નાણાંપ્રધાનનું અર્થતંત્રનું ચિત્ર આકર્ષક, પણ ચેતનાનો સંચાર કરી શકશે?

Tuesday 06th February 2018 13:51 EST
 

સારું છે કે એક જ વર્ષ બચ્યું છે... નાણાંપ્રધાન અરુણ જેટલીના બજેટ સંદર્ભે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા આ પ્રતિભાવમાં ભલે રાજકીય વક્રોક્તિ હોય, પરંતુ ભારતનો મધ્યમ અને નીચલો વર્ગ પણ પહેલી નજરે તો બજેટથી ખુશ નથી જ એ હકીકત છે. મોદી સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ આવતા વર્ષે પૂરો થાય તે પહેલાનું આ અંતિમ પૂર્ણ બજેટ હોવાથી સહજપણે જ મધ્યમ અને નીચલા વર્ગને આવકવેરામાં રાહતથી માંડીને અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે ઘણી આશા હતી. આમ ભારતીયને ભરોસો હતો કે મતબેન્કને મજબૂત કરવા માટે પણ બજેટમાં ખાસ રાહતો હશે જ, હશે. પણ મોદી સરકારનું ૨૦૧૮-૧૯નું બજેટ તેમના માટે કોઇ વિશેષ સોગાદ લાવ્યું નથી. આને તમે લોકઅપેક્ષાથી વિપરિત, અણધાર્યા, નિર્ણયો લેવાની નરેન્દ્ર મોદીની સ્ટાઇલ પણ ગણાવી શકો. બજેટ રજૂ કરવાનો વિશેષાધિકાર ભલે નાણાંપ્રધાનનો હોય, પણ મોદી જે પ્રકારે - સરકારથી માંડીને પક્ષ પર - એકચક્રી વર્ચસ ધરાવે છે તે જોતાં લાગતું નથી કે જેટલીએ એકેય આંકડો તેમને પૂછ્યા વગર માંડ્યો હશે. મતબેન્ક મજબૂત કરવાની લાલચ છોડીને દેશનો સર્વગ્રાહી આર્થિક વિકાસ સાધે તેવું બજેટ રજૂ કરવા માટે હિંમત જોઇએ, અને આવી હિંમત બહુ જૂજ લોકોમાં હોય છે. નરેન્દ્ર મોદીનું નામ આવા ગણ્યાગાંઠ્યા લોકોની યાદીમાં મૂકી શકાય.
વડા પ્રધાને દાવોસ પ્રવાસ વેળા સંકેત આપ્યા હતા તેમ બજેટમાં ચૂંટણી પૂર્વેની લહાણી ટાળવામાં આવી છે. સામાજિક યોજનાઓ માટે ખર્ચ કરવા માટે પર્સનલ અને કોર્પોરેટ ટેક્સ પરનો સેસ ૩ ટકાથી વધારીને ૪ ટકા કરાયો છે. અપેક્ષાથી તદ્દન વિપરિત, કરદાતાઓને આવકવેરામાં કોઇ વિશેષ છૂટછાટ અપાઇ નથી. હા, સિનિયર સિટિઝન્સને અમુક કર-રાહતો અવશ્ય મળી છે.
બજેટના કેન્દ્રસ્થાને ત્રણ મુદ્દા જોવા મળે છેઃ રોજગારી, કૃષિ અને આરોગ્ય. છેલ્લાં ત્રણ વર્ષમાં આપેલાં પ્રોત્સાહનોથી ચાલુ વર્ષમાં ફોર્મલ સેક્ટરમાં ૭૦ લાખ રોજગારીની તક સર્જાઈ છે. ફિક્સ્ડ ટર્મ લેબર કોન્ટ્રેક્ટની જોગવાઇમાં અપાયેલી છૂટછાટ સરવાળે નવી રોજગારી ઉભી કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. કેટલીક નવી કૃષિ યોજના તેમજ રુરલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સથી ૩૨૧ કરોડ માનવ દિન રોજગારી ઉભી થવાનો અંદાજ છે.
દરેક સરકાર દશકાઓથી પડોશી એશિયન દેશો સાથે હરીફાઇ કરવા ઇમ્પોર્ટ ડ્યુટીમાં કાપ મૂકતી રહી છે. જેટલીએ આથી ઉલ્ટું વલણ અપનાવ્યું છે. તેમણે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોથી માંડી ઓટો પાર્ટ્સ અને ફર્નિચરથી માંડીને પ્રોસેસ્ડ ફૂડ, ટાયર તેમજ અનેક કન્ઝ્યુમર આઇટેમ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે. તો બીજી તરફ, ભારતીય ઉદ્યોગો ASEAN દેશો (થાઇલેન્ડ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, મલેશિયા, સિંગાપોર, મ્યાંમાર, કમ્બોડિયા, લાઓસ, બ્રુનેઇ) સાથે સ્પર્ધા કરી શકે તે માટે બેવડી રાહતો આપી છે. અત્યાર સુધી ૫૦ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી લઘુ-મધ્યમ કદની કંપનીઓ (એસએમઇ) માટે ૩૦ ટકા કોર્પોરેટ ટેક્સની જોગવાઇ હતી. સરકારે તેમાં વધુ છૂટછાટ આપતાં ટર્નઓવરની મર્યાદા ૫૦ કરોડ રૂપિયાથી વધારીને ૨૫૦ કરોડ અને કોર્પોરેટ ટેક્સ પાંચ ટકા ઘટાડીને ૨૫ ટકા કર્યો છે. સરકારનું કહેવું છે કે દેશમાં આશરે ૭ લાખ કંપની કાર્યરત છે, જેમાંથી ૭૦૦૦ કંપની એવી છે જેનું ટર્નઓવર ૨૫૦ કરોડથી વધુ છે. મતલબ કે ૯૯ ટકા કંપની સીધો લાભ મેળવશે.
મૂડીઝ જેવી ટોચની ક્રેડિટ રેટિંગ એજન્સીથી માંડી ટોચના અર્થશાસ્ત્રીઓ માને છે કે નાણાંપ્રધાન બજેટ તૈયાર કરતી વેળા મતબેન્ક મજબૂત કરવાનો, લોકોના દિલ જીતી લેવાનો મોહ છોડી શક્યા છે. આર્થિક વિકાસ માટે બજેટ લાભકારક પુરવાર થઇ શકે છે. નાણાંપ્રધાને નવી રોજગારી માટે પ્રોત્સાહન, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો સહિતના વિવિધ પગલાં સાથે ઔદ્યોગિક ક્ષેત્રને રાહત આપી છે. તો વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ ‘આયુષ્યમાન ભારત’ રજૂ કરીને આરોગ્ય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ યોજના દેશના ૧૦ કરોડ ગરીબ પરિવારોને - દેશની કુલ વસ્તીના લગભગ ૪૦ ટકા વર્ગને - આવરી લેશે તેવો સરકારનો દાવો છે.
મધ્યમ વર્ગનું માનવું છે કે આ બજેટમાં તેને સાવ કોરાણે મૂકી દેવાયો છે. તો નાણાંપ્રધાનનો દાવો છે કે આ બજેટ ગ્રામ, ગરીબ અને કિસાનને સમર્પિત બજેટ છે. કોણ સાચું અને કોણ ખોટું એ ચર્ચામાં ન પડીએ, પણ સામાન્ય ચૂંટણી આડે ૧૪ મહિના બચ્યા છે તે સંદર્ભે મૂલવતાં સ્પષ્ટ થઇ જાય છે કે બજેટ ચૂંટણીલક્ષી તો છે જ. તેમાં ગુજરાતના ચૂંટણી પરિણામોની ‘અસર’ જોવા મળી રહી છે. વિવિધ જોગવાઇ દર્શાવે છે કે ઔદ્યોગિક વિકાસને પ્રાધાન્ય આપનાર એનડીએ સરકારને ગામ, ગરીબ અને કિસાનનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે. ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામના આંકડાએ સ્પષ્ટ કરી દીધું હતું કે પક્ષને સૌથી વધુ ઘસારો ગ્રામ્ય વિસ્તારોમાં લાગ્યો છે. આથી બજેટમાં ગ્રામ્ય વિસ્તાર પર વિશેષ ફોક્સ જોવા મળે છે.
અર્થશાસ્ત્રીઓ બજેટને બિરદાવતા હોવાથી જેટલીએ હરખાવાની જરૂર નથી. આ જ નિષ્ણાતો એમ પણ કહે છે કે બજેટમાં સારી સારી વાતો વચ્ચે કેટલાક ચિંતાજનક મુદ્દા પણ છે. જેમ કે, રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ). ગયા વર્ષે નાણાંપ્રધાને ૨૦૧૭-૧૮ માટે ૩.૨ ટકા અને ૨૦૧૯ માટે ૩ ટકા ખાધનો અંદાજ મૂક્યો હતો. આ વખતે ખાધનો અંદાજ વધારીને અનુક્રમે ૩.૫ ટકા અને આવતા વર્ષ માટે ૩.૩ ટકા મૂક્યો છે. નાણાંપ્રધાને પાંચમાંથી ત્રણ બજેટમાં ખાધનો અંદાજ સુધાર્યો હોવાથી તેમની વિશ્વસનીયતા ઘટી છે. આવો જ ચિંતાજનક મુદ્દો છે હેલ્થ સ્કીમ. બજેટમાં ૧૦ કરોડ પરિવારોને હેલ્થ ઇન્સ્યોરન્સમાં આવરી લેવાયાં છે તે સાચું, પણ આ યોજના માટેના નાણાં ક્યાંથી આવશે તેનો કોઇ ઉલ્લેખ નથી. આ જ પ્રકારે કૃષિ ક્ષેત્રના સંદર્ભે જણાવાયું છે કે કિસાનોને તેમના ઉપજ ખર્ચના દોઢ ગણા નાણાં મળે તેવી વ્યવસ્થા કરાશે. સાંભળવામાં આ વાત ભલે બહુ સારી લાગે, પણ ખેતપેદાશોને ટેકાનો દોઢ ગણો ભાવ આપવાનો વાયદો ૨૦૧૪-૧૫માં પણ હતો. તો આમાં નવું શું છે? વળી, અહીં પણ એ સવાલ તો છે જ કે આ માટે જરૂરી નાણાં ક્યાંથી આવશે? જવાબ ક્યાંય નથી. ક્યા પાકને આ યોજનામાં સામેલ કરાયા છે કે કરાશે તે અંગે પણ બજેટમાં ફોડ પડાયો નથી. આવું જ કોર્પોરેટ ટેક્સનું છે. તેમાં અપાયેલી પાંચ ટકા છૂટથી સરકારી તિજોરીમાં જે ઘટ પડશે તે કઇ રીતે સરભર થશે તેનો પણ ઉલ્લેખ નથી. શેરબજારમાં થતી કમાણી પર ૧૦ ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન (એલટીસીજી) ટેક્સ લદાતાં બીએસઇ સેન્સેક્સમાં કડાકો બોલી ગયો છે. વૈશ્વિક આર્થિક સંકેતોએ પડતા સેન્સેક્સને પાટું મારવાનું કામ કર્યું છે. એલટીસીજીથી સંસ્થાકીય વિદેશી રોકાણકારો (એફઆઇઆઇ) ભારતીય શેરબજારોથી દૂર રહેવાની આશંકા સેવાઇ રહી છે. જોકે સરકાર આ જ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાંથી આગામી વર્ષમાં ૪૦,૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા ધારે છે. અર્થશાસ્ત્રીઓની દરેક આશંકા અંગે સરકારનો જવાબ છે કે થઇ રહેશે... અમારું આર્થિક આયોજન છે જ, સેસ, એલટીસીજી વગેરેમાંથી મળનારા નાણાંમાંથી બજેટ આયોજનો સાકાર કરવાનું મુશ્કેલ નથી.
સરકાર હોય કે સામાન્ય માનવી, આશાભર્યા અરમાનો અને અંદાજો રાખવામાં કશું ખોટું નથી. પરંતુ સહુ કોઇએ આશાની સાથે વાસ્તવિક્તાને પણ નજરમાં રાખવી જ રહી. આશા રાખીએ નાણાંપ્રધાન અરુણ જેટલીએ પણ ભારતીય અર્થતંત્રનું ગુલાબી ચિત્ર દોરતી વખતે વાસ્તવિક્તાનો ખ્યાલ રાખ્યો જ હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter