કાશ્મીરી યુવા પેઢીને યોગ્ય માર્ગે વાળવાની જરૂર

Tuesday 15th May 2018 15:23 EDT
 

કાશ્મીર ખીણ પ્રદેશમાં કેટલાક મહિનામાં સુરક્ષા દળોએ આક્રમક કાર્યવાહી હાથ ધરીને આતંકવાદીઓ પર ચોમેરથી ભીંસ વધારી છે. આથી અલગતાવાદી પરિબળોએ હવે બાળકો અને પર્યટકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં શ્રીનગર-ગુલમર્ગના નરબલમાં પથ્થરબાજોએ કરેલા હુમલામાં તામિલનાડુથી સપરિવાર કાશ્મીર ફરવા આવેલા યુવકનું મૃત્યુ નીપજ્યું. એક સ્થાનિક યુવતીને ગંભીર ઇજા થઇ. ગયા વર્ષે ગુજરાતના અમરનાથ યાત્રાળુઓની બસ પર હુમલાની ઘટના બાદ પર્યટક પર હુમલાની આ પહેલી ઘટના છે. કાશ્મીરમાં પથ્થરબાજો સુરક્ષા દળો માટે તો માથાનો દુઃખાવો બન્યા જ હતા, પરંતુ હવે તેમણે પર્યટકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેમની આ માનસિક્તા હતાશા દર્શાવે છે, નહીં તો જે પર્યટકોના જોરે કાશ્મીરી પરિવારોનો જીવનનિર્વાહ ચાલે છે તેમને કોણ નિશાન બનાવે.
ભારતીય સુરક્ષા દળોએ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સામે ૨૦૧૦ બાદ અત્યાર સુધીની સૌથી આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. આતંકવાદીઓના પોસ્ટરબોય બુરહાન વાની અને તેની ગેન્ગના તમામ આતંકીના સફાયાએ ખીણમાં સક્રિય આતંકી સંગઠનોના પાયા હચમચાવી નાખ્યા છે. આ અગાઉ દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનમાં ૧૩ આતંકવાદીને ઠાર મરાયા હતા. તે સમયે આતંકવાદીઓને મદદરૂપ થવા માટે સુરક્ષા દળો પર પથ્થરબાજી કરનારા ચાર નાગરિક માર્યા ગયા હતા.
સરહદપારથી ઘૂસણખોરી મુશ્કેલ બની છે અને ખીણ પ્રદેશમાં સક્રિય આતંકીઓ સામે સુરક્ષા દળોએ આક્રમક અભિગમ અપનાવ્યો છે. આમ બેય બાજુથી ભીંસમાં મૂકાયેલા આતંકીઓ પોતાની હાજરી દેખાડવા જુદા જુદા પ્રકારે હુમલા કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના દક્ષિણ ભાગમાં સ્થિતિ વધુ ચિંતાજનક જણાય છે. સુરક્ષા દળો પર હુમલા અને પથ્થરમારાની સૌથી વધુ ઘટનાઓ અહીં બને છે. આતંકવાદી ઘટનાઓ ઓછી થયાનો સરકાર દાવો તો કરે છે, પણ યુવાનોમાં આતંકવાદના રવાડે ચઢવાનો જુવાળ ઝડપથી પ્રસરી રહ્યો છે તેનું શું?
ભારત સરકારના ગૃહ મંત્રાલયના આંકડા કહે છે કે આતંકી બુરહાન વાનીને જુલાઇ ૨૦૧૬માં ઠાર કરાયા પછી ત્રાસવાદીઓની સંખ્યામાં ૫૫ ટકા વધારો થયો છે. ૨૦૧૦ પછી ૨૦૧૬માં સૌથી વધુ સંખ્યામાં યુવાનો આતંકવાદના રસ્તે ચડ્યા છે. શોપિયાંમાં સુરક્ષા દળો એક તરફ આતંકવાદીઓ સામે લડી રહ્યા હતા ને બીજી તરફ સ્થાનિક યુવાનો તેમના પર પથ્થરમારો કરી રહ્યા હતા. આ સમયે સુરક્ષા દળોએ કરેલા ગોળીબારમાં પાંચ પથ્થરબાજ માર્યા ગયા હતા. આ પહેલી વખત નથી બન્યું કે સુરક્ષા દળોના કામમાં અવરોધ ઊભા કરનારા પથ્થરબાજ માર્યા ગયા હોય, પણ કાશ્મીરના પક્ષો કે નેતાઓએ અત્યાર સુધી ભાગ્યે જ પથ્થરબાજોના ગાંડપણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.
તાજેતરમાં પર્યટકોના વાહન પર થયેલા પથ્થરમારાની શાસક પીડીપી, ભાજપ, નેશનલ કોન્ફરન્સ અને અલગતાવાદી નેતા મીર વાઇઝ ફારુક વગેરેએ આકરા શબ્દોમાં ટીકા કરી છે. મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ કહ્યું કે પર્યટક પર પથ્થરમારાથી ઘટનાથી મારું માથું શરમથી ઝૂકી ગયું છે... પરંતુ શું આટલું પૂરતું છે? આ જ મહેબૂબા મુફ્તી સરકારે લગભગ ૯૦૦૦ પથ્થરબાજો સામેના કેસ પાછા લીધા છે. શું સરકારના પગલાંથી અલગતાવાદીઓનું મનોબળ મજબૂત નહીં બન્યું હોય? આ જ પથ્થરબાજોએ થોડાક દિવસો પહેલાં એક સ્થાનિક સ્કૂલ બસને નિશાન બનાવી માસુમ વિદ્યાર્થીને ઘાયલ કર્યો હતો ત્યારે આ લોકો કેમ ચૂપ હતા? આ ઘટના સમયે જ પથ્થરબાજો વિરુદ્ધ આકરી કાર્યવાહીની જરૂર હતી, પણ કંઇ થયું નહીં.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે આવતા મહિને - ૨૮ જૂનથી અમરનાથ ધામ યાત્રા શરૂ થઇ રહી છે. મોટા ભાગના લોકો વાહનો મારફતે જ પહેલગામ અને સોનમર્ગના રસ્તે પવિત્ર શિવલિંગના દર્શન માટે જતા હોય છે. પહાડ અને જંગલમાંથી પસાર થતા વાહનો પર આતંકી હુમલાનો ખતરો તો મંડરાતો જ રહેતો હોય છે, પણ હવે પથ્થરમારાના નવા આતંકી-વ્યૂહથી સુરક્ષા દળો માટે યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવાનું પડકારજનક બની રહેશે.
પથ્થરબાજોની સમસ્યાનો એક જ ઉપાય છે સ્થાનિક યુવાનોને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવાનો. સરકારે યુવા પેઢીને એ વાતનું ભાન કરાવવાની જરૂર છે કે પડોશી દેશમાંથી પોષાતા આતંકવાદે ધરતી પરના સ્વર્ગને નર્ક બનાવી નાંખ્યું છે. હવે જો પર્યટકોએ પણ મોં ફેરવી લીધું તો હજારો પરિવારોને ભૂખે મરવાનો સમય આવશે. સહુ કોઇએ સમજવું રહ્યું કે કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ ત્યારે જ શક્ય છે જ્યારે રાજ્યના યુવા ધનને સાચી દિશામાં દોરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter