પ્રજાસત્તાક ભારતના સાત દાયકાની સફર

Wednesday 20th January 2021 03:46 EST
 
 

પ્રત્યેક ભારતીયના દિલની લાગણીનો પડઘો સંસ્કૃત શ્લોક ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ’ એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે, માં જોવા મળે છે. આપણા મહાન ભારત દેશનો ૭૨મો પ્રજાસત્તાક દિન આપણે ૨૬ જાન્યુઆરીએ ઉજવીશું ત્યારે ઘણી યાદો તાજી થાય તે નિર્વિવાદ છે. ભારતને આઝાદી ભલે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં પ્રાપ્ત થઈ પરંતુ, ભારતનું આગવું બંધારણ ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીએ અસ્તિત્વમાં આવ્યું હતું. આમ આ દિવસે જ આપણે વાસ્તવિક અર્થમાં સ્વતંત્ર થયા. ભારતની આ વિકાસગાથામાં અનેક નામી-અનામી નાગરિકોનું યોગદાન રહેલું છે.

સાત દાયકા અગાઉના ભારત અને વર્તમાન ભારતમાં આભ-જમીનનો તફાવત છે. એક સમયે સોને કી ચિડિયા ગણાતું સમૃદ્ધ ભારત સાત દાયકા અગાઉ બ્રિટિશ સંસ્થાનવાદની ૨૦૦ વર્ષની ચૂંગાલમાંથી આઝાદ થવા છતાં, વિભાજન થવાના પરિણામે દેશના ભાવિ સહિતના અનેક પ્રશ્નો સર્જાયેલા હતા. ભાગલાનો ઘા તાજો હતો અને
બ્રિટિશ સરકારે બ્રિટનના જ ઉત્થાન પર વધારે ધ્યાન આપ્યું હોવાથી વેપારઉદ્યોગ ડગુંમગું ચાલતો હતો અને નિકાસમાં જોઈએ તો ખેતપેદાશોની જ નિકાસ મુખ્ય હતી અને લગભગ બધું જ આયાત કરાતું હતું. વિદેશમાં ભારતની સ્થિતિ દયાપાત્ર હતી. પછાતાવસ્થામાં રહેલા દેશનો વહીવટ કેવી રીતે સુચારુ ચાલશે તેના વિશે અપાર શંકાકુશંકાઓ પણ હતી. તે સમયે ઈંગ્લેન્ડના કન્ઝર્વેટિવ નેતા અને પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે તો એટલે સુધી કહ્યું હતું કે ભારતને આઝાદી આપી આપણે તેને લૂંટારાઓના હાથમાં મૂકી રહ્યા છીએ. ચર્ચિલ તો ભારતને લોકશાહીને લાયક પણ માનતા ન હતા. વાસ્તવમાં, ભારતમાં પ્રજાતંત્રની કોઈ નવાઈ નથી. લગભગ ૨૫૦૦ વર્ષ અગાઉ, લિચ્છવી ગણરાજ્ય સહિતના ગણતંત્રો ભારતમાં અસ્તિત્વ ધરાવતા હતા.
૭૨મા પ્રજાસત્તાકદિને આપણે ગર્વ સાથે કહી શકીએ છીએ કે ચર્ચિલ તદ્દન ખોટા હતા. ભારતીયોના ખમીરને આંકવામાં તેઓ સરિયામ નિષ્ફળ રહ્યા હતા. ભારતમાં માત્ર લોકશાહી ટકી જ નથી, વધારે મજબુત થઈ છે. ભારતના ૧.૩ બિલિયનથી વધુ નાગરિકો આશરે ચારસો જેટલી જુદી-જુદી ભાષાઓ બોલે છે. આવું વૈવિધ્ય છતાં, અનેક ધર્મ - સંપ્રદાયો અને ભાષા અને સંસ્કૃતિઓને એક સાથે રાખી ભારતે લોકશાહી જાળવી રાખી છે.
ભારતે લાંબી દડમજલ સાથે વિકાસના શિખરો સર કર્યા છે. આઝાદી વેળાએ દેશની વસ્તી ૨૫થી ૩૦ કરોડ જેટલી હતી પ્રારંભિક વર્ષોમાં સ્વાભાવિક રીતે જ અનાજ પરદેશથી મંગાવવું પડતું હતું. અમેરિકા જેવા દેશો દયાદાન તરીકે ભારતને ઘઉં મોકલી આપતા હતા. આજે ૧૩૦ કરોડની વસ્તી છે અને ભારતે ખાદ્યાન્નમાં આત્મનિર્ભરતા કેળવી લીધી છે, હવે ભારત ખુદ ઘઉ-ચોખાની નિકાસ કરી શકે છે. આજે ભારત સૌથી વધુ ચાનું ઉત્પાદન કરતો દેશ છે. ભારતનું રેલવે તંત્ર વિશ્વનું સૌથી મોટુ તંત્ર છે. ભારતમાં ૧,૫૫,૦૧૫ પોસ્ટઓફિસો ધરાવતું મોટું તંત્ર છે. વિશ્વમાં વેચાતા ૧૦ હીરામાંથી ૯ હીરા ભારતમાં તૈયાર થયા હોય છે. ભારતમાં સૌથી વધુ હીરા પોલિશ થાય છે. મહત્ત્વની બાબત એ પણ કહેવાય કે દુનિયામાં ૯૦ ટકા ડાયમન્ડ પોલિશીંગ ગુજરાતના સુરતમાં થાય છે.
અવકાશમાં સેટેલાઈટ તરતા મુકવાની બાબતમાં વિશ્વકક્ષાએ ભારતે નોંધપાત્ર મહારત હાંસલ કરી છે. ભારતના ચંદ્ર અને માર્સ મિશનોની સફળતાએ વિશ્વને ચકાચૌંધ કરી નાખ્યું છે. સસ્તા અને ટકાઉ સેટેલાઈટ્સ અવકાશમાં લોન્ચ કરીને ભારતે નવું બજાર પણ વિકસાવ્યું છે. વિશ્વમાં સેટેલાઈટ લોન્ચ કરવામાં ભારતનું સ્થાન છઠ્ઠા ક્રમે છે.
વર્તમાન કોરોના મહામારીના સંદર્ભમાં વાત કરીએ તો ભારત વેક્સિનની ઉત્પાદનના મામલે સૌથી આગળ છે, વિશ્વના કોવિડ વેક્સિનોમાં બે અતિ સફળ વેક્સિનનું ઉત્પાદન ભારતમાં થાય છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા સાથે મળી વેક્સિન વિકસાવી છે. ભારત બાયોટેકની વેક્સિન પણ કામે લાગી છે. ઝાયડસ કેડિલા જેવી વધુ ભારતીય ફાર્મા કંપનીઓ ઝડપભેર આ ક્ષેત્રમાં આવી રહી છે.
ભારતમાં કાર્યક્ષમવય ધરાવતા યુવાવર્ગનું પ્રમાણ વિશ્વના અન્ય દેશોની સરખામણીએ વધારે છે. આ યુવા વસ્તી ભારતના અર્થતંત્રના વિકાસને આગળ ધપાવવામાં કારણભૂત બની છે. ભારતમાં પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેનારા લોકોની સંખ્યા ૨૦૫૫ સુધી વધુ રહેશે તેવો અંદાજ છે. ભારતની વિકાસછલાંગ આર્થિક સશકિતકરણ થકી દર વર્ષે ૪ કરોડ નાગરિકોને ગરીબીમાંથી બહાર તાણી લાવે છે. આજે સમગ્ર અમેરીકાની વસ્તી જેવો મધ્યમવર્ગ ભારતમાં છે અને ૨૦૨૫ સુધીમાં ભારતની મોટા ભાગની પ્રજા મધ્યમ વર્ગમાં આવી જશે એવી ગણતરી છે.
યુવાધન હોય તેના કરતાં પણ બુદ્ધિશાળી યુવાધન વધુ મહત્ત્વાકાંક્ષી અને આત્મનિર્ભર બની રહે છે જે આપણે અનુભવીએ છીએ. સોફ્ટવેર ક્ષેત્રમાં ભારતીય યુવાનોની માગ વધુ છે. ભારતમાં ૧૪૦ બિલિયન ડોલરનું સોફ્ટવેર ક્ષેત્ર કાર્યરત છે. ૨૧મી સદીની શરુઆતના સમયમાં Y2K સંકટ આવ્યું ત્યારે સમગ્ર વિશ્વ ચિંતામાં પડી ગયું હતું પરંતુ, ભારતના ટેકનોલોજી નિષ્ણાતોએ વિશ્વને આ સંકટમાંથી બહાર કાઢ્યું હતું.
ભારત ખરીદશક્તિની ક્ષમતા પ્રમાણે દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, અને દુનિયાનું બીજું સૌથી ઝડપથી આગળ વધી રહેલું બજાર અર્થતંત્ર છે. આના કારણે જ દુનિયાના અમેરિકા અને રશિયા જેવા સુપર પાવર રાષ્ટ્રો ભારતને ખુશ કરવા મથી રહ્યા છે. ભારતે રશિયા હોય કે અમેરિકા અથવા બ્રેક્ઝિટ પછીનું યુકે હોય, બધા લોકશાહી દેશો સાથે સુમેળભર્યા સંબંધો જાળવ્યા છે.
ભારતના નાગરિકો ગતિશીલ છે. વિશ્વમાં ભારતીય ડાયસ્પોરા સૌથી વિશાળ છે. ભારતના સૌથી વધુ લોકો નોકરીધંધાર્થે વિદેશમાં વસે છે. કોઇ પણ દેશના વિદેશમાં વસતા નાગરિકોની સંખ્યાની બાબતમાં ભારત પ્રથમ ક્રમે છે. સામાન્ય રીતે કોઇ પણ દેશના માઇગ્રન્ટ મોટે ભાગે કોઇ એક દેશ કે વિસ્તારમાં વસેલા હોય છે પણ ભારતીયો વિશ્વના દરેક ખૂણે વસેલા છે. ખાડીના દેશોથી લઇને ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી લઇને બ્રિટન સુધી વસેલા છે. તેઓ પોતાની કર્મભૂમિ અને જન્મભૂમિ વચ્ચે સાંમજસ્ય જાળવે છે. વેપારસંચાલન ક્ષેત્ર પણ ભારતીયો માટે અછુતું રહ્યું નથી કારણકે વેપારવણજ તો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓના લોહીમાં છે. માઈક્રોસોફ્ટ કંપનીના સત્ય નાડેલા, પેપ્સીકોના ઈન્દ્રા નૂયી, ગૂગલના સુંદર પિચાઈ સહિત અનેક વૈશ્વિક કંપનીઓના ઉચ્ચાધિકારીઓ ભારતમાં જન્મેલાં છે. વિદેશમાં રહીને ત્યાંના અર્થતંત્રને આગળ વધારવામાં મદદ કરતા આ માઈગ્રન્ટ ભારતીયો સ્વદેશની તિજોરી પણ છલકાવતા રહ્યા છે. ભારતનું વિદેશી હુંડિયામણ ૫૪૧.૪ બિલિયન ડોલરના આંકડે પહોંચી ગયું છે. ચીન અને જાપાન પછી વિશાળ વિદેશી હુંડિયામણ ધરાવવામાં ભારત વિશ્વનો ત્રીજો દેશ છે.
ગુજરાત સમાચાર માને છે કે ગત ૭૦૦ વર્ષની ગુલામી હેઠળ ભારત પછાત રહ્યું હતું હવે તેમાંથી તે બહાર આવી ગયું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને નવી દિશા આપી છે. તેમણે આત્મનિર્ભર ભારતનો મહામંત્ર ફૂંક્યો છે. તેમણે ભારતની નવી ઈમારતના પાંચ સ્તંભમાં અર્થતંત્ર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક ટેકનોલોજી, દેશની યુવા વસ્તી અને માંગ-પુરવઠાની યોગ્ય વહેંચણીનો સમાવેશ કર્યો છે. વર્તમાન ભારતના વડા પ્રધાનને વિશ્વના શક્તિશાળી ગ્રૂપોમાં એક જી-૭ની બેઠકમાં હાજર રહેવાનું આમંત્રણ ખુદ બ્રિટિશ વડા પ્રધાન જ્હોન્સન દ્વારા અપાયું છે તેની પણ નોંધ લેવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter