પ્રદુષણઃ હાથના કર્યા હૈયે વાગ્યા

Tuesday 10th July 2018 15:42 EDT
 
 

વિકાસ અને શહેરીકરણની આંધળી દોટમાં આપણે એટલ ગુલતાન થઈ ગયા છીએ કે પ્રકૃતિ સાથેની સમતુલા તોડી નાંખી છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં ‘ઑસ્લો ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરમ’ની બેઠકમાં જંગલોના વિનાશ અંગે ‘વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિયૂટ’ દ્વારા રજૂ કરાયેલા આંકડા હબક ખાઈ જવાય તેવા છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન પૃથ્વી પરથી ૧,૫૭,૮૨૯ ચોરસ કિલોમીટર અથવા તો બાંગલાદેશ જેટલા ક્ષેત્રફળમાં દાવાનળ, કુદરતી આફતો, જમીનના ધોવાણ તેમજ વૃક્ષોના કાપવા સહિતના કારણોસર ટ્રોપિકલ જંગલોનો નાશ થયો હતો.
જંગલોમાં વૃક્ષો આડેધડ કપાવાથી હવામાં ૭.૫ બિલિયન ટન વધુ કાર્બન ડાયોક્સાઈડ ઠલવાયો હતો. વૃક્ષોની ગેરહાજરીમાં કાર્બન શોષાયા વિના હવામાં ભળે છે. કાર્બન હવામાં વધુ ઠલવાય તેમ ગરમી વધવી, બરફ પીગળવો, નદીઓ સુકાવી, જમીનમાંથી ભેજ ઘટવા સહિતની સમસ્યાઓ સર્જાય છે, જેના પરિણામ આપણે ગ્લોબલ વોર્મિંગના નામે સહન કરી રહ્યા છીએ. આ રિપોર્ટ અનુસાર પૃથ્વી પરથી દર મિનિટે ફૂટબોલના ૪૦ મેદાન અથવા ૩ લાખ ચો.મી. જેટલાં જંગલ સાફ થઈ રહ્યાં છે. દક્ષિણ અમેરિકા ખંડ, દક્ષિણ-પૂર્વ એશિયા અને મધ્ય આફ્રિકામાંથી સૌથી વધુ જંગલ નષ્ટ થઈ રહ્યા છે. ભારતમાં ટ્રોપિકલ જંગલો આમ પણ ઓછાં છે. વર્ષ ૨૦૦૧થી ૨૦૧૭ સુધીનાં ૧૬ વર્ષમાં કુલ ૧૫,૪૦૦ ચો. કિ.મી. વિસ્તારના જંગલોનું નુકસાન ભારતને થયું છે.
કાર્બન ડાયોક્સાઈડ એમીશન વૈશ્વિક તાપમાનમાં સરેરાશ વધારા માટે મુખ્ય કારણ છે. ગયા વર્ષે એનર્જી સંબંધિત કાર્બન એમિશન રેકોર્ડબ્રેક વધીને ૩૨.૫ ગીગાટન થયું છે ત્યારે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)એ તો ચેતવણી આપી છે કે એક તરફ ઊર્જાની ખપત વધતી જાય છે અને બીજી તરફ, ઊર્જાની કાર્યક્ષમતા સુધારવાના પગલાં ધીમાં પડતાં જાય છે તેનું પરિણામ માનવજાતે સહન કરવું જ પડશે. સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડિજલના વધતા વપરાશથી હવામાં પ્રદુષણ વધતું જ જાય છે. આ ફોસીલ ઓઈલ્સના ભાવ ગમે તેટલા વધતા જાય પરંતુ, વાહનોનો વપરાશ ઘટતો નથી. આપણે જોઈએ છીએ તેમ વાહનો સતત વધતાં જાય છે.
સમગ્ર વિશ્વમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે શરીર દઝાડતી ગરમીનો અનુભવ ઉત્તર ગોળાર્ધના મોટા ભાગના દેશોમાં થઈ રહ્યો છે. બ્રિટન, ફ્રાન્સ હોય કે કેનેડા કે અમેરિકા હોય, તમામ વિસ્તારોમાં હીટવેવ્ઝથી લોકો શેકાય છે અને મોતને ભેટે છે. એવું નથી કે દિવસ દરમિયાન જ ઊંચા તાપમાન રહે છે, ઓમાન જેવાં રણ પ્રદેશમાં પણ રાત્રિનું તાપમાન સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચુ નોંધાયું હતું. આ બધું ગ્લોબલ વોર્મિંગના કારણે થાય છે તેમ આપણે કહેતા રહીએ છીએ પરંતુ, તેના ઉપાયો કરવામાં આવતા નથી. ખરેખર તો, આપણા હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે.
વેસ્ટર્ન યુરોપના ટાપુઓ હીટવેવમાં તરફડી રહ્યા છે ત્યારે યુરેશિયા અને મિડલ ઈસ્ટની હાલત પણ સારી નથી જ. આ વર્ષે ફૂટબોલ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે તે રશિયામાં પણ લોકોની સાથે ફૂટબોલર્સ પરસેવાથી રેબઝેબ રહે છે. મિડલ ઈસ્ટના ઓમાનમાં જૂન મહિનામાં સૌથી ઊંચુ તાપમાન ૪૨.૬ ડીગ્રી સેલ્સિયસ રહ્યું હતું હતું. પાકિસ્તાનમાં સૌથી ઊંચુ તાપમાન ૫૦.૨ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter