવી પણ એટલી જ જરૂરી છે.
કાશ્મીરી પ્રજા અલગતાવાદીઓના ઇશારે દોરવાય રહી છે તેના કરતાં તેમણે જ ચૂંટેલી સરકારમાં વધારે ભરોસો કરતી થાય તે આજના સમયની માગ છે. આમ થયે જ રાજ્યમાં થોડા થોડા સમયના અંતરે ઉઠતા હિંસાના જુવાળને ડામી શકાય તેમ છે. આ વખતના હિંસક વિરોધ પ્રદર્શન પરથી એ વાતનો સ્પષ્ટ સંકેત મળે છે કે પીડીપી-ભાજપ યુતિ સરકાર લોકોનો ભરોસો જીતવામાં હજુ સુધી તો સફળ થઇ નથી.
આતંકી બુરહાન વાનીને ‘કાશ્મીરના શહીદ’ તરીકે ચીતરવામાં કટ્ટરવાદીઓને સફળતા મળતી હોય તો એનો અર્થ એ પણ છે કે લોકોના મનોમસ્તિષ્ક સુધી પહોંચવામાં અને ત્રાસવાદીઓના અપપ્રચારને ખાળવામાં સરકાર નિષ્ફળ ગઇ છે. લોકોનો વિશ્વાસ જીતવા માટે સરકારે લોકમાનસમાંથી અલગતાવાદના વાયરસને દૂર કરવો પડે તેમ છે. સરકાર લોકોના કલ્યાણ માટે છે અને ભારત સરકાર કાશ્મીરીઓના હિત માટે જ કામ કરી રહી છે - કે કઠોર પગલાં લઇ રહી છે - તે ખાતરી કરાવ્યા વગર લોકોનો વિશ્વાસ જીતવો શક્ય નથી.
કાશ્મીરમાં છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન અલગતાવાદના વળતાં પાણી થતાં જોવા મળતા હતા, કેમ કે અલગતાવાદને ઉત્તેજન આત્મઘાતી હોવાનું લોકોને સમજાઇ રહ્યું હતું. હુર્રિયત નેતાઓ લોકનજરમાંથી ઉતરી રહ્યા હતા. પરંતુ, છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમને નવેસરથી જનસમર્થન મળતું થયું છે અને આતંકીઓ પણ ફરી મજબૂત બન્યા છે. મતલબ કે કાશ્મીર પર ધ્યાન આપવામાં ક્યાંક તો કાચું કપાયું છે. મહેબુબા મુફ્તી સરકારમાં ભાજપ પણ ભાગીદાર છે અને ભાજપ જ હાલ કેન્દ્ર સ્તરે સત્તાસ્થાને છે. આથી, કાશ્મીરી પ્રજાનો વિશ્વાસ જીતવાનો આ પડકાર જેટલો પીડીપીનો છે તેટલો કે પછી તેના કરતાં પણ વધારે ભાજપનો પણ છે. કાશ્મીરને અલગતાવાદની ચુંગાલમાંથી છોડાવીને ફરી એક વખત ધરતી પરનું સ્વર્ગ બનાવવા માટે શાસકોએ શક્ય તમામ પ્રયાસો કરવા જ રહ્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter