પાકિસ્તાનને ઉબાડિયા ચાંપવાનો શોખ

Tuesday 03rd November 2020 13:33 EST
 

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે તેના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનને અસ્થાયી પ્રાંતનો દરજ્જો આપીને નવું ઉબાડિયું ચાંપ્યું છે. પાકિસ્તાન તો ચીનનું બગલબચ્ચુ છે અને તેના ઈશારે જ આ પગલું લેવાયું છે કારણકે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)નો છેવટનો માર્ગ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાંથી પસાર થાય છે. ઈમરાન સરકારના આ એલાન પછી તરત ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં વિવાદ શરુ થવા સાથે લોકો સેંકડોની સંખ્યામાં આ નિર્ણયના વિરોધમાં માર્ગો પર ઉતરી આવ્યા હતા. સ્વાભાવિકપણે જ ગિલગિટ-બાલ્ટિસ્તાન, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતના અભિન્ન હિસ્સા છે. પાકિસ્તાન આ ક્ષેત્રોનો દરજ્જો બદલવાના બદલે ગેરકાયદે કબજો તુરંત ખાલી કરી દે તેવી ચિમકી પણ ભારતે ઉચ્ચારી છે પરંતુ, આ કૂતરાની વાંકી પૂછડી ક્યારે સીધી થાય?
પાકિસ્તાનને ઈસ્લામિક વિશ્વના સર્વોચ્ચ ખેરખાં થવાની મનશા છે. આ માટે તેણે તુર્કી સાથે હાથ મિલાવ્યા છે. જોકે, વર્તમાન ઈસ્લામિક નેતા તરીકે રહેલું સાઉદી અરેબિયા તેમને જરા પણ દાદ આપતું નથી. ઈમરાન સરકારે તાજેતરમાં POK, ગિલગિટ-બાલ્ટિસ્તાન, જૂનાગઢ વગેરે પ્રદેશો પોતાના ગણાવતો નવો નકશો મિત્ર દેશોને મોકલ્યો પણ હતો. જોકે, સાઉદીએ નવી બેન્ક નોટમાં પાકિસ્તાન પ્રેરિત નકશાનો ઉપયોગ નહિ કરી તેને ફટકો માર્યો છે. જોકે, ભારતે પણ હરખાવાની જરુર નથી કારણકે સાઉદી અરેબિયાએ કાશ્મીર-ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારત કે પાકિસ્તાનની અલગ સ્વતંત્ર અને વિવાદાસ્પદ પ્રદેશો દર્શાવ્યા છે. બીજી મહત્ત્વની બાબત એ પણ છે કે કલમ ૩૭૦ રદ કરાયા બદલ ઈમરાન ખાન ૨૭ ઓક્ટોબરને કાળો દિવસ મનાવવા ઈચ્છતા હતા પરંતુ, ઈરાન અને સાઉદીએ તેમાં પણ સાથ આપ્યો નથી. કાશ્મીર મુદ્દે ઈરાને પણ પાકિસ્તાનથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.
પુલવામા હુમલા પછી પકડાયેલા ભારતીય એરફોર્સના જાંબાઝ અધિકારી અભિનંદન વર્ધમાનને છોડી મૂકવા મુદ્દે પણ પાકિસ્તાન સંસદમાં હોબાળો મચ્યો હતો. ભારતે હુમલો કરવાની ધમકી આપ્યાના પગલે અભિનંદનને છોડવાનો નિર્ણય લેવાયો હોવાનો ઘટસ્ફોટ PML(N)ના સાંસદ અને પૂર્વ સ્પીકર સરદાર અયાઝ સાદિકે સંસદમાં જ કરતા રાજકીય માહોલ ગરમાયો હતો. સાદિકે તો એટલે સુધી કહ્યું હતું કે ભારતની ધમકીના પગલે વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશી અને આર્મી ચીફ બાજવાના ટાંટિયા પણ ધ્રૂજી રહ્યા હતા.પાકિસ્તાન માટે આટલી બેશરમી ઓછી હોય તેમ પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન ફવાદ ચૌધરીએ સંસદમાં શેખી મારી હતી કે પુલવામા હુમલો અમે જ કરાવ્યો હતો. આ ઉપરાંત, ભારતના સીઆરપીએફના ૪૦ જવાનોની હત્યા કરાઈ હતી તે ફેબ્રુઆરી ૨૦૧૯ના આ હુમલાની સફળતાનો શ્રેય તેમણે વડા પ્રધાન ઈમરાન ખાનને આપી દીધો હતો. આવા એકરાર સાથે જ પાકિસ્તાનનો વાસ્તવિક ચહેરો દુનિયા સમક્ષ ખુલ્લો પડી ગયો છે. પાકિસ્તાન આતંકવાદનું જનક, પાલક અને પોષક હોવાનું વધુ એક વાર સાબિત થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter