બ્રેક્ઝિટ વિશેષઃ વાયુ ભલે હામ હાર્યો, હલેસા રે લાજ રાખજો...

Wednesday 29th June 2016 06:03 EDT
 
 

ગુરુવાર, ૨૬ જૂનના રેફરન્ડમ માટે બ્રિટનના ૬.૩૦ કરોડ પ્રજાજનોમાંથી ૪ કરોડ ૬૦ લાખ લોકો મતાધિકાર ધરાવતા હતા. તેમાનાં ૭૨ ટકાએ મતદાન કર્યું. ૧૯૯૨ બાદ બ્રિટનની કોઇ પણ રાષ્ટ્રીય ચૂંટણી કરતાં આ સૌથી વધુ મતદાન હતું. તેમાંથી ૪૮.૧૧ ટકાએ યુરોપિયન યુનિયન (ઇયુ) સાથે જોડાયેલા રહેવાની તરફેણમાં (રિમેઇન માટે) મતદાન કર્યું છે જ્યારે ૫૧.૮૯ ટકાએ છેડો ફાડવાની તરફેણમાં (લિવ માટે) મતદાન કર્યું. લોકોએ મતદાન કરતાં તો કરી નાંખ્યું છે, પણ હવે ઇયુ સાથે છેડો ફાડવા માટે, એકલા રહેવાના મુદ્દે પણ ભારે હિચકિચાટ અને વિરોધાભાસ બહાર આવી રહ્યો છે.
સોમવારે કેમરન સરકારના એક વરિષ્ઠ સભ્ય એવા હેલ્થ મિનિસ્ટર જેરેમી હન્ટે જણાવ્યું કે જનતાનો નિર્ણય સરકાર કે યુરોપિયન યુનિયન - કોઇને પણ બંધનકર્તા નથી. આ મતદાનના પરિણામના આધારે જ બ્રિટનને ઇયુમાંથી બહાર કાઢી શકાય નહીં અને તે માટે બ્રિટિશ સરકાર વિધિવત્ રીતે ઇયુના એકીકરણના બંધારણની ૫૦મી કલમ અનુસાર માગણી કરે નહીં ત્યાં સુધી આ દેશ અને ઇયુનો સંબંધ યથાવત્ ગણાય.
કેમરન સરકારના સિનિયર કેબિનેટ મિનિસ્ટરનું આ નિવેદન એક રીતે રાષ્ટ્રીય મનોવેદના વ્યક્ત કરે છે. તારે ઘરે જઇશ નહીં, મારે ઘરે રહીશ નહીં તેમ આ દેશમાં અત્યારે વર્તાતી મનોસ્થિતિ જોઇને આંતરરાષ્ટ્રીય સ્તરે - સામાન્યપણે ખુમારીવાળા રાષ્ટ્ર ગણાતા - બ્રિટનને એક તરફ દયાપાત્ર અને બીજી તરફ હાસ્યાસ્પદ લેખવામાં આવે તો નવાઇ નહીં.
શુક્રવાર, ૨૪ જૂને ૭.૩૦ વાગ્યે મતદાનના વિધિવત્ પરિણામ જાહેર થયા તે પહેલાં જ શેરબજાર અને વિદેશી ચલણના બજારમાં અભૂતપૂર્વ ગાબડાં પડી ચૂક્યા હતા. પછીના થોડાક કલાકોમાં બ્રિટિશ બેન્કના શેરોના ભાવમાં ૨૭થી ૩૨ ટકાનો કડાકો બોલી ગયો. અત્રેના અર્થતંત્રની ડામાડોળ સ્થિતિની આ એક ઝલક ભલભલાને ખળભળાવી દેવા માટે પૂરતી છે.
મંગળવારે બપોરે ૪ વાગ્યે લેબર નેતા જેરેમી કોર્બિન સામે તેમના જ પક્ષના સંસદ સભ્યો દ્વારા રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત ૧૭૨ વિરુદ્ધ ૪૦ની જંગી સરસાઇ સાથે પસાર થઇ ગઇ છે. તેમના છાયા પ્રધાનમંડળમાંથી બહુમતી સભ્યોએ રાજીનામા ધરી દઇને લેબર નેતાની હાલત કફોડી કરી નાખી છે. આમ છતાં કોર્બિન ખુરશીનો મોહ છોડવા તૈયાર નથી.
બીજી બાજુ, બુધવારે સવારે પોણા નવ વાગ્યા પૂર્વે જ વડા પ્રધાન ડેવિડ કેમરન તેમના પત્ની સામન્થા સાથે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિત નિવાસસ્થાનમાંથી બહાર નીકળ્યા. વડા પ્રધાન પદેથી પોતાના રાજીનામાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે આવતા ૩ મહિનામાં તેઓ પદ પરથી નિવૃત્ત થશે અને નવા વડા પ્રધાન યુરોપિયન યુનિયનના કમિશન સાથે વાટાઘાટ કરીને આ મતદાનના નિર્ણયને મૂર્ત સ્વરૂપ આપવા માટે હકદાર બનશે.
ટોરીમાં પણ ભાવિ નેતા અને તે પ્રમાણે સંભિવત વડા પ્રધાન તરીકે કેટલાક નામ ઉભરી આવી રહ્યા છે. લિવ કેમ્પના સર્વમાન્ય નેતા અને લંડનના ભૂતપૂર્વ મેયર બોરિસ જ્હોન્સન વિશે સહુ સ્વીકારે છે કે તેઓ ખૂબ સારા શો-મેન અવશ્ય છે, પરંતુ સુયોગ્ય સ્ટેટ્સમેન જેવી લાયકાત નથી ધરાવતા. ત્રણ અન્ય ટોરી સાંસદો માટે પણ ભાવિ નેતા તરીકે અટકળો કરવામાં આવે છે.
બુધવારે સાંજ સુધીમાં ટોરી પક્ષના પાર્લામેન્ટરી જૂથના નેતા પદના ઉમેદવારોના નામ નોંધાશે. બીજા દિવસે, ગુરુવારે મતદાન થશે. અને જો પહેલા તબક્કામાં જ કોઇ એક ઉમેદવારને બહુમતી સાંપડશે તો નવા નેતાની નિમણૂક સંભવિત બનશે. જો આમ નહીં થાય તો કન્ઝર્વેટિવ પાર્લામેન્ટરી પક્ષના નીતિનિયમ અનુસાર ઓગસ્ટના અંત પહેલાં નવા નેતાની ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવી જ રહી. તેનો અર્થ એવો કરી શકાય કે સપ્ટેમ્બરના પહેલા કે બીજા સપ્તાહમાં નવા વડા પ્રધાન દેશનું સુકાન સંભાળી શકે છે. આ દરમિયાન પાર્લામેન્ટમાં જો કોઇ એકસૂત્રતા સરકારને ન સાંપડે તો બીજી રાષ્ટ્રીય ચૂંટણી યોજાય તેવું પણ બની શકે. આમ રાજકીય રીતે હવે અર્થતંત્રમાં અનેક શંકા-કુશંકાઓ સેવાય છે.
યુરોપિયન યુનિયનના બંધારણની ૫૦મી કલમ (આર્ટિકલ ૫૦)નો ખરેખર કેવો અને કેટલો અસરકારક અમલ થાય છે તે માત્ર અટકળોનો વિષય છે. અત્યાર સુધી કોઇ દેશ ઇયુમાંથી નથી તો સ્વેચ્છાએ નીકળ્યો અને નથી તો કોઇ અન્ય કારણસર તેણે ઇયુ છોડ્યું. આમ આર્ટિકલ ૫૦ના અમલના સંજોગો જ સર્જાયા નથી.
બ્રિટન માટે અત્યારે ખૂબ ચિંતાજનક સંક્રાંતિકાળ આવી ઊભો છે. આર્થિક બાબતો, આંતરરાષ્ટ્રીય પ્રભાવ, ભાવિ સંરક્ષણ નીતિરીતિ તેમજ બ્રિટનની સામાજિક સમરસતા તથા અન્ય કેટલીય બાબત અંગે હવે વિવિધ પ્રકારની અટકળો અને શંકા-કુશંકા વધુ તીવ્ર બનીને બહાર આવી રહી છે.
આ દેશની પરંપરા અનુસાર નામદાર સામ્રાજ્ઞી રાજકીય બાબતે તેમના અભિપ્રાયો કે મંતવ્યો જાહેર કરતા નથી. પરંતુ એમ માનવાને પૂરતા કારણ છે કે શાહી પરિવાર પણ બ્રિટનની ભાવિ પરિસ્થિતિ અને પ્રભાવ અંગે ચિંતિત જણાય છે. ઇમિગ્રેશન, નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ), આયાત-નિકાસ, કરવેરા, યુરોપિયન યુનિયનમાં બ્રિટન તરફથી અપાતું આર્થિક યોગદાન વગેરે બાબતે પણ કેટલાય ભ્રામક આંકડાઓ આ ઝૂંબેશ દરમિયાન બન્ને પક્ષ તરફથી રજૂ કરવામાં આવ્યા હતા. આ વખતના Asian Voiceમાં આપણા સમાજના હાઉસ ઓફ લોર્ડસ તેમજ હાઉસ ઓફ કોમન્સના કેટલાક માનવંતા અગ્રણીઓ અને અન્ય કેટલાક નાગરિકોના મંતવ્યો પ્રકાશિત કરવામાં આવ્યા છે. જોકે આ બધામાં વિવાદાસ્પદ દાવાઓ અંગેના સચોટ આંકડા લોર્ડ કરણ બિલિમોરિયાના નિવેદનમાં જોઇ શકાય છે.
ભૂતકાળમાં આ પ્રકારની રાષ્ટ્રીય કટોકટી બ્રિટને અન્ય ક્ષેત્રમાં અવશ્ય અનુભવી છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટન ઉપર કબજો જમાવવા માટે જર્મનીના સરમુખત્યાર હિટલરે ભારે બોમ્બવર્ષા કરી હતી. હજારો લોકો હણાયા અને માલમિલકતને અસીમ નુકસાન થયું. પ્રથમ વિશ્વ યુદ્ધ, બીજું વિશ્વ યુદ્ધ તેમજ અન્ય યુદ્ધોમાં બ્રિટિશ પ્રજાની સ્વતંત્રતા-પ્રિયતા, હિંમત અને ખુમારીના કારણે જ છેલ્લા લગભગ ૧૦૦૦ વર્ષથી કોઇ વિદેશી સત્તાએ બ્રિટન પર કબજો જમાવવાનું તો ઠીક, આંખ ઉઠાવીને જોવાની પણ હિંમત કરી નથી. છેલ્લા ૪૩ વર્ષમાં યુરોપિયન યુનિયનના સભ્ય તરીકે બ્રિટને આર્થિક તેમજ અન્ય પ્રકારે પ્રગતિ હાંસલ કરીને ખૂબ સિદ્ધિ મેળવી છે.
સંસારચક્ર હંમેશા ફરતું જ રહે છે, તેને ક્યારેય ઊંધું ફેરવી શકાતું નથી. આપણે ઇચ્છીએ કે નહીં, પણ ઇયુ રેફરન્ડમમાં જે પ્રકારે મતદાન થયું તેના પરિણામ આપણે સહુએ સ્વીકારવા જ પડશે. આ લોકચુકાદો શેરબજાર કે વિદેશી ચલણ બજારમાં, આયાત-નિકાસમાં, રાષ્ટ્રીય ઉત્પાદનમાં, કરવેરામાં અને વેલ્ફેર બજેટમાં માઠાં પરિણામ નોતરશે તેવી ચિંતા સેવાય છે. આ અર્થમાં વામણા રાજકારણીઓ અને લાગણીશીલ મતદારોના અપરિપકવ વલણના કારણે ઉભી થયેલી રાષ્ટ્રીય કટોકટીનો આપણે સહુ પૂરતી દૃઢતા અને નિષ્ઠા સાથે તેનો પ્રતિકાર કરીએ તે આપણી નૈતિક ફરજ છે.
આ દેશ હંમેશા સ્વમાન અને સન્માનને પ્રાધાન્ય આપતો રહ્યો છે. ગંભીર સમસ્યા છતાં પ્રવર્તમાન સ્થિતિને સર્વતોમુખી દૃષ્ટિએ આપણે સહુએ સાથે મળીને સંભાળવી જ પડશે.
વાયુ ભલે હામ હાર્યો, હલેસા રે લાજ રાખજો...
અંતે તો રાષ્ટ્રના ખમીરનું ગૌરવ જાળવી આગામી મહિનાઓમાં, વર્ષોમાં આપણા સહુના મક્કમ નિર્ણય, યથોચિત કાર્યશક્તિ અને રાષ્ટ્રપ્રેમ એ સૌના સમીકરણથી આપણે પ્રશ્નોનું સમાધાન કરવું જ પડશે.
બ્રિટનની પ્રતિભા અત્યારે અમુક અંશે નંદવાઇ હોવા છતાં તે પરવશ તો નથી જ. તે નાહિંમત નથી. તે ઝઝૂમી શકે અને જીતી શકે તેવી ક્ષમતા પણ ધરાવે છે. તે જોતાં રાજકારણીઓ ભલે વામણાં ઉતર્યા અને તેમની યોગ્ય નેતાગીરી પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા, પણ બ્રિટિશ પ્રજાના હૈયામાં હામ છે અને જેના હૈયે હામ હોય તેના માટે સદા દિવાળી જ રહેવાની.
જય બ્રિટન...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter