ટીડીપી ભલે ગયું, પણ ભાજપે આત્મચિંતન કરવું રહ્યું

Tuesday 20th March 2018 12:24 EDT
 

લોકસભાની પેટા-ચૂંટણીમાં કારમા પરાજય બાદ ભાજપ-નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ને બીજો મોટો આંચકો આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુએ આપ્યો છે. ગયા સપ્તાહે મોદી સરકારમાંથી રાજીનામું આપનાર તેલુગુ દેશમ્ પાર્ટીએ હવે એનડીએ સાથે નાતો તોડ્યો છે. એક વર્ગ ઉતર પ્રદેશ અને બિહારની લોકસભા બેઠકોની પેટા-ચૂંટણીમાં પરાજય અને ટીડીપીના છૂટાછેડાને ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો થયાનો સંકેત ગણાવે છે. સત્તામાં ચાર વર્ષની ભાગીદારી બાદ આજે બન્ને પક્ષો આમનેસામને છે. ટીડીપીએ તો એનડીએ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પણ મૂક્યો છે. ભલે આનાથી સરકાર પર સંકટ સર્જાય તેમ નથી, પરંતુ આ અવસરે ભાજપને આત્મ-નીરિક્ષણની તક આપી છે એમ તો કહી જ શકાય.
ભારતીય રાજકારણમાં તડજોડની નવાઇ નથી. દેશના બે મોટા રાજકીય મોરચાઓ - એનડીએ અને યુપીએમાં જોડાણ-તોડાણનો સિલસિલો ચાલતો જ રહ્યો છે. ટીડીપી પહેલાં પણ કેન્દ્રમાં ભાજપ સરકારનું સમર્થન પાછી ખેંચી ચૂકી છે. બે દસકા પહેલા રચાયેલા એનડીએને એક સમયે એઆઇએ-ડીએમકે અને ડીએમકે પણ સમર્થન આપી ચૂક્યા છે. તો મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ અને નવીન પટનાયકનો બીજુ જનતા દળ (બીજેડી) પણ સાથી રહી ચૂક્યા છે. સમયાંતરે આ લોકો એનડીએમાંથી છૂટા પડ્યા. સત્તાની ભાગીદારી માટે એક થવું અને પૂરતું મહત્ત્વ ન મળતાં છેડા છૂટા કરવા તેમાં કંઇ નવું નથી. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએમાં પણ એક સમયે બસપા, ટીઆરએસ, ટીએમસી અને એનસીપી સહયોગી રહી ચૂક્યા છે. ભારતીય રાજકારણમાં મોટા ભાગના પક્ષ સ્થાનિક મજબૂરીના કારણે જોડાણનો વિકલ્પ અપનાવતા હોય છે. વિચારધારા અને સિદ્ધાંતો પર થનારા જોડાણો તો આંગળીના વેઢે ગણાય તેટલા માંડ હશે. ભાજપના અકાલી દળ અને શિવસેના સાથેના અઢી દસકાના જોડાણમાં પણ કડવાશ વધવા લાગી છે.
જોકે ભાજપની નેતાગીરીએ હવે સાબદું બનવું રહ્યું. ટીડીપીનો સાથ છૂટવાની ઘટના એનડીએના ગઢના કાંગરા ખરવાની પ્રક્રિયાનો પ્રારંભ ન બની જાય તે જોવું રહ્યું. આ માટે ભાજપે વ્યાપક રાજકીય દૃષ્ટિકોણ અપનાવવો પડશે. ભાજપે જે પ્રકારે વાયદો કર્યો હતો કે તે કોંગ્રેસથી અલગ પ્રકારનો પક્ષ બનીને દેખાડશે એવું કંઇ ખાસ થયું નથી. વળી, ભાજપે કેટલાક પક્ષો સાથે તો મેળમાથા વગરનું જોડાણ કર્યું છે. વિચારસરણીમાં કોઇ પણ પ્રકારે સામ્યતા ન ધરાવતું આવું જોડાણ પક્ષની ઓળખને ઝંખવી રહ્યું છે. જેમ કે, જમ્મુ અને કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીના પીડીપી સાથે તો પૂર્વોત્તરમાં તેણે કેટલાક એવા પક્ષો સાથે જોડાણ કર્યું છે જેમને ભાજપ ખુદ ‘અલગ પ્રકારના પક્ષ’ માનતો હતો. શિવસેના એનડીએમાં તો છે, પરંતુ તેના વાણીવર્તન જોતાં કોઇના પણ મનમાં પ્રશ્ન ઉઠે કે તે ભાજપની સાથે છે કે સામે છે. ભાજપ જ્યારે અસમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધન કરી શકતો હોય, સત્તા વહેંચી શકતો હોય તો એ આંધ્ર પ્રદેશમાં ટીડીપી સાથે તાલમેળ સાધવામાં કેમ નિષ્ફળ રહ્યો? રાજ્યને વિશેષ દરજ્જાની માગણી કંઇ રાતોરાત તો નહીં જ આવી પડી હોય? ટીડીપીએ એક કરતાં વધુ વખત મંત્રાલય સ્તરે રજૂઆત કરી હશે, એનડીએની મિટીંગમાં પણ આ મુદ્દો મૂકાયો જ હશે. અને સમયાંતરે એનડીએ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હશે. આ તમામ તબક્કે ભાજપ હાઇ કમાન્ડ કાં તો સ્થિતિની ગંભીરતા સમજવામાં ઊણું ઉતર્યું છે અથવા તો તેણે ટીડીપી પ્રત્યે ઉપેક્ષાભર્યું વલણ દાખવ્યું છે. આમાંની એક પણ સ્થિતિ ક્ષમ્ય ન જ ગણી શકાય.
ભાજપ પેટા-ચૂંટણીમાં પરાજય માટે ભલે અતિ આત્મવિશ્વાસ, વિપક્ષનું ‘અપવિત્ર’ જોડાણ અને સામાજિક માળખું સમજવામાં પક્ષની નિષ્ફળતાને જવાબદાર ગણાવે, પણ આ વાતનો સાર તો એક જ છે કે પક્ષ મતદારોનો, કહો કે સ્થાનિક પ્રજાનો ભરોસો જીતવામાં નિષ્ફળ રહ્યો છે. ૨૦૧૯માં ૨૦૧૪ના જ્વલંત વિજયનું પુનરાર્તન કરવું હશે તો ભાજપે આંખ-કાન-દિમાગ ખુલ્લા રાખવા પડશે. મતદારોની જ નહીં, સાથી પક્ષોની વાત - વિચારને સાંભળવા પડશે, સમજવા પડશે અને વ્યાપક હિતમાં આવશ્યક તમામ આનુષાંગિક પગલાં પણ લેવા પડશે. એક નાનકડી ભૂલ કે અહંનો અણસાર સુદ્ધાં ૨૦૧૯માં વિજયની ઉજ્જવળ તક રોળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter