કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું સુવર્ણ પ્રદર્શન

Tuesday 17th April 2018 14:50 EDT
 

બર્મિંગહામમાં ૨૦૨૨માં ફરી મળવાના વચન સાથે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ૨૧મા કોમનવેલ્થ રમતોત્સવનું શાનદાર સમાપન થયું. કરૈરા સ્ટેડિયમમાં હજારો દર્શકોની ઉપસ્થિતિ વચ્ચે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના ચેરમેન લુઇ માર્ટિને રમતોત્સવના સમાપનની જાહેરાત કરી. આ વખતે સર્વશ્રેષ્ઠ એથ્લીટનો મેડલ ન્યૂઝીલેન્ડના વેઇટલિફ્ટર ડેવિડ લિટિને ફાળે ગયો. ભારત માટે આ રમતોત્સવ સ્વર્ણિમ સફળતા અપાવનારો રહ્યો એમ કહી શકાય. દિલ્હી (૨૦૧૦) અને માંચેસ્ટર (૨૦૦૨)ના કોમનવેલ્થ રમતોત્સવ પછી ભારતીય ખેલાડીઓએ સર્વાધિક મેડલ જીતીને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બાદ ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. ૨૦૧૦માં ભારતીય ખેલાડીઓએ ૧૦૧ અને માંચેસ્ટરમાં ૬૯ મેડલ જીત્યા હતા. ગોલ્ડ કોસ્ટમાં ૭૧ દેશોએ ભાગ લીધો હતો. જેમાં ભારતીય ખેલાડીઓએ કુલ ૬૬ (૨૬ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ) મેડલ જીત્યા છે. છેલ્લા દિવસે સાયના નેહવાલે ભારતની જ પી. વી. સંધૂને હરાવીને બેડમિંટન વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતના બે એથ્લીટોના રૂમમાંથી ઇન્જેક્શન મળતાં તેઓ રમતોત્સવમાં ભાગ લઇ શક્યા નહીં. આ એકમાત્ર ઘટનાને બાદ કરતાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું.
ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે પહેલી વાર જ્વેલિન થ્રો (ભાલા ફેંક)માં ગોલ્ડ મેડલ કબ્જે કર્યો. તો કુસ્તી, મુક્કેબાજી, શૂટિંગ, ટેબલ ટેનિસ, બેડમિંટનમાં પુરુષ ખેલાડીઓએ જ નહીં, મહિલા ખેલાડીઓએ પણ સફળતાના વાવટા ફરકાવ્યા. ૩૬ વર્ષીય મુક્કેબાજ અને ત્રણ-ત્રણ વખત વિશ્વવિજેતા બની ચૂકેલી મેરી કોમે કોમનવેલ્થ ગેમ્સમાં પહેલી વખત ગોલ્ડ મેડલ જીત્યો.
ભારતીય ખેલાડીઓની આ જ્વલંત સફળતાથી દરેક રમતપ્રેમી ભારતીય ગર્વ અનુભવે છે. હવે એ જોવાની જવાબદારી સરકારની છે કે ૨૦૨૦ના ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ માટે ખેલાડીઓને અત્યારથી જ જરૂરી તમામ પ્રકારની મદદ મળી રહે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો ઝળહળતો દેખાવ દર્શાવે છે કે ભારતીય ખેલાડીઓમાં પ્રતિભાનો અભાવ નથી, પરંતુ રમતગમત સંગઠનોમાં અડીંગો જમાવીને બેઠેલા નેતાઓ અને અધિકારીઓના અણઘડ વહીવટના કારણે તેઓ સાધનસુવિધાથી વંચિત રહી જાય છે. ક્યારેક તેમને તાલીમ માટે વિશ્વસ્તરીય કોચ મળતા નથી તો ક્યારેક વિદેશી ધરતી પર અભ્યાસનો અવસર મળતો નથી. હાલમાં રમતગમત મંત્રાલયનો કાર્યભાર ઓલિમ્પિક મેડલ વિજેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડ સંભાળે છે અને ખુદ વડા પ્રધાન જાહેરાત કરી ચૂક્યા છે કે ખેલ અને ખેલાડી માટે તેઓ સંસાધનોની ક્યારેય અછત નહીં વર્તાવા દે ત્યારે સરકારે ખેલોના વિકાસ માટે ખેલાડીઓને જ આગળ કરવા રહ્યા. જો આ ખરા અર્થમાં શક્ય બન્યું તો ભારતીય ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સ જેવી જ શાનદાર સફળતા એશિયન ગેમ્સ અને પછી ઓલિમ્પિક ગેમ્સમાં પણ હાંસલ કરશે જ તેમાં બેમત નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter