પ્રમુખ ઓબામાની સુરક્ષાઃ બેધારી અમેરિકી નીતિ?!

Wednesday 21st January 2015 12:20 EST
 

ભારતના પ્રજાસત્તાક પર્વમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા પ્રમુખ ઓબામા નવી દિલ્હી જઇ રહ્યા છે તે સંદર્ભે પાકિસ્તાનને આ ચીમકી આપવામાં આવી છે. અમેરિકાના આવા ફરમાનથી તેની વિદેશ નીતિ અને ખાસ કરીને પાકિસ્તાન પ્રત્યેના તેના વલણ સામે શંકા ઊભી થઇ છે. અમેરિકા આતંકવાદ અને તેને પોષતા પાકિસ્તાનના મુદ્દે હંમેશા બેવડું વલણ અપનાવતું રહ્યું છે તેનું આ એક તાજું ઉદાહરણ ગણી શકાય. અમેરિકાએ આવી કોઇ સુચના આપી હોય તો... તેનો એક ગર્ભિત અર્થ એવો થાય કે - પડોશી દેશમાં આતંકવાદ ફેલાવવાનો દોરીસંચાર પાકિસ્તાન શાસકોના હાથમાં હોવાનું અમેરિકન તંત્ર સ્વીકારે છે. જરાક વક્રદૃષ્ટિથી જોઇએ તો, એમ પણ કહી શકાય કે પાકિસ્તાન અમેરિકી પ્રમુખના ભારત પ્રવાસ સિવાયના સમયગાળામાં પડોશી દેશમાં આતંકવાદ ફેલાવે તો તેને કોઇ વાંધો નથી. ખરેખર તો અમેરિકાએ પાકિસ્તાનને એવો આદેશ આપવાની જરૂર હતી કે પડોશી દેશમાં આતંકવાદના ઓઠાં તળે પરોક્ષ યુદ્ધ ખેલવાનું બંધ કરો, નહીં તો આર્થિક સહાયમાં કાપ સહિતના આકરાં પરિણામ ભોગવવાં તૈયાર રહો. પણ ભાઇ, આ ‘જગત જમાદાર’ એવા છે, જેમને જગતના હિત કરતાં, પોતાના હિતની વધારે ચિંતા છે. વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ પોતાના પ્રમુખની સુરક્ષા અંગે ચિંતા કરે તેમાં કંઇ ગેરવાજબી નથી, પણ તે જે પ્રકારે પગલાં લઇ રહ્યું છે તે પ્રશ્નો પેદા કરે છે. દરેક દેશની સુરક્ષા એજન્સીઓને તેના નેતાની સુરક્ષાની ચિંતા હોય છે અને અને તેને અનુરૂપ પગલાં પણ લેતી હોય છે.
આતંકવાદના આ દોરમાં પ્રમુખ ઓબામાની સુરક્ષાને લઇને અમેરિકા ચિંતિત છે તો યજમાન ભારત પણ ચિંતિત હોય તે સ્વાભાવિક છે. અમેરિકાથી સુરક્ષા અધિકારીઓની ટીમ ભારત પહોંચીને અધિકારીઓ સાથે વિચારવિમર્શ કરીને સુરક્ષા બંદોબસ્તને આખરી ઓપ આપી રહી છે. ઓબામાના પ્રવાસ અંગે અમેરિકા તરફથી થઇ રહેલી સુરક્ષા સંબંધિત કેટલીક વાતચીત તો કોઇના પણ ગળે ઉતરે તેવી નથી. ક્યારેક અમેરિકી અધિકારીઓ પ્રમુખ ઓબામાના ભારતીય રાષ્ટ્રપતિ સાથે કારમાં બેસવા સામે વાંધો ઉઠાવે છે તો ક્યારેક રાજપથને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવાનું સૂચન કરે છે. તેમની એક માગણી એવી પણ હતી કે તમામ વ્યૂહાત્મક સ્થળે માત્ર અમેરિકી કમાન્ડોના સ્નાઇપર્સ જ ગોઠવાશે. પોતાના પ્રમુખની સુરક્ષા અર્થે જાતભાતની માગણીઓ કરી રહેલા અમેરિકાએ સમજવું જોઇએ કે ભારત તેની સરખામણીએ આતંકવાદના ખતરાનો વધુ સામનો કરી રહ્યું છે. આમ છતાં તે પોતાના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને બીજા ટોચના નેતાઓની સુરક્ષા પણ કરી રહ્યું છે. પ્રમુખ ઓબામાનો ભારતના રાષ્ટ્રપતિ સાથે એક કારમાં બેસવાનો ખચકાટ શું એ નથી દર્શાવતો કે અમેરિકા ભારત પર ભરોસો કરવા તૈયાર નથી? અમેરિકાના પ્રવાસે જતા બધા વિદેશી નેતાઓ પણ જો પોતાની સાથે કાર અને સુરક્ષા કાફલો લઇને પહોંચશે તો અમેરિકા કેવી લાગણી અનુભવશે.
આધુનિકતમ ઉપકરણો અને લોખંડી સુરક્ષાબંદોબસ્ત હોવા છતાં અમેરિકા ૯/૧૧નો આતંકવાદી હુમલો રોકવામાં નિષ્ફળ રહ્યું છે તે વાત આખી દુનિયા જાણે છે. સશક્ત દેશ હોવાનો મતલબ એ તો નથી જ કે તમે બીજા પર પોતાની શરતો લાદયા કરો. પ્રજાસત્તાક સમારોહના મુખ્ય અતિથિ એવા અમેરિકી પ્રમુખની સુરક્ષા માટે રાજપથને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવાથી માંડીને પ્રમુખ ઓબામા ભારતના રાષ્ટ્રપતિ સાથે કારમાં પ્રવાસ નહીં કરે તેવી કોઇ પણ માગણી નકારી દઇને ભારતે યોગ્ય જ નિર્ણય કર્યો છે.
ભારતના આ પગલાથી અમેરિકા જેવા શાસકોએ સમજી લેવું જોઇએ કે પોતે શક્તિશાળી છે તેનો મતલબ એવો તો હરગીઝ નથી જ કે બધા પોતાનું કહ્યું કરશે જ. ખરેખર તો અમેરિકાએ આંતકવાદને જડમૂળથી સફાયો કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. અને આ માટે સૌથી પહેલાં તેણે પાકિસ્તાનને બોધપાઠ આપવો પડશે. ગયા સપ્તાહે પાકિસ્તાનના પ્રવાસે પહોંચેલા અમેરિકી વિદેશ પ્રધાન જહોન કેરીએ પાકિસ્તાનના શાસકોને આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લાદવા જણાવ્યું છે. પણ આથી ફાયદો શું થશે? જેમને નિર્દોષોનું લોહી જ વહાવવું છે તે તો બીજું સંગઠન સ્થાપશે. અમેરિકાએ ત્રાસવાદ ખતમ કરવો હશે તો આવા તત્વોને પોષતા પાકિસ્તાનને અટકાવવાની સાથોસાથ તેને કટ્ટરવાદીઓનો સફાયો કરવા માટે ફરજ પાડવી પડશે. ઓસામા બિન લાદેન જેવા આતંકીને શરણ આપનાર પાકિસ્તાનને ‘કડક ચેતવણી’ આપવા સિવાય અમેરિકાએ આજ સુધીમાં કોઇ આકરાં પગલાં ભર્યા નથી તે હકીકત છે. આતંકવાદને અંકુશમાં લેવો હશે તો અમેરિકાએ અંગત સ્વાર્થને કોરાણે મૂકીને વ્યાપક વિશ્વહિતમાં પગલાં લીધા વગર છૂટકો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter