ભારત, ચીન અને સાઈબર વોર

Wednesday 14th April 2021 07:10 EDT
 

એશિયામાં અને વિશ્વભરમાં ભારતના વધતા પ્રભાવને ખાળવા ચીને અનેક મોરચા માંડ્યા છે તેમાં હવે સાઇબર વોરફેરનો પણ સમાવેશ થયો છે. ભરત માટે આ બાબત ગંભીર એટલા માટે કહી શકાય કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે ચીન સાઇબર એટેક કરીને ભારતની ઘણી સિસ્ટમ ખોરવી શકે તેવો અંદેશો વ્યક્ત કર્યો છે.
આધુનિક કાળમાં યુદ્ધનું સ્વરૂપ અને પ્રકાર બદલાયાં છે. હવે યુદ્ધો માત્ર સરહદે કે આકાશમાં જ નહિ પરંતુ, સાઇબર સ્પેસમાં પણ લડાય છે. સાઇબર વોરફેર ક્ષેત્રમાં ચીન ઘણું આગળ છે. ભારતે આવી ક્ષમતા મોડી વિકસાવવાની ઘણી મોડી શરુઆત કરી હોવાથી ઘણું પાછળ છે અને ચીનને પહોંચી વળવા પશ્ચિમી દેશોની ટેકનોલોજીની આવશ્યકતા પડે એમ છે
થોડા સમય પહેલા જ અમેરિકી એજન્સીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે ગયા વર્ષે ચીનના હેકર્સે સાઇબર એટેક કરીને મુંબઇની વીજળી દસ કલાક સુધી ગુલ કરી દીધી હતી. હકીકતમાં તો ચીન આખા ભારતને અંધારામાં ગરકાવ કરવાના પ્રયાસમાં હતું પરંતુ તેને સફળતા ન મળી. ચીની હેકર્સે મુંબઇની જેમ જ તેલંગાણામાં પણ બ્લેકઆઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતના વીજક્ષેત્રમાં મોટા ભાગે ઉપયોગમાં લેવાતાં ચીની ઉપકરણો ગંભીર સંકટનું કારણ બની શકે છે. અગાઉ પણ ચીની માલસામાનના ઉપયોગને લઇને ચેતવણી અપાયેલી છે.
તાજેતરમાં ચીનના હેકર્સે કોરોનાની વેક્સિન બનાવતી ભારતીય કંપનીઓ સીરમ ઇન્સ્ટિટયૂટ અને ભારત બાયોટેકને પણ નિશાન બનાવી હોવાનું બહાર આવ્યું હતું. આ સાઇબર એટેકમાં હેકર્સે કોરોના વેક્સિન અંગેના સંશોધનો, વિકાસ અને ટેસ્ટિંગને લગતા સંવેદનશીલ ડેટા ચોરવાના પ્રયાસ કર્યાં હતાં. જે રીતે સાઇબર હુમલાનું જોખમ વધી રહ્યું છે એ દેશની સુરક્ષા માટે મોટો પડકાર છે.
સંસદમાં રજૂ સત્તાવાર આંકડા અનુસાર ૨૦૧૯ની સરખામણીએ ૨૦૨૦માં ભારતમાં સાઇબર હુમલાઓમાં ૩૦૦ ટકા જેટલો જંગી વધારો જોવા મળ્યો છે જે ગંભીર ચિંતાનો વિષય છે. CDS જનરલ રાવતનો અંદેશો આ સંદર્ભમાં જોવો પડશે. એવું નથી કે ભારત ચીનના સાઇબર હુમલા ખાળવામાં સક્ષમ નથી પરંતુ, ટેકનોલોજીના મામલે બંને દેશોની ક્ષમતામાં ઘણો તફાવત છે.
ચીન દ્વારા ટેકનોલોજીના ક્ષેત્રમાં જબરજસ્ત રોકાણ કરવાના કારણે એ બજાર પર તો ચીનનો જ કબજો છે. દૂરસંચારના ઉપકરણો, હોમ એપ્લાયન્સિસ, ટેલિવિઝન બજાર, મોબાઇલ બજાર અને ફાર્મા સેકટરમાં ચીન છવાયેલું છે. વર્તમાન ડિજિટલ યુગમાં ડેટાનું અત્યંત મહત્ત્વ છે ત્યારે ચીની કંપનીઓ ગ્રાહકોની પ્રાઇવસી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી બની શકે છે.
આધુનિક સમયમાં લોકો માટે લગભગ અનિવાર્ય બનેલી સાઇબર દુનિયા વિશાળ બનવા સાથે સુરક્ષાની સમસ્યા પણ વધી છે. સાઇબર વર્લ્ડ સાથે જોડાયેલા ભયસ્થાનો ઓછા નથી. બીજી તરફ, ડિજિટલ વ્યવહાર વધવા છતાં લોકો સાઇબર સિક્યોરિટીના મામલે સજાગ નથી. એક અંદાજ અનુસાર સાઇબર ક્રાઇમના કારણે દુનિયામાં દર મિનિટે ૨૯ લાખ ડોલરનું નુકસાન થાય છે. ભવિષ્યના જોખમોને ધ્યાનમાં રાખીને કોઇ પણ દેશ આપણા ઊર્જા કે રક્ષા ક્ષેત્રમાં ઘૂસણખોરી ન કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવી જરુરી છે. દુનિયાના વિકસિત દેશો સાઇબર સુરક્ષા મજબૂત કરવા લાગ્યાં છે ત્યારે ભારતે પણ સાઇબર સુરક્ષા મજબૂત કરવા માટે નક્કર પગલા લેવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter