કુલભૂષણ જાધવ કેસઃ ભારત એક ડગલું આગળ

Tuesday 16th May 2017 14:24 EDT
 

પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય કુલભૂષણ જાધવની ફાંસી અટકાવવાના કેસમાં ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં નોંધનીય સફળતા હાંસલ કરી છે એમ કહી શકાય. આઇસીજેએ બન્ને પક્ષકારોની રજૂઆત સાંભળીને ચુકાદો ભલે મુલત્વી રાખ્યો હોય, પરંતુ સુનાવણી દરમિયાન ભારતનો હાથ ઉપર રહ્યો હોવાનું સ્પષ્ટ છે. કોર્ટે જાધવના કથિત વીડિયો નિવેદનનો પાકિસ્તાની પુરાવો ધ્યાને લેવાનો ઇન્કાર કરી દીધો છે. તો ભારતે પાકિસ્તાન આઇસીજેમાં કેસ ચાલી રહ્યો છે તે દરમિયાન જ કુલભૂષણ જાધવને ફાંસીએ લટકાવી દેવાશે તેવી ભીતિ દર્શાવીને સજા તત્કાળ સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. ભારત અને પાકિસ્તાને તેમની રજૂઆતો કરી દીધી છે, અને હવે તમામની નજર કોર્ટના ચુકાદા પર છે.
આઇસીજેએ ગયા સપ્તાહે જાધવની ફાંસીની સજા સામે સ્ટે ફરમાવ્યો તે ભારતની પહેલી જીત હતી તો પાકિસ્તાનના કથિત પુરાવાને ધ્યાને લેવાના કોર્ટના ઇન્કારને ભારતની બીજી જીત ગણવી રહી. કોર્ટના આ અભિગમે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય તખતે ફરી એક વખત ઉઘાડું પાડી દીધું છે. જાધવને ભારતીય ગુપ્તચર એજન્સીનો એજન્ટ દેખાડનાર પાકિસ્તાન આ મુદ્દે પોતાને જ હાંસીપાત્ર ઠરાવી રહ્યું છે. જાધવ જાસૂસી એજન્ટ છે કે નહીં તેનો ફેંસલો પાકિસ્તાન એક તરફી રીતે કઇ રીતે કરી શકે? ભારતે અનેક વખત રજૂઆતો કર્યા છતાં કુલભૂષણ જાધવને કોઇ પણ પ્રકારની કાનૂની મદદ પૂરી પાડવામાં આવી નથી કે આવો પ્રયાસ સુદ્ધાં થયો નથી તે પાકિસ્તાનની મેલી મુરાદ દર્શાવે છે. જાધવ પૂર્વ નૌસૈનિક છે તે સાચું, પણ તેઓ સેવાનિવૃત્તિ બાદ પોતાનો વ્યવસાય કરતા હતા. પાકિસ્તાની એજન્સીઓ ઇરાનમાંથી અપહરણ કરીને તેમને પાકિસ્તાન લઇ ગઇ અને પછી તેમની સામે ભારતીય એજન્સી ‘રો’ માટે જાસૂસી કરવાનો અને પાકિસ્તાનમાં ભાંગફોડનું કાવતરું કરવાનો આરોપ મૂક્યો. એટલું જ નહીં, પાકિસ્તાનની કુખ્યાત લશ્કરી કોર્ટે જાધવને બચાવની કોઇ જ તક આપ્યા વગર ફાંસીની સજા પણ ફટકારી દીધી. આ સજા સંભળાવાયા બાદ પાકિસ્તાની સત્તાવાળાઓએ જાધવના આખા પ્રકરણની જાહેરાત કરીને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું હતું.
પાકિસ્તાનનો બદઇરાદો સમજી શકાય તેવો છે - તે દુનિયા સમક્ષ ભારતની છાપ ખરડવા માગતો હતો. કોઇ પણ આરોપીને બચાવનો મોકો આપ્યા વગર દોષિત ઠરાવવાનું પગલું ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ જ ગણી શકાય. મુંબઇ પરના આતંકવાદી હુમલા વેળા પાકિસ્તાની આતંકવાદી કસાબ જીવતો ઝડપાઇ ગયો હોવા છતાં ભારતે એકતરફી કાર્યવાહી કરવાના બદલે તેને તમામ પ્રકારની કાનૂની સહાય આપીને બચાવની તક પૂરી પાડી હતી. એક આંતકીને કાનૂની મદદ પૂરી પાડવાના ભારત સરકારના આ વલણની લોકોમાં ભારે ટીકા થઇ હતી, છતાં ભારતે તેની નીતિરીતિ બદલી નહોતી. કાનૂની કાર્યવાહીમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઇ હતી.
પરંતુ પાકિસ્તાનને આ વાત નહીં સમજાય. આતંકવાદને સમર્થન આપવાના મુદ્દે તેના કરતૂત આખી દુનિયા જોઇ ચૂકી છે. પોતાના કરતૂતોને છાવરવા માટે પાકિસ્તાન સમયાંતરે આવા ઉપાયો અજમાવતું રહ્યું છે. હા, એ વાત અલગ છે કે દર વખતે તેને કારમી પીછેહઠનો સામનો કરવો પડે છે. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતનું પલડું ભલે અત્યારે નમતું હોય, પરંતુ લડાઇ હજુ લાંબી છે તેમાં બેમત નથી. પાકિસ્તાનમાં કાનૂન ક્યા પ્રકારે કામ કરે છે તે આખી દુનિયા જોઇ ચૂકી છે. કુલભૂષણ જાધવના કિસ્સામાં કોઇ પણ પ્રકારની કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વગર જ ફાંસી સજા ફરમાવી દેવામાં આવી છે એ તો દીવા જેવું સ્પષ્ટ છે. ભારત પાકિસ્તાનને ૧૬ - ૧૬ વખત રજૂઆત કરી ચૂક્યું છે કે પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીને જાધવને મળવાની મંજૂરી આપવામાં આવે. છતાં પાકિસ્તાને ભારતની રજૂઆત કાને ધરી નથી. આ પણ માનવાધિકારનો ભંગ છે. સામાન્ય શિરસ્તો એવો છે કે કોઇ દેશના નાગરિકની અન્ય દેશમાં ધરપકડ થાય તો તેના દેશના દૂતાવાસના અધિકારીઓને તેને મળવા માટે મંજૂરી અપાતી હોય છે.
પાકિસ્તાન અન્ય પક્ષકારના દબાણ વગર ભારતની કોઇ વાત સાંભળતું જ નથી તે વાતને ધ્યાનમાં રાખીને આઇસીજેમાં ધા નાખી છે. પાકિસ્તાન દ્વારા ઇન્ટરનેશનલ વિયેના ડિકલેરેશનની ગાઇડલાઇન્સનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અલબત્ત, એક વર્ગની એવી પણ દલીલ છે કે કુલભૂષણ જાધવનો મામલો બે પક્ષકારો ભારત-પાકિસ્તાન વચ્ચેનો છે. આ મામલાને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં લઇ જવાની જરૂર નહોતી. પાકિસ્તાન સાથે મંત્રણા કરીને મામલો ઉકેલવાની જરૂર હતી. શું આ શક્ય છે? પાકિસ્તાનને તો હંમેશા તે સમજે તેવી ભાષામાં જ જવાબ આપવો રહ્યો. ભારતના નરમ વલણને પાકિસ્તાને હંમેશા નબળાઇ સમજતું રહ્યું છે. કુલભૂષણ જાધવના મામલામાં ભારતની સફળતા પાકિસ્તાનને ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર નીચાજોણું કરાવશે તે નક્કી છે. તો બીજી તરફ તેના ભારતવિરોધી વલણ પરથી એ પણ એટલું જ સ્પષ્ટ છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય તખતે પોતાના જુઠ્ઠાણાને સાચું ઠેરવવા મરણિયા પ્રયાસ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter