પાકિસ્તાનનો ચહેરો ફરી એક વખત બેનકાબ

Wednesday 25th November 2020 05:22 EST
 

જમ્મુ-કાશ્મીરમાં નગરોટા એન્કાઉન્ટર બાદ બહાર આવેલા તથ્યોએ પાકિસ્તાનના નાપાક ચહેરાને ફરી એક વખત બેનકાબ કર્યો છે. એક તરફ ત્યાંની કોર્ટ પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉદ્-દાવાના વડા હાફિઝ સઇદને આતંકી ફંડિંગ કેસમાં દોષિત ઠરાવીને ૧૦ વર્ષ કેદની સજા ફરમાવે છે ત્યારે બીજી તરફ આતંકીઓ પાકિસ્તાની સુરક્ષા દળોની છત્રછાયામાં ભારતમાં ઘૂસણખોરી કરીને અશાંતિ ફેલાવવા મથી રહ્યા છે. નગરોટા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા જૈશ-એ-મોહમ્મદના ચારેય આતંકીઓનો ઇરાદો ૨૬/૧૧ના મુંબઇ હુમલાની વરસીએ ભારતમાં આતંકી હુમલાને અંજામ આપવાનો હતો. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં ૨૬ નવેમ્બરથી શરૂ થઇ રહેલી ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ડીડીસી)ની ચૂંટણીઓ પર પણ તેમનો ડોળો હતો. જોકે ભારતના જાંબાઝ જવાનોઓ આતંકી બદઇરાદો નિષ્ફળ બનાવ્યો છે. નગરોટા એન્કાઉન્ટર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સલામતીના પગલાંની સમીક્ષા કરી હતી. સાથોસાથ તેમણે આ કાવતરાંને વિફળ બનાવવા બદલ સુરક્ષા દળોની પ્રશંસા કરીને તેમને અભિનંદન પણ આપ્યા હતા.
માર્યા ગયેલા આતંકવાદીઓના કબ્જામાંથી જંગી સશસ્ત્ર સરંજામ ઉપરાંત જે ચીજવસ્તુઓ મળી છે તે તમામ પાકિસ્તાનની સીધી સંડોવણી છતી કરે છે. આતંકીઓ ડિજિટલ મોબાઇલ રેડિયો વડે પાક.સ્થિત તેના આકાઓના સંપર્કમાં હતા. મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરનો ભાઇ અબ્દુલ રઉફ અસગર માર્યા ગયેલા આતંકીઓને ફોન પર સૂચના આપતો હતો. આ ચોંકાવનારી વિગતો જાણીને ભારત સરકારે પાકિસ્તાન હાઇ કમિશનના ઉચ્ચ અધિકારીને વિદેશ મંત્રાલયમાં બોલાવી તેમના દેશને આવા કૃત્યોથી દૂર રહેવા તાકીદ કરી છે. આ ઉપરાંત ભારતીય વિદેશ મંત્રાલયે તમામ પુરાવાઓના આધારે એક વિગતવાર ડોઝિયર તૈયાર કરીને વિશ્વના વિવિધ દેશોના હાઇ કમિશનને સુપરત કર્યું છે, જેથી પાક.ના કરતૂતોની બધાને ખબર પડે.
પાકિસ્તાન ભલે આતંકી પ્રવૃત્તિઓમાં પોતાની સંડોવણી નકારતું રહે, પરંતુ ભારત સામેનો તેનો ઝેરીલો દ્વેષ જગજાહેર છે. આર્થિક પાયમાલીમાં ડૂબેલા પાક.ના આતંકી ચહેરાની દુનિયાભરમાં ભારે વગોવણી થઇ રહી હોવા છતાં તે ભારત સામે આતંકી-અવળચંડાઇ છોડવા તૈયાર નથી. હા, આતંકીઓને મળી રહેલા ફંડિંગ પર નજર રાખી રહેલા આંતરરાષ્ટ્રીય એજન્સી ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) અને અમેરિકાના આકરા અભિગમે પાકિસ્તાનને આતંકીઓ સામે પગલાં લેવાનો દેખાડો કરવાની ફરજ જરૂર પાડી છે. વૈશ્વિક આતંકી હાફિઝ સઇદને ફરમાવાયેલી સજા આ દબાણનું જ પરિણામ છે. અન્યથા આતંકવાદને પાળવા-પોષવાના મામલે પાકિસ્તાનનો અભિગમ હંમેશા કૂતરાની પૂંછડી જેવો રહ્યો છે. જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, જમાત-ઉદ્-દાવા જેવા આતંકી સંગઠનોનો દોરીસંચાર પાક. ગુપ્તચર એજન્સી આઇએસઆઇના હાથમાં છે. નવેમ્બર ૨૦૦૮માં મુંબઇમાં થયેલા આતંકી હુમલાનું ષડયંત્ર રાવલપિંડીમાં બેઠેલા આઇએસઆઇના તત્કાલીન વડા અહમદ શુજા પાશાએ ઘડ્યું હતું. આમ હાફિઝ સઇદ જેવા મોહરા સામેની કાર્યવાહી દુનિયાની આંખોમાં ધૂળ નાંખવાથી વિશેષ કંઇ નથી. આ સંજોગોમાં નગરોટા એન્કાઉન્ટર ભારતીય સુરક્ષા દળો માટે ચેતવણીનો સંકેત છે. અધૂરામાં પૂરું, હવે શિયાળો શરૂ થયો છે, અને પાકિસ્તાન વર્ષોથી બરફવર્ષાનો ગેરલાભ ઉઠાવીને આતંકીઓને કાશ્મીરમાં ઘૂસાડવા પ્રયાસ કરતું રહ્યું છે. આ બધું જોતાં સરહદે તૈનાત ભારતીય સુરક્ષા દળો માટે આગામી કેટલાક મહિના કઠોર પરીક્ષાના હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter