નવનિર્મિત સ્ટેડિયમના નામકરણનો વિવાદ

Wednesday 03rd March 2021 03:09 EST
 
 

ગત ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદના નવસર્જિત ક્રિકેટ સ્ટેડિયમે નવો ઈતિહાસ રચી દીધો. એક તો આ સ્ટેડિયમને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ નામ અપાયું અને પાંચ દિવસ રમાતી ટેસ્ટ મેચનું માત્ર બે દિવસમાં પીંડલું વળી ગયું. ઘણા લોકોને તો ગમ્મત થઈ કે મોદીનું નામ અપાયું તો ઈંગ્લેન્ડની ટીમે જાણે શરણાગતિ જ સ્વીકારી લીધી. રમૂજને બાજુએ રાખીએ તો સામાન્ય લોકો માટે મોટેરા સ્ટેડિયમ અથવા સરદાર પટેલ સ્ટેડિયમ તરીકેની ઓળખ ધરાવતા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને નરેન્દ્ર મોદીનું નામ અપાયું તેની સાથે મોટા ભાગના લોકો સહમત જણાતા નથી. સરદાર પટેલને આ રીતે સાઈડલાઈન કરાયા હોવાનો વિવાદ પણ સર્જાયો છે.
જોકે, એવો ખુલાસો પણ અપાયો છે કે નવનિર્મિત સ્ટેડિયમનું કોઈ નામ જ ન હતું અને તે માત્ર મોટેરા સ્ટોડિયમ તરીકે ઓળખાતું હતું. આ ઉપરાંત, ૨૩૩ એકરમાં ફેલાનારા વિશાળ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો શિલાન્યાસ કરાયો છે તેના હિસ્સારુપ એક સ્ટેડિયમને જ મોદીનું નામ અપાયું છે તેમાં સરદાર પટેલને ડીગ્રેડ કરાયા નથી. સાચી વાત તો એ છે કે સરદાર પટેલને કોઈ ડીગ્રેડ કરી શકે તેમ નથી. સરદાર પટેલના અંગત કે જાહેર જીવનમાં કોઈ વિવાદ રહ્યો નથી. તેમણે તો સત્તા કે પદની કોઈ લાલસા વિના ગાંધીબાપુના ચરણમાં જ પોતાનું સ્થાન અડગ રાખ્યું હતું અન્યથા બળવો પોકારી વડા પ્રધાનપદ હાંસલ કરતા તેમને કોઈ અટકાવી શકે તેમ ન હતું. સરદારને યાદ રાખવાના અનેક કારણો છે અને ભૂલવા માટે કોઈ કારણ નથી. સંખ્યાબંધ રજવાડાઓને ભારત સંઘમાં ભેળવવાની તેમની બેમિસાલ કામગીરી છતાં, જમ્મુ-કાશ્મીર અને ચીનના વિષયોમાં તેમને કોરાણે મૂકી દેવાની નીતિના કડવા ફળ આપણે આજે પણ ભોગવી રહ્યા છીએ.
બારડોલી સત્યાગ્રહ હોય કે અમદાવાદની ગટરયોજના હોય સરદારની દૂરંદેશી દેખાઈ આવે છે. આ જ રીતે ગુજરાતને નવપલ્લવિત કરવા નર્મદા યોજનાનું ઘડતર તેમના હસ્તે જ થયું હતું. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલના નકશેકદમ પર આગળ વધી રહ્યા છે. અગાઉ, તેમણે ગુજરાતમાં મુખ્યપ્રધાન પદે વિકાસપુરુષની છબી ઉપસાવ્યા પછી વિશ્વમાં ભારતનો ધ્વજ ઊંચે લહેરાવવામાં કશું બાકી રાખ્યું નથી. આર્ટિકલ ૩૭૦ એકઝાટકે ખતમ કરી કાશ્મીરનું કોકડું સુલઝાવી દીધું તો ચીનને નાકલીટી તાણવી પડે તેવી પરિસ્થિતિમાં લાવી દીધું છે. કોરોના વાઈરસ મહામારીમાં દેશ અને અર્થવ્યવસ્થાને બચાવવામાં કોઈ પાછીપાની કરી નથી અને ભારતમાં બનાવાયેલી વેક્સિનને વિશ્વના દેશોમાં પહોંચાડી વેક્સિન ડિપ્લોમસીને ચાર ચાંદ લગાવી દીધા છે. તેમણે કદી પરિવાર કે સગાંવાદને પ્રોત્સાહન આપ્યું નથી તો પછી, નરેન્દ્ર મોદીના નામને બટ્ટો લાગી શકે તેવા આ સ્ટેડિયમ નામકરણથી ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’નો ઘાટ કેવી રીતે ઘડાયો તે તપાસનો વિષય બની શકે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેડિયમની તખતી ખુલ્લી મૂકી ત્યાં સુધી તો કોઈને મોદી નામકરણ વિશે કશી જાણકારી જ ન હતી. જોકે, ખુદ વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ તેમજ ઉચ્ચ ક્રિકેટ સત્તાવાળા આનાથી બેખબર હોય તેવી કોઈ શક્યતા નથી. આ બાબતે ભાજપના અતિ ઉત્સાહી નેતાઓ - કારભારીઓએ જ ભાંગરો વાટ્યો હોવાની સંપૂર્ણ સંભાવના છે કારણકે નરેન્દ્રભાઈ પોતાની લોકછબી બાબતે સ્પષ્ટ છે. આમ છતાં, લોકો સહેલાઈથી આ નામકરણ સ્વીકારી લેશે તેવી સલાહ તેમને ગળે ઉતારાઈ હોય તે પણ શક્ય છે. જોકે, આ ગુજરાત જેટલું ગાંધીનું છે તેટલું જ સરદારનું પણ છે.
એક બાબતની નોંધ અવશ્ય લેવી જોઈએ કે દેશમાં ૨૮ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ, એવોર્ડ્સ અને ટ્રોફીઝને નહેરુ-ગાંધી પરિવારના સદસ્યોનું નામ અપાયું છે. આ ઉપરાંત, તેમના નામથી ૧૯ સ્ટેડિયમોનું નામકરણ કરાયું છે. અત્યાર સુધી ભારતને પોતાની જાગીર ગણાવતા રહેલા કોંગ્રેસ કે નહેરુ-ગાંધી ખાનદાન દ્વારા વર્ષોથી ચલાવાતા નામકરણો તરફ અંગૂલિનિર્દેશ કરી ભાજપ પોતે કશું ખોટું નહિ કર્યાની દુહાઈ આપતો રહે તેમાં નવાઈ નથી. વાસ્તવમાં આમ કરીને ભાજપએ કોંગ્રેસને એક મુદ્દો ઉભો કરી આપ્યો છે. પરંતુ, ભાજપે અલગ પાર્ટી તરીકેની પોતાની ઓળખ યથાવત રાખી કોંગ્રેસીકરણથી અને નરેન્દ્રભાઈએ પાખંડી કારભારીઓથી બચવાની જરુર છે. નરેન્દ્ર મોદી ખુદ પોતાને આ નામકરણથી અળગા રાખવાનો સ્તુત્ય નિર્ણય લે તેવી અપેક્ષા ખરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter