ભારત-ચીન વચ્ચે સમજૂતી કાયમી રહેશે?

Tuesday 16th February 2021 16:13 EST
 

ભારત અને ચીન વચ્ચે છેલ્લા દસ મહિનાથી લડાખના પેન્ગોંગ વિસ્તારમાં ચાલી રહેલી મડાગાંઠનો અંત આવી રહ્યો હોવાના સંકેતરુપે ચીનનું લશ્કર આ વિસ્તારમાંથી પાછું હઠી રહ્યું છે. એ ધ્યાનમાં રાખવું જોઈશે કે ચીને ૪૮ કલાકના ટૂંકા સમયમાં જ ૨૦૦થી વધારે કદાવર ટેન્ક પેન્ગોંગના કાંઠેથી હટાવી લેવાં ઉપરાંત, ઉત્તર કાંઠે ખડકાયેલા સૈનિકોને પરત લઈ જવા માટે સંખ્યાબંધ લશ્કરી વાહનો પણ તૈનાત કરી દીધા હતા. થોડા મહિના પહેલા પૂર્વ લડાખમાં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણમાં ૨૦ ભારતીય જવાનોએ શહીદી વહોર્યા પછી બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોચી ગયો હતો. હવે ભારત અને ચીન એપ્રિલ ૨૦૨૦ પહેલાની સ્થિતિને લાગુ કરવા માટે રાજી થઇ ગયા છે. જે કામચલાઉ બાંધકામો કરાયા છે તેને પણ દૂર કરવામાં આવશે. ભારત અને ચીન વચ્ચે કમાન્ડર લેવલની વાતચીતના નવમા દોર પછી સેન્યો પરત ખેંચવા થયેલી સમજૂતી પર અમલ શરુ થઇ ગયો છે.
ચીનની પીછેહઠ પાછળ પણ તેની ચોક્કસ ગણતરીઓ નકારી શકાય નહિ. ભારત પર દબાણ સર્જવા ચીન એક સાથે અનેક મોહરાની શતરંજ ખેલતું રહ્યું છે. જોકે, ભારતે આ વખતે મજબૂતપણે તેના તમામ મોહરા અને ચાલને શિકસ્ત આપી છે. ભારત અને ચીન વચ્ચે ૩૪૮૮ કિલોમીટર જેટલી લાંબી સરહદ છે. ચીને વર્ષોથી સરહદો પર ભારે માળખાકીય વિકાસ કર્યો તેની સામે ભારતે પણ ગત ચાર વર્ષોમાં ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સડકો અને લેન્ડિંગ સ્ટ્રીપ બનાવવાનું કામ કર્યું છે પરિણામે, સૈનિકો અને શસ્ત્રસરંજામની હેરફેર આસાન બની છે. ચીન લડાખમાં ઘૂસણખોરી કરીને ભારતની ધીરજ અને સહનશક્તિની પરીક્ષા જ લઇ રહ્યું હતું જેમાં તેને સફળતા હાંસલ થઈ નથી. ચીનની કોઇ પણ અણછાજતી હરકતનો પ્રત્યુત્તર વાળવામાં ભારતે પાછીપાની કરી નથી. ચીને લશ્કર અને ટેન્કો તો ખડકી દીધા પરંતુ, તેની જાળવણી કરવી ભારે પડી છે. ભારતીય જવાનો અતિ ઊંચાઈએ, માઈનસ તાપમાનમાં જે મક્કમતાથી ફરજ બજાવી રહ્યા છે તેનો અનુભવ ચીનના સૈનિકોને જરા પણ નથી.
વિશ્વતખતા પર અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે વ્યુહાત્મક ચોકડી બનાવી ભારતે પાસિફિક ઓશન વિસ્તાર પર કબજો જમાવવાના ચીનના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. અમેરિકાના નવા પ્રમુખ જો બાઈડેને પણ ભારતની તરફેણ કર્યા પછી ચીનને પ્રેશર સ્ટ્રેટેજી કામ નહિ લાગે તે સમજાઈ ગયું છે. ચીન ટ્રમ્પ શાસનગાળામાં અમેરિકા સાથે બગડેલા વેપારી અને રાજકીય સંબંધો સુધારવા માગે છે તેની પણ અસર થઈ છે. વિશ્વમાં કોરોના વાઈરસના કારણે ચીન વિશ્વસનીય રહ્યું નથી. બીજી તરફ, વિશ્વના અને પડોશી દેશોને કોરોના વેક્સિનનો પુરવઠો પહોંચાડી ભારતે નવી પ્રતિષ્ઠા ઉભી કરી છે.
બીજી તરફ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીન સાથેની સમજૂતીમાં ભારતે કેટલીક જમીન પરનો અધિકાર જતો કર્યાનો આક્ષેપ કરી રાજકીય લાભ હાંસલ કરવાનો બાલિશ પ્રયાસ કર્યો છે. ભારતના નકશા પ્રમાણેના ભારતીય પ્રદેશમાં ૧૯૬૨માં ચીને ગેરકાયદેસર કબજો જમાવ્યો છે તે ૪૩,૦૦૦ ચોરસ કિ.મી વિસ્તારનો પણ સમાવેશ થાય છે. તેમણે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ડરપોક અને કાયર ગણાવવાની ધૃષ્ટતા પણ આચરી છે. તેઓ સમજી શકતા નથી કે મોદી અને ભારતની મક્કમતાએ જ ચીનને નાકલીટી તાણવાની ફરજ પાડી છે. વડા પ્રધાન મોદીએ જ ભારતીય લશ્કરને યથાયોગ્ય પ્રત્યુત્તર વાળવાની છૂટ આપી દીધી હતી. કોંગ્રેસના આક્ષેપો સંદર્ભે સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ચીનને કોઈ જમીન અપાઈ નથી. ઉભય પક્ષની સમજૂતીમાં ભારતે કશું ગુમાવ્યું નથી. ભારતના સૈનિકો અગાઉ જ્યાં પેટ્રોલિંગ કરતાં હતા ત્યાં જ કરશે. સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે યોગ્ય રીતે જ સધિયારો આપ્યો છે કે ભારતની એક પણ ઈંચ ભૂમિ કોઈ પડાવી શકશે નહિ અને અન્ય વિવાદી સરહદો પર પણ સમજૂતી થકી સંઘર્ષ ટાળવાનો પ્રયાસ કરાશે.
હાલ ભલે ચીન પીછેહઠ કરવા તૈયાર થયું હોય પરંતુ, ચીનની કથની અને કરણીમાં હંમેશા અંતર રહ્યું છે. વર્ષ ૧૯૬૨માં પંચશીલ અને હિન્દી ચીની ભાઇ ભાઇના નારા સાથે ભારતની પીઠમાં છરો ભોંકનાર ચીન ઉપર જરાય વિશ્વાસ કરી શકાય એમ નથી. ચીનની માનસિકતા અને ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખી ભારતે સાવધાની રાખવાની આવશ્યકતા છે. ચીન માત્ર પેન્ગોંગ ના કાંઠેથી સૈન્ય હટાવી રહ્યું છે. લડાખમાં જ દેપસાંગ, ઉત્તરાખંડ, હિમાચલ, અરુણાચલ, સિક્કીમ વગેરે સરહદે તો ચીની સૈનિકો ગોઠવાયેલા જ છે. આ સ્થળોએ ભલે જંગી લશ્કરી સરંજામ ખડકાયેલો નથી પરંતુ, ચીની ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે. ચીને સદીઓથી સુનિયોજિત સરહદી ઉન્માદ અને વિસ્તારવાદી વ્યૂહરચના અપનાવ્યાં છે તેમાં રાતોરાત પરિવર્તન આવી ગયાનું સ્વીકારવું તે ‘કૂતરાની પૂંછડી સીધી થઈ ગઈ’ માનવાની મૂર્ખામી જ ગણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter