બલૂચિસ્તાનમાં પાકિસ્તાનનું અવિરત દમન

Tuesday 23rd August 2016 13:58 EDT
 

પાકિસ્તાનના રાજકારણની સૌથી મોટી કોઇ નબળાઇ હોય તો તે છે વંશીય વિવિધતા. ભારતમાં આઝાદીના સાત દસકા પછી પણ વંશીય વૈવિધ્યનું જતન-સંવર્ધન થઇ રહ્યું છે. આથી ઉલ્ટું પાકિસ્તાની સત્તાધીશો તેના વિવિધ પ્રાંતમાં ફેલાયેલા આ બહુસાંસ્કૃતિક વૈવિધ્યને મૂળિયા સમેત જોરજુલમની એડી તળે કચડવા મથતા રહ્યા છે. અલગ બલૂચિસ્તાનની માગ સાથે શરૂ થયેલા આંદોલન માટે પાકિસ્તાન ભલે ભારત ભણી આંગળી ચીંધતું રહ્યું હોય, પરંતુ સચ્ચાઇ એ છે કે પાકિસ્તાની શાસકોની ના-પાક હરકતોએ જ આ આંદોલન ઉગ્ર બનાવ્યું છે. બલૂચિસ્તાનની પ્રજામાંથી ઉઠેલા આઝાદીના અવાજને દબાવી દેવા જે પ્રકારે જોર-જુલમની નીતિરીતિ અપનાવાઇ રહી છે તે દર્શાવે છે કે પાકિસ્તાની શાસકોએ દેશના ભાગલા કરનારી, બાંગ્લાદેશનું સર્જન કરનારી ઘટનામાંથી કોઇ બોધપાઠ લીધો નથી. અલગ બાંગ્લાદેશની માગ વેળા પાકિસ્તાને જે વગરવિચાર્યો અભિગમ અપનાવ્યો હતો તે જ આજે બલૂચિસ્તાન મુદ્દે જોવા મળી રહ્યો છે. તે સમયે પણ પાકિસ્તાને પૂર્વીય બંગાળમાં બળવાને આ રીતે જ કચડવાની કોશિષ કરી હતી.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બલૂચિસ્તાન મુદ્દે નિવેદન કર્યા બાદ સમગ્ર વિશ્વનું ધ્યાન બલૂચ આંદોલન તરફ ખેંચાયું છે. બલૂચિસ્તાનના રાષ્ટ્રવાદી નેતાઓને પણ વિશ્વ સમક્ષ પોતાની લાગણી-માગણી મૂકવાનો આધાર મળ્યો છે. આથી જ તો મોદીના નિવેદન બાદ તરત પાકિસ્તાને નિવેદન કર્યું છે કે ભારતીય વડા પ્રધાનનું નિવેદન બલૂચિસ્તાનમાં ભારતની ભૂમિકાને ખુલ્લી પાડે છે. ખરેખર તો બલૂચિસ્તાનના મામલે પાકિસ્તાનની ભૂમિકા શંકાસ્પદ છે, અને આ વાતનું સમર્થન તેના પ્રતિનિધિ ખુદ કરે છે. અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂકેલા હુસૈન હક્કાનીએ એક સામયિકને આપેલો ઇન્ટરવ્યુ પાકિસ્તાનની બલૂચ નીતિની પોલ ખુલ્લી પાડે છે. તેમાં હક્કાનીએ સ્વીકાર્યું છે કે બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી જટિલ પ્રદેશ છે, અને કમનસીબે લોકો આ સમસ્યાને ક્ષુલ્લક દર્શાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ સમસ્યા માત્ર પાકિસ્તાની સેના, સત્તામાં બેઠેલા ભ્રષ્ટ અધિકારીઓ ને તાલિબાનીઓની હાજરી પૂરતી જ સીમિત નથી. આમાં બધા જ સામેલ છે. એક સમયે પાકિસ્તાનના રાજદ્વારી પ્રતિનિધિ તરીકે મહત્ત્વની જવાબદારી સંભાળી ચૂકેલા હક્કાનીની વાત નજરઅંદાજ થઇ શકે તેવી નથી.
પાકિસ્તાનના રાજકારણમાં પહેલેથી પંજાબ પ્રાંતનું વર્ચસ રહ્યું છે અને આ કારણસર ૧૯૭૧માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી છૂટું પડ્યું હતું. ભારત અને પાકિસ્તાન ૧૯૪૭માં આઝાદ થયા તે વેળાથી બલૂચિસ્તાનનો ઇતિહાસ શોષણ અને અત્યાચારોથી ખરડાયેલો રહ્યો છે. લોકોમાં દસકાઓથી ગોરંભાતા આ આક્રોશે જ બલૂચી રાષ્ટ્રવાદના નારાને બુલંદ કર્યો છે. અલગ દેશ - બલૂચિસ્તાનની માગ ઉઠી છે. બલૂચિસ્તાનને તેના જ સંસાધનોથી ક્યા પ્રકારે વંચિત રખાય છે તે સમજવા માત્ર એક ઉદાહરણ પૂરતું છે. પાકિસ્તાનમાં થતા કુલ ગેસ ઉત્પાદનમાં બલૂચિસ્તાનમાંથી નીકળતા ગેસનો હિસ્સો ૪૫ ટકા જેટલો ઊંચો છે, પરંતુ બલૂચિસ્તાનને તેમાંથી માત્ર ૧૭ ટકા પુરવઠો મળે છે. બલૂચિસ્તાન પાકિસ્તાનના અર્થતંત્રની કરોડરજ્જૂ સમાન ગણાય છે, પરંતુ વરવી વાસ્તવિક્તા એ છે કે આર્થિક મામલે આ પ્રદેશ કંગાળ છે. વર્ષોના વહેવા સાથે આ પ્રદેશ પાકિસ્તાની સેનાના દમન અને અધિકારીઓની લૂંટનો અડ્ડો બની ગયો છે. અને આ જ કારણ છે કે બલૂચી પ્રજામાં અલગ બલૂચિસ્તાનની માગણી બુલંદ બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter