ભાજપે એક કાંકરે અનેક પક્ષી માર્યા

Tuesday 18th July 2017 15:35 EDT
 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપે ઉત્તર પ્રદેશના દલિત રામનાથ કોવિંદ પર પસંદગીનો કળશ ઢોળ્યા બાદ હવે ઉપરાષ્ટ્રપતિ પદ માટે દક્ષિણ ભણી મીટ માંડી માંડી છે. ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર તરીકે આંધ્ર પ્રદેશમાં જન્મેલા કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન વેન્કૈયા નાયડુનું નામ જાહેર કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી માટે સોમવારે સાંજે ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઇ હતી, જેમાં નાયડુના નામ પર સંમતિની મહોર મારવામાં આવી હતી. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત થઇ ત્યારથી ઉપરાષ્ટ્રપતિ પદના એનડીએ ઉમેદવારના નામ અંગે અટકળો શરૂ થઇ હતી. મોટા ભાગના અહેવાલોમાં એવો સૂર વ્યક્ત થતો હતો કે એનડીએ આ વખતે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દક્ષિણ ભારતમાંથી પસંદ કરશે. આમાં પણ નાયડુનું નામ સૌથી મોખરે હતું. મોદીયુગમાં મીડિયાની અટકળો જવલ્લે જ સાચી પડી છે, તેમાં પણ કોઇ વ્યક્તિનું નામે છાપે ચઢ્યું એટલે તેનું કદ વેતરાયું જ સમજો, પણ નાયડુના કિસ્સામાં આ પ્રથા તૂટી છે એવું કહી શકાય. નાયડુની સાથે મહારાષ્ટ્રના ગવર્નર સી. વિદ્યાસાગર રાવ અને પશ્ચિમ બંગાળના ગવર્નર કેસરી નાથ ત્રિપાઠીના નામ પણ ચર્ચામાં હતા. પરંતુ પસંદગીનો કળશ નાયડુ પર ઢોળાયો છે. નવા ઉપરાષ્ટ્રપતિ માટે પાંચમી ઓગસ્ટે મતદાન થશે. તે જ દિવસે મતગણતરી પણ થઇ જશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીનો કાર્યકાળ ૧૦ ઓગસ્ટે પૂરો થઇ રહ્યો છે. કોંગ્રેસ સહિતના ૧૮ વિરોધ પક્ષે તેમના સંયુક્ત ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
તાજેતરમાં જ નાયડુને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની દોડમાં સામેલ છે ત્યારે તેમણે પોતાના આગવા અંદાજમાં કહ્યું હતું કે ન તો હું રાષ્ટ્રપતિ બનવા માંગું છું અને ન તો ઉપ રાષ્ટ્રપતિ... હું તો ઉષા-પતિ (તેમના પત્નીનું નામ) બનીને જ ખુશ છું. નાયડુ તો તેમનું નામ જાહેર થયાના આગલા કલાકો સુધી જાહેરમાં કહેતા હતા કે તેઓ આ પદ માટે ઇચ્છુક નથી, છતાં દેશના બીજા ક્રમના સર્વોચ્ચ સ્થાન માટે તેમની પસંદગી થઇ છે. ખરેખર તો ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદ માટે નાયડુ જેવા વરિષ્ઠ નેતાને મેદાનમાં ઉતારીને એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. એક તો ભાજપે નાયડુની પસંદગી કરીને ઉત્તર અને દક્ષિણ ભારતનું સંતુલન જાળવવા પ્રયાસ કર્યો છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉત્તર ભારતના કોવિંદને પસંદ કર્યા બાદ હવે નાયડુ દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત હાલ દક્ષિણ ભારતના રાજ્યોમાં કર્ણાટક એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ભાજપ સત્તા પર પુનરાગમનની આશા રાખે છે. આ સિવાય તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને કેરળમાં ભાજપ પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે. રાજકીય પંડિતોનું માનવું છે કે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ભાજપે દક્ષિણ ભારતીયની પસંદગી કરીને દક્ષિણ ભારતમાં પોતાની સ્વીકૃતિ વિસ્તારવા પ્રયાસ કર્યો છે. ત્રીજો અને સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે ભારતમાં ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવે છે. આ સંદર્ભે મૂલવવામાં આવે તો નાયડુની પસંદગી ભાજપ માટે બહુ મહત્ત્વની છે કેમ કે હજુ રાજ્યસભામાં શાસક ભાજપ તથા તેના સાથી પક્ષો લઘુમતીમાં છે. અહીં અનેક મહત્વના ખરડા તથા સંસદીય કામકાજમાં વિપક્ષો પોતાનું ધાર્યું કરાવે છે. આ સંજોગોમાં દાયકાઓથી ભાજપ સાથે સંકળાયેલા અને સંગઠન તથા સરકારમાં મહત્વનાં પદો પર ફરજ બજાવી ચૂકેલા નાયડુનો અનુભવ ભાજપને ઘણો કામ લાગી શકે છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે લોકસભા અને રાજ્યસભાના કુલ ૭૮૭ સાંસદોએ મતદાન કરવાનું હોય છે. તેમાંથી ૫૫૭ સાંસદોનું સમર્થન નાયડુને મળી રહે તેમ છે. આ જોતાં ગોપાલકૃષ્ણ ગાંધી સામે નાયડુની જીત આસાન મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter