ટુજી સ્પેક્ટ્રમ ફાળવણીઃ તો પછી કૌભાંડ કર્યું કોણે?

Tuesday 02nd January 2018 15:05 EST
 

ભારતીય રાજકારણમાં ખળભળાટ મચાવી દેનાર રૂ. ૧.૭૬ લાખ કરોડના ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં એક પણ વ્યક્તિ કે કંપની કસૂરવાર ન હોવાનું જાહેર થયું છે. રૂપિયા ૧૭,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦... જે રકમમાં શૂન્ય ગણતાં પણ ફાંફા પડી જાય તેમ છે એટલી તોતિંગ રકમના આ ટેલિકોમ કૌભાંડમાં સીબીઆઇની વિશેષ કોર્ટે આપેલા ચુકાદાથી ભારતીયો આશ્ચર્યચકિત છે. યુપીએ સરકારના આ બહુચર્ચિત ગોટાળામાં સામેલ તમામ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ચુકાદામાં જણાવાયું છે તે પ્રમાણે ફરિયાદ પક્ષ પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો છે. આઠ વર્ષ પૂર્વે સીબીઆઇએ ટુજી સ્પેક્ટ્રમ ફાળવણીમાં આચરાયેલી ગેરરીતિ સંદર્ભે કેસ નોંધ્યો હતો. કૌભાંડ પહેલી વખત ૨૦૧૦માં જાહેરમાં આવ્યું. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (‘કેગ’) વિનોદ રાયે તેમના રિપોર્ટમાં વર્ષ ૨૦૦૯માં થયેલી ટુજી ટેલિકોમ સ્પેક્ટ્રમની ફાળવણી સામે સવાલ ઉઠાવ્યા હતા. ‘કેગ’ના રિપોર્ટમાં જણાવાયું હતું કે આ માટે અપનાવાયેલી ‘વહેલો તે પહેલો’ની નીતિથી સરકારી તિજોરીને રૂ. ૧.૭૬ લાખ કરોડનું નુકસાન થયું છે. રિપોર્ટના આધારે સીબીઆઇએ તપાસ હાથ ધરી અને કાનૂની જંગ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે પણ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેસની સુનાવણી માટે વિશેષ કોર્ટની રચવા આદેશ આપ્યો. બીજી તરફ, વિરોધ પક્ષે કથિત કૌભાંડ મુદ્દે મનમોહન સિંહ સરકારને ભીંસમાં લીધી. તત્કાલીન ટેલિકોમ્યુનિકેશન પ્રધાન એ. રાજાએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપવું પડ્યું. બાદમાં તેમની ધરપકડ થઇ અને કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ. રાજા અને ડીએમકે સાંસદ કનીમોઝી ઉપરાંત ઉદ્યોગજગતના માંધાતાઓને પણ કેસમાં સહઆરોપીઓ બનાવવામાં આવ્યા. એસ્સાર ગ્રૂપ, યુનિટેક ગ્રૂપ, અનિલ અંબાણી ગ્રૂપ જેવા જાણીતા ઉદ્યોગ ગૃહો છાપે ચઢ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવતા મનમોહન સરકાર દ્વારા ફાળવાયેલા તમામ ૧૨૨ લાયસન્સ રદ કરી નાખ્યા. ભ્રષ્ટાચારનો આ કેસ જ એવો હતો કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જોરશોરથી ચગ્યો. પરિણામથી આપણે સહુ વાકેફ છીએ. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારનો કારમો પરાજય થયો. નરેન્દ્ર મોદી સરકારે દેશની શાસનધૂરા સંભાળી.
સીબીઆઇની વિશેષ કોર્ટના ચુકાદા બાદ હવે એક નહીં, અનેક સવાલ ઉઠવા સ્વાભાવિક છે. જ્યારે દેશની સર્વોચ્ચ અદાલતે ટુજી સ્પેક્ટ્રમ ફાળવણીમાં ગેરરીતિ આચરાઇ હોવાનું સ્વીકારીને ૯ કંપનીના તમામ ૧૨૨ લાયસન્સ રદ કરી નાખ્યા હતા તો પછી તમામ આરોપીઓ નિર્દોષ છૂટ્યા કેવી રીતે? જો આર્થિક ગોબાચારી આચરવામાં આવી હતી તો તે કોણે આચરી હતી? ગોટાળો આટલી જંગી રકમનો હતો તો પછી કોર્ટ સમક્ષ પૂરતા પુરાવા કેમ રજૂ કરાયા નહીં? જો પુરાવાઓ હતા તો તેને કોર્ટ સુધી પહોંચતાં અટકાવ્યા કોણે?
૨૦૧૦ના અરસામાં ભારતનું ટેલિકોમ સેક્ટર પૂરપાટ ગતિએ આગેકૂચ કરી રહ્યું હતું. કૌભાંડનો હોબાળો મચતાં જ આ ક્ષેત્રે આગેકૂચ અટકી ગઇ. તે સમયે જે ૯ કંપનીઓને આરોપીના કઠેડામાં ઉભી કરાઇ હતી તેમાંથી એકમાત્ર આઇડિયા આજે ભારતીય બજારમાં કાર્યરત છે. આ સિવાયની તમામ આઠેય કંપનીઓએ ટેલિકોમ વ્યવસાય સમેટી લીધો છે. ટેલિકોમ ક્ષેત્રનો વિકાસ ખોરંભે પાડવા માટે જવાબદાર કોણ? ભારતીય બેન્કોના ચોપડે ૮ લાખ કરોડની એનપીએ (નોન-પર્ફોર્મિંગ એસેટ) નોંધાયેલી છે. આમાંથી ૩ લાખ કરોડ માત્ર ટેલિકોમ્યુનિકેશન સેક્ટરના છે. આ નાણાં બેન્કોને પરત મળશે ખરાં? અને મળશે તો ક્યારે મળશે?
દરેક ભારતીય આ સવાલોના જવાબ જાણવા માગે છે. આ ફેંસલો ભાજપ માટે આંચકાજનક છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વેળા તેણે જે પ્રકારે ભ્રષ્ટાચાર મુદ્દે હોબાળો મચાવી શાસક પક્ષને ભીંસમાં લીધો હતો તે મુદ્દો કમસે કમ આ કેસમાં તો નબળો પડતો લાગે છે. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની છબીને પણ કલંકિત કરવાનો પ્રયાસ થયો હતો. હવે એનડીએ સરકાર આ મામલે કેવો વ્યૂહ અપનાવે છે અને વિપક્ષના આક્ષેપોનો જવાબ કઇ રીતે આપે છે જોવું રસપ્રદ બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter