જીસેટ-૯ઃ ભારતની મિત્ર દેશોને મહામૂલી ભેટ

Tuesday 09th May 2017 12:27 EDT
 

ભારતે સાઉથ એશિયન દેશોને મહામૂલી ભેટ આપીને મિત્રતાનો સેતુ વધુ મજબૂત બનાવ્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા અવકાશમાં તરતો મૂકાયેલો જીસેટ-૯ કોમ્યુનિકેશન સેટેલાઇટ નરેન્દ્ર મોદીની વચનબદ્ધતા દર્શાવે છે. અઢી વર્ષ પૂર્વે નેપાળની રાજધાની કાઠમંડુમાં યોજાયેલી ‘સાર્ક’ (સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન) શિખર પરિષદને સંબોધતા તેમણે સંગઠનમાં સામેલ દેશોને જોડતો સેટેલાઇટ શુભેચ્છા ભેટ તરીકે આપવાની જાહેરાત કરી હતી. ભારતના આ પ્રસ્તાવને તમામ સાથી દેશો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, માલદિવ્સ, શ્રીલંકા અને પાકિસ્તાને પણ વધાવી લીધો હતો. જોકે બાદમાં પાકિસ્તાને આદત પ્રમાણે આડોડાઇ શરૂ કરી. પ્રોજેક્ટને ‘સાર્ક સેટેલાઇટ’ નામકરણથી માંડીને અન્ય બાબતો સામે વાંધો ઉઠાવ્યો ને છેવટે તે પ્રોજેક્ટમાંથી ખસી ગયું. જોકે એ ઉપગ્રહ અવકાશમાં ફરતો થઇ ગયો છે. પ્રોજેક્ટને ભલે ‘સાર્ક’ નામ ન મળ્યું, પણ તેના લોન્ચિંગ વેળા માહોલ શિખર પરિષદ જેવો જ હતો.
વડા પ્રધાન મોદીએ ઉપગ્રહનું લોન્ચિંગ કર્યું તે વેળા પાકિસ્તાન સિવાયના તમામ સભ્ય દેશોના પ્રમુખોએ વીડિયો કોન્ફરન્સીંગ મારફત બેઠક યોજીને પત્રકાર પરિષદ પણ સંબોધી. આ ઉપગ્રહને દક્ષિણ એશિયન દેશો વચ્ચે અવકાશી સહયોગની એક અનોખી પહેલ તરીકે જોવામાં આવે છે. આ ઉપગ્રહ માત્ર દેશ કે તેની સરકારોને જ નહીં, પણ સમગ્ર ક્ષેત્રની પ્રજાને પણ એકબીજા સાથે જોડશે. ૧૨ વર્ષનું આયુષ્ય ધરાવતા આ ઉપગ્રહથી તમામ દેશોને અસરકારક કોમ્યુનિકેશન સિસ્ટમ ઉપરાંત બેન્કિંગ સર્વિસ, હવામાનનું અનુમાન, ટેલિમેડિસિન સહિતની ક્રાંતિકારી સુવિધાઓ મળશે. પડોશી દેશો ઉપગ્રહનાં ટ્રાન્સપોન્ડર્સનો ઉપયોગ વિનામૂલ્યે કરી શકશે.
દક્ષિણ એશિયન દેશોના જનજીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનારું આ પગલું મોદી સરકારે એવા સમયે ભર્યું છે જ્યારે ચીન આ ક્ષેત્રમાં પોતાની હાજરી અને પ્રભાવ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. દક્ષિણ અને પૂર્વ ચીન સાગરમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતની આ પહેલ વિશ્વ શાંતિ અને સહયોગનો સંદેશ આપે છે. વડા પ્રધાને મોદીએ ઉપગ્રહના લોન્ચિંગ વેળા યોગ્ય જ કહ્યું હતું કે અમારું લક્ષ્ય સબ કા સાથ, સબ કા વિકાસ છે. આ ઉપગ્રહ સમગ્ર
ક્ષેત્રમાં વિકાસ અને શાંતિ લાવશે. તેનાથી સહયોગ વધશે. વિનાશ નહીં, પણ વિકાસ થશે, ગરીબી નહીં, સંપન્નતા વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter