ટ્રમ્પ સમર્થકોનું કલંકિત હિંસાતાંડવ

Wednesday 13th January 2021 05:09 EST
 
 

વિશ્વના જમાદાર ગણાતા અમેરિકાના ૪૫મા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લોકશાહીને જ શરમમાં રાખી દે તેવું રાષ્ટ્રવિરોધી ગણાવી શકાય તેવા કૃત્યથી પોતાની સત્તાલાલસા છતી કરી છે. મતદાનના ૬૪ દિવસ પછી ૬ જાન્યુઆરીએ રિપબ્લિકન પાર્ટીના જો બાઈડન અને કમલા હેરિસના વિજયને બહાલી આપવામાં વ્યસ્ત અમેરિકી સંસદની બેઠક વેળાએ ટ્રમ્પના સમર્થકોએ હિંસાનું જે કલંકિત તાંડવ ખેલ્યું તેનાથી લોકશાહી સમર્થકો અને ખુદ ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ના મસ્તક શરમથી ઝૂકી ગયા છે. ટ્રમ્પના સમર્થકો આપમેળે આવ્યા ન હતા. ટ્રમ્પે તેમની ઉશ્કેરણી કરી હતી જેનાથી તેમણે રીતસર અમેરિકી સંસદની ઈમારત ‘કેપિટોલ હિલ’ પર આક્રમણ કર્યું હતું. આ દરમિયાન ગોળીબારમાં એક મહિલા સહિત ચાર નાગરિકો અને એક પોલીસ અધિકારીના મોત થયા. અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી કલંકિત દિવસ બની રહ્યો.
આપણામાં કહેવત છે કે ‘વાર્યા ન વળે તે હાર્યા વળે’ એટલે કે સમજાવે ન સમજે પણ હારે એટલે સમજી જાય. જોકે, અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ કહેવત થોડા અંશે ખોટી પડી છે. પ્રમુખપદની ચૂંટણીમાં દેખીતો પરાજય થયા પછી પણ મતગણતરીમાં મોટા પાયે ગરબડના આક્ષેપો કરી ટ્રમ્પે રાજગાદી છોડવાનો અને ડેમોક્રેટ જો બાઈડનને સત્તાની સોંપણી કરવાનો ધરાર ઈનકાર કર્યો હતો.
યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડન અને વાઈસ પ્રેસિડેન્ટ ઈલેક્ટ કમલા હેરિસના વિજય પર મહોર મારી દેવાયા પછી અને રિપબ્લિકન પાર્ટીના સભ્યોએ જ સાથ આપવાનું નકારતા ટ્રમ્પના તેવર નરમ પડ્યા છે અને કાયદા મુજબ ૨૦ જાન્યુઆરીએ જો બાઈડનને સત્તા ટ્રાન્સફર કરવાનું સ્વીકારી લીધું છે. ટ્રમ્પના સમર્થકોએ જે રીતે હિંસા આદરી એનાથી ખુદ રિપબ્લિકન પાર્ટીના સાંસદોમાં પણ સ્પષ્ટ નારાજગી જોવા મળી છે. જોકે,‘મિયાં પડ્યા તો પણ ટંગડી ઊંચી’ના ધોરણે ટ્રમ્પ હજુ ચૂંટણી પરિણામો સાથે સહમત થતા નથી અને મેક અમેરિકા ગ્રેટ અગેઈન (MAGA)ની ચળવળ ચાલુ રાખવાનો હુંકાર પણ કર્યો છે.
રિપબ્લિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પને હોદ્દા પરથી દૂર કરવા ૨૫મા એમેન્ડમેન્ટનો ઉપયોગ કરવા વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સને અનુરોધ કરવા ડેમોક્રેટ્સ પણ સર્વાનુમતે કોઈ ઠરાવ પસાર કરી શક્યા નથી તે પણ નોંધવા જેવું છે. પોતાની ફરજ નિભાવવા અક્ષમ પ્રેસિડેન્ટને દૂર કરવા આ એમેન્ડમેન્ટનો હજુ સુધી ઉપયોગ કરાયો નથી. હવે તેમના પ્રમુખપદના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તેમની સામે મહાભિયોગનું શસ્ત્ર ઉગામાયું છે. એક જ કાર્યકાળમાં બે વખત ઈમ્પીચમેન્ટ કરાયું હોય તેવા તેવા પ્રથમ પ્રમુખ બનવાનું સન્માન (!) ટ્રમ્પ મેળવી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સહિત વિશ્વભરના નેતાગણે લોકતાંત્રિક પ્રક્રિયા પરના હુમલાની સ્વાભાવિકપણે નિંદા કરી છે. અમેરિકાવિરોધી ચીન, ઉત્તર કોરિયા અને રશિયા સહિત દેશોના અખબારોએ તો લોકશાહી વ્યવસ્થાની રીતસરની મજાક જ ઉડાવી છે. સોશિયલ મીડિયા પર પણ ટ્રમ્પના માથે પસ્તાળ પડી છે અને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરે તો કાયમ માટે તેમનું અંગત એકાઉન્ટ બંધ કરી દીધું છે.
કમનસીબી એ છે કે બિઝનેસમેન ટ્રમ્પને કદી રાજકારણનો કે કદી જાહેર જીવનનો અનુભવ ન હતો અને માત્ર નાણાકીય સામ્રાજ્ય સ્થાપવામાં રસ હતો જે તેમણે પોતાના વેપારી જીવનમાં કરી બતાવ્યું છે. ટ્રમ્પે ૨૦૦૮માં પ્રસિદ્ધ ‘Trump University Branding 101’ની પ્રસ્તાવનામાં જ સ્પષ્ટ લખ્યું છે કે,‘સત્ય એ છે, તમે જે કાંઈ કહો અને કરો તે જ મહત્ત્વનું છે.’ ટ્રમ્પને વિશ્વસનીયતા કે નીતિમત્તા સાથે દૂર સુધી લાગતુંવળગતું નથી. માત્ર અમેરિકાને ફરી મહાન બનાવવાના સૂત્ર અને નાણાકીય બળના સહારે અમેરિકાની પ્રજા પર ભૂરકી છાંટવામાં તેઓ સફળ રહ્યા હતા. રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડવામાં વ્યસ્ત હતો તેવી જ રીતે કોરોના વાઇરસ મહામારીમાં લાખો માણસો અમેરિકનો જીવ ગુમાવી રહ્યા હતા ત્યારે ટ્રમ્પ ગોલ્ફ રમવા જતા રહ્યા હતા. આનાથી તેમની મનોદશા છતી થઈ હતી. ટ્રમ્પ કાચીંડો રંગ બદલે તેનાથી વધુ ઝડપે પોતાના રાજદ્વારી સાથીઓ બદલતા રહ્યા છે. તેમના વિચારોમાં કોઈ સાતત્ય ન હોવાથી વિવિધ હોદ્દાઓ પરથી રાજીનામાં આપનારાની સંખ્યા કેટલી છે તે પણ હવે કહી શકાય તેમ નથી.
વાસ્તવિકતા એ છે કે અમેરિકા અત્યારે આંતરિક વિખવાદમાં ઘસડાઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રને એકસંપ રાખવા અને અર્થતંત્રને મજબૂતી બક્ષવાના નવા પ્રમુખ બાઈડેનના શ્રેષ્ઠ ઈરાદાઓ પણ કેટલું કામ કરશે તે યક્ષપ્રશ્ન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter