પ્રાર્થનાના નામે તો વિખવાદ ટાળો

Tuesday 16th January 2018 13:31 EST
 

ભારતમાં વીતેલા સપ્તાહે એક તરફ ‘ઇસરો’ (ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ના વિજ્ઞાનીઓના યશગાન સમાન ૧૦૦મા સ્પેસ મિશનનું કાઉન્ટ ડાઉન ચાલતું હતું ત્યારે બીજી તરફ ધર્મ-અધ્યાત્મના નામે વિવાદ ચાલતો હતો. આને વક્રતા જ ગણવી રહી. આજે દેશ આકાશને આંબતી સિદ્ધિ હાંસલ કરી રહ્યો છે ત્યારે એક વર્ગ દેશમાં ધર્મના નામે વિખવાદ વધારવા પ્રયત્નશીલ છે. આ વિવાદના મૂળમાં છે ભારત સરકાર દ્વારા સંચાલિત દેશના ૧૧૦૦ કેન્દ્રીય વિદ્યાલયોમાં સવારે થતી પ્રાર્થના. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ છે. મધ્ય પ્રદેશના વિનાયક શાહ નામના નિરીશ્વરવાદીએ જાહેર હિતની અરજી કરીને મુદ્દો ઉઠાવ્યો છે કે આ પ્રાર્થના હિન્દુ ધર્મને પ્રોત્સાહિત કરે છે અને અન્યોના મૌલિક અધિકારોનું હનન કરે છે. કેન્દ્રીય વિદ્યાલયોમાં ગવાતી પ્રાર્થના ભારતીય બંધારણની કલમ ૨૮નો ભંગ કરે છે. પ્રાર્થના સંસ્કૃતમાં છે તેથી હિંદુવાદી છે, હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. અન્ય ધર્મના વિદ્યાર્થીને તે બોલવી પડે છે. નમસ્તેની મુદ્રામાં હાથ જોડીને તે બોલવાની હોય છે. અરજદારનું કહેવું છે કે ઘણા વિદ્યાર્થીઓ નિરીશ્વરવાદી હોય કે હિંદુ સિવાય અન્ય કોઇ ધર્મના હોય તો તેમના અધિકારનો ભંગ થાય છે. કોર્ટે આ મુદ્દે સરકારનો જવાબ માગ્યો છે.
જે પ્રાર્થના સામે ધર્મના નામે વિવાદ ઉઠાવાયો છે તે પ્રાર્થનાઓ કઇ છે? તમસો મા જ્યોતિર્ગમય અને ૐ સહનાવવતુ... શાંતિપાઠ તરીકે જાણીતી પહેલી પ્રાર્થનાનો અર્થ થાય છે કે પ્રભુ અજ્ઞાનતાના અંધકારમાંથી પ્રકાશમાં, અસત્યમાંથી સત્ય તરફ અમને લઇ જા. બીજી પ્રાર્થનાનો સાર એવો છે કે પ્રભુ, તને સાથે રાખીને અમે બધા સાથે મળીને સારાં કાર્યો કરીએ... આમાં ધર્મ ક્યાં વચ્ચે આવ્યો?! આવી પ્રાર્થનાઓ સેન્ટ્રલ સ્કૂલમાં જ નહીં, ભારતની અન્ય શાળાઓમાં પણ થાય છે. મોટા ભાગે દરેક પ્રાર્થનાનો સાર છે કે પરમાત્મા આપણને સારા માણસ બનાવે. દુર્ગુણોથી દૂર રહીને આપણે કર્તવ્યોનું નિષ્ઠાથી પાલન કરીએ. આમાં દેશદ્રોહ કે ઇન્સાનિયતની ઉપેક્ષાની વાત જ નથી. આવી પ્રાર્થના દેશની આઝાદી પૂર્વેથી થતી રહી છે, અને અત્યાર સુધી તો હિન્દુ - મુસ્લિમ - શીખ - ઇસાઇ કે અન્ય કોઇએ આ પ્રાર્થનાની ભાષા કે તેના શબ્દો સામે વાંધો ઉઠાવ્યો નથી. જ્યારે સાત દસકામાં કોઇ વાંધો નથી ઉઠાવાયો ત્યારે અચાનક જનતાનું એવું તે કેવું અહિત થઇ ગયું કે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો.
કંઇક આવો જ મુદ્દો સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત ગાનનો છે. આઝાદી કાળથી જ - શાળાઓની પ્રાર્થનાની જેમ જ - થિયેટરમાં ફિલ્મ જોવા આવેલી વ્યક્તિ કોઇ પણ જાતના ધાર્મિક ભેદભાવ વગર ઉભી થઇને રાષ્ટ્રગાન ગાતી હતી. અચાનક એવું તે શું થયું કે કેટલાક વર્ષો પહેલાં મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો? પહેલાના અને આજના સમાજમાં તો કોઇ ફરક જણાતો નથી - એ જ હિન્દુ છે અને મુસ્લિમો પણ એ જ છે. બસ, ફરક પડ્યો હોય તો તે રાજકીય પક્ષો અને તેમની મતો મેળવવાની માનસિક્તામાં પડ્યો છે. પહેલાં તેમને સમાજની એકતા, દેશની અખંડતાની ચિંતા રહેતી હતી, ઓછા-વત્તા મત મળે તો પણ પરવા નહોતા કરતા. આજે તે માનસિક્તા લુપ્ત થઇ રહી છે. આજે એક-એક મત માટે ખેંચતાણ, કહો કે લડાઇ ચાલી રહી છે. રાજકીય પક્ષો અને તેના નેતાઓને માત્ર અને માત્ર મતની લાલસા છે - પછી ભલે સમાજમાં વિખવાદ વધે કે હિંસામાં લોકો જીવ ગુમાવે. તેમને લગારેય ચિંતા નથી. આવી માનસિક્તા રાષ્ટ્રહિતમાં નથી તે સહુ કોઇએ સમજવું રહ્યું. ભારતીય અદાલતોએ રાજકીય પક્ષો અને નેતાઓને તેમજ બિનસાંપ્રદાયિક્તાના નામે પાણીમાંથી પોરાં કાઢતાં રહેતા લોકોને સમજાવવું રહ્યું કે આજે દેશની જરૂરત શિક્ષણ, ઉદ્યોગ, રોજગાર, સ્વાસ્થ્ય અને વિકાસ છે. જો તમે આ ન આપી શકતા હો તો ન આપો, પણ કમસે કમ સમાજને એક અને દેશને અખંડ તો રહેવા દો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter