નરેન્દ્ર મોદી સરકારના ચાર વર્ષ

Wednesday 30th May 2018 07:37 EDT
 

આજ - કાલ કરતાં કરતાં મોદી શાસનને ચાર વર્ષ પૂરાં પણ થઇ ગયાં. લોકસભા ચૂંટણી આડે માંડ એક વર્ષ રહ્યું હોવાથી સરકારની ચાર વર્ષની કામગીરીના લેખાંજોખાં શરૂ થઇ ગયા છે. દરેક સરકારની જેમ મોદી સરકાર પણ તેની સિદ્ધિઓની લાંબી યાદી ગણાવી રહી છે. અને હંમેશની જેમ વિપક્ષ સરકારની નિષ્ફળતાની યાદી ગણાવી રહ્યો છે. સાચુંખોટું સામાન્ય જનતા જાણે, પરંતુ હકીકત એ છે કે અત્યારથી જ ચૂંટણીનો તખતો ગરમ થઇ ગયો છે. કર્ણાટક સરકારની શપથવિધિમાં વિપક્ષી નેતાઓની હાજરી અને ત્યારબાદ સાથે ઉભા રહીને પડાવેલો ફોટોગ્રાફ ઘણું કહી જાય છે.
એક તરફ વિપક્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર (અહીં વાંચો - નરેન્દ્ર મોદી) સામે મોરચો માંડવાના કામે વળગ્યો છે. તો બીજી તરફ મોદી સરકાર તેના શાસનના ચાર વર્ષની પૂરા થયા તેની ઉજાણીમાં કામે લાગી છે. સૂત્ર છેઃ સાફ નિયત, સહી વિકાસ. સરકારની સિદ્ધિઓ હશે તેમ કેટલાક મોરચે નિષ્ફળતાઓ પણ હશે જ, હશે. પરંતુ એક વાત સહુ કોઇએ સ્વીકારવી રહી કે, મોદીની લોકપ્રિયતા હજુ બરકરાર છે. સમયાંતરે થયેલા સર્વેક્ષણોનું તારણ એ છે કે, લોકો ફરી મોદીને વડા પ્રધાન પદે જોવા ઈચ્છે છે. મોદી સરકારના ચાર વર્ષ નિમિત્તે ભારતના એક અખબારી જૂથ દ્વારા થયેલા સર્વેમાં લગભગ ૭૨ ટકાએ લાગણી વ્યક્ત કરી છે કે ૨૦૧૯માં તેઓ નરેન્દ્ર મોદીને જ મતદાન કરશે.
યુપીએ સરકારે સતત બે મુદત દેશનું સુકાન સંભાળ્યું. બીજી મુદતમાં એટલા કૌભાંડો બહાર આવ્યા કે લોકો તોબા પોકારી ગયા. ભ્રષ્ટાચારના કાળાડિબાંગ વાદળો વચ્ચે લોકોએ મોદીમાં આશાનું કિરણ નિહાળ્યું. ત્રણ દસકા બાદ કોઈ એક પક્ષે - ભાજપે ૨૮૨ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી સાથે સરકાર રચી. અલબત્ત, કેટલીક પેટા ચૂંટણીઓમાં પરાજયથી બેઠકોનો આ આંકડો નીચો ગયો છે, પણ તેનાથી સરકારની સ્થિરતાને ફરક પડ્યો નથી. લોકસભામાં ભવ્ય વિજય બાદ ભાજપનો વ્યાપ પણ વધ્યો છે. આઠ રાજ્યોમાંથી અત્યારે દેશના ૨૦ રાજ્યોમાં ભાજપ અને સાથી પક્ષોની સરકાર છે.
ચાર વર્ષમાં મોદી સરકારની સિદ્ધિ ગણાવવી હોય તો કહી શકાય કે જનધન યોજનાથી માંડીને આમ આદમીને વિનામૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડતી આયુષ્યમાન યોજના અને દેશના છેવાડાંના ૧૮ હજાર ગામોમાં વીજળી પહોંચાડીને તેણે લોકોને સુખસુવિધા આપ્યા છે. સ્વચ્છતા ઝૂંબેશના ઉલ્લેખ વગર યાદી અધૂરી ગણાશે. સ્વચ્છ ભારતનું આયોજન કેટલું સફળ રહ્યું તેની પીંજણ ન કરીએ તો અવશ્ય કહી શકાય કે લોકોમાં સ્વચ્છતાના મુદ્દે જાગૃતિ તો અવશ્ય આવી જ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શ્રેણીબદ્ધ વિદેશ પ્રવાસ સંદર્ભે દરેકનો આગવો અભિપ્રાય હોય શકે, પરંતુ એક વાતનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે કે આજે ભારતની આંતરરાષ્ટ્રીય શાખમાં વધારો થયો છે. વૈશ્વિક તખતે ભારતની હાજરીની નોંધ લેવાતી થયાની વાત હકીકત છે. પડોશી દેશો સાથેના સંબંધો - ચીનના ચંચુપાતના કારણે - ભારે સંવેદનશીલ પણ બન્યા હોવા છતાં મોદી સરકાર અત્યાર સુધી તો - પાકિસ્તાન સિવાયના - પડોશી દેશો સાથે ઉષ્માપૂર્ણ સંબંધો જાળવવામાં સફળ રહી છે.
દેશના આર્થિક મોરચાની વાત કરીએ તો સ્થિતિ સુધરી પણ છે, અને કંઇક અંશે બગડી પણ છે એમ કહી શકાય. નોટબંધીનું પગલું સારું હતું કે ખરાબ એ આજ સુધી નક્કી થઇ શક્યું નથી. આ જ રીતે વિદેશવાસી ભારતીયો હસ્તક રહેલી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટોને બદલવા માટે આજ સુધી કોઇ યોજના કે પગલાં જાહેર થયા નથી તે પણ હકીકત છે. એક દેશ, એક ટેક્સના ઉમદા ઉદ્દેશ સાથે જીએસટી (ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ) લાગુ તો થયો છે, પરંતુ વેરાનો દર ઊંચો છે અને માળખું જટિલ છે. આર્થિક વિકાસને વેગ આપવા આ ફરિયાદોનું નિવારણ જરૂરી છે. કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિએ માથું ઉંચક્યું છે. તેને ડામવા હજુ વધુ સુયોગ્ય, પૂર્વ આયોજિત અને જરૂર જણાયે આક્રમક પગલાં જરૂરી હોવાની લોકલાગણી છે.
આ અને આવા કારણસર પ્રજામાં અસંતોષ છે તો એનડીએના સાથી પક્ષોને અન્ય મુદ્દે અસંતોષ છે. તેમનું માનવું છે કે ભાજપ તેની ઉપેક્ષા કરીને એકહથ્થુ શાસન કરે છે. તેલુગુ દેસમ્ પાર્ટી એનડીએ છોડી ગઇ છે તો શિવ સેના યુતિમાં રહીને જ અસંતોષ વ્યક્ત કરી રહી છે. એનડીએના બીજા પક્ષો સમયાંતરે અસંતોષ વ્યક્ત કરતા રહ્યા છે. આ જોતાં એટલું અવશ્ય કહી શકાય કે વીતેલા ચાર વર્ષમાં મોદી સરકારે ભલે ઘણું હાંસલ કર્યું હોય, પણ હવે એક વર્ષમાં તેણે ટ્વેન્ટી૨૦ ક્રિકેટ મેચની જેમ કામ કરવું પડશે - અને તે પણ ત્રણેય મોરચે. રાજકીય સ્તરે તેણે સાથીઓનો અસંતોષ દૂર કરવો પડશે, રાષ્ટ્રીય સ્તરે (વિપક્ષ મોરચાબંધી કરી રહ્યો છે ત્યારે) વધુ લોકભોગ્ય પગલાંઓ લેવા પડશે અને આંતરરાષ્ટ્રીય તખતે પડોશીઓ એકતાંતણે બંધાઇ રહે તેની કાળજી લેવી પડશે. આમાંના એકેય મોરચે ચૂક કરવાનું ભાજપને પાલવે તેમ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter