જલો રક્ષતિ રક્ષિત: અર્થાત જળ બચાવીએ

Wednesday 10th August 2022 09:42 EDT
 

આજે વિશ્વની હાલત એક તરફ કૂવો તો બીજી તરફ ખાઈ જેવી છે. કશામાં પણ પડીશું તો મોત અથવા ગંભીર નુકસાન નિશ્ચિત છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાર દિવસ ફરી હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે દેશની વોટર કંપનીઓએ પાણીના વપરાશ પર કાપ મૂકાય તે હેતુથી હોસપાઈપના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરવો પડ્યો છે. દેશના નદી-નાળાં કે જળાશયો છલકાઈ જાય તેવો વરસાદ ન થાય ત્યાં સુધી એટલે કે લગભગ ઓક્ટોબર સુધી આશરે એક મિલિયન લોકોએ પાણીનો બગાડ ન થાય તે માટે પ્રતિબંધનો અમલ કરવાનો રહેશે.

એક હકીકત સામે તરીને આવે છે કે ક્લાઈમેટ ચેન્જની સાથોસાથ વિશ્વભરમાં લાંબા સમય સુધીના દુકાળનું પ્રમાણ અને તીવ્રતા વધી રહ્યા છે. વસ્તીવિસ્ફોટના પરિણામે પાણીનો વધુપડતો વપરાશ અને ગેરવહીવટના કારણે વિશ્વના અનેક પ્રદેશોમાં પાણીની તીવ્ર અછત અનુભવાઈ રહી છે. સ્વાભાવિક રીતે જ પાણીની તંગીની અસરના પરિણામે જાહેર આરોગ્યને જોખમ ઉભું થવા સાથે ખાદ્યાન્ન સંકટ અને માનવ સંઘર્ષો સર્જાતા રહે છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેના ઉત્પાદન માટે પણ 70 ટકા ચોખ્ખા પાણીનો વપરાશ થાય છે. આજે પૃથ્વી પરનો કોઈ પ્રદેશ જળતંગીથી વણસ્પર્શ્યો રહ્યો નથી. ભૂગર્ભજળ પણ ઝડપથી ઘટી રહ્યું છે. વિશ્વની લગભગ બે તૃતીઆંશ વસ્તીએ 2025 સુધીમાં પાણીની અછતનો સામનો કરવો પડશે તેમ નિષ્ણાતો કહે છે. એક તરફ પૂરની ભયાવહ સ્થિતિ અને બીજી તરફ, પાણીની તીવ્ર તંગી જેવા વિરોધાભાસમાંથી આપણે બચવું પડશે કારણકે જળ એ જ જીવન છે.

ભારતના પ્રાચીન ગ્રંથો મનુસ્મૃતિ અને મહાભારતમાં એક મહત્ત્વનું સૂત્ર છે કે ‘ધર્મો રક્ષતિ રક્ષિત:’ અર્થાત્ રક્ષાયેલો ધર્મ મનુષ્યનું રક્ષણ કરે છે. આ જ સૂત્રને આપણે જળ એટલે પાણીના સંદર્ભમાં પણ લખી શકીએ કે ‘જલો રક્ષતિ રક્ષિત:’. આજે આપણે પાણીનો બચાવ કરીશું તો પાણી જીવનનું રક્ષણ કરશે. પાણીના ઉપયોગ પર વધુ પ્રતિબંધ લાદવો પડે કે ભવિષ્યમાં પાણીનું રેશનિંગ કરવું પડે તેવી સ્થિતિ નિવારવા આપણે અત્યારથી જ ચેતી જવાની આવશ્યકતા છે કારણકે ‘ચેતતા નર સદા સુખી’.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter