ભારત-બાંગ્લાદેશઃ ગાઢ બનતા દ્વિપક્ષીય સંબંધ

Wednesday 19th April 2017 05:45 EDT
 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દસકાઓ જૂના સંબંધોમાં વડા પ્રધાન શેખ હસીનાના તાજેતરના ભારત પ્રવાસે સોનેરી પ્રકરણ ઉમેર્યું છે એમ કહી શકાય. બન્ને દેશો વચ્ચે અનેકવિધ ક્ષેત્રે અરસપરસ સહયોગ માટે ૨૨ સમજૂતી કરાર થયા છે. આ કરારોથી સંરક્ષણ, બિનલશ્કરી પરમાણુ સહયોગ અને વેપાર-વણજથી માંડીને આર્થિક સહયોગ મજબૂત થશે. ભારતે બાંગ્લાદેશને ૪.૫ બિલિયન ડોલરનું ધિરાણ નજીવા વ્યાજદરે આપવાની જાહેરાત કરી છે. તો સૈન્યસામગ્રીની જરૂરત સંતોષવા વધારાનું ૫૦ કરોડ ડોલરનું ઋણ પણ આપશે. આ ઉપરાંત કોલકાતા-ખુલના રેલ સેવાનો આરંભ થયો. અને પાટનગર નવી દિલ્હીમાં એક માર્ગને શેખ હસીના વાજેદના પિતા અને બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબ-ઉર-રહેમાનનું નામકરણ થયું.
ભારતનો આ અભિગમ સ્પષ્ટ કરે છે કે તે પડોશી દેશ સાથેના સંબંધોને વધુ ગાઢ અને વ્યાપક બનાવવા પ્રતિબદ્ધ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં બાંગ્લાદેશના આતંકવાદવિરોધી અભિગમની ભરપૂર સરાહના કરી છે, જે દર્શાવે છે કે આતંકવાદ સામેની લડાઇમાં બાંગ્લાદેશની ભૂમિકા કેટલી મહત્વની છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૮માં સત્તાના સૂત્રો સંભાળ્યા છે ત્યારથી શેખ હસીના ઈસ્લામિક કટ્ટરવાદીઓ સામે મજબૂતીથી લડી રહ્યા છે. તેમની સરકારે બાંગ્લાદેશમાં સક્રિય ભારતવિરોધી ત્રાસવાદી તત્વોને કડક હાથે ડામ્યા છે, જેની હકારાત્મક અસર ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની આવી સકારાત્મક ભૂમિકા શેખ હસીનાની અવામી લીગ સરકારના શાસન વેળા જ જોવા મળે છે. ખાલિદા જીયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) ઉગ્રવાદી જૂથો પ્રત્યેના નરમ વલણ માટે જાણીતી છે.
અલબત્ત, દ્વિપક્ષીય સંબંધોમાં આટલી ઘનિષ્ઠતા છતાં તિસ્તા જળ વહેંચણી સંધિ તો હજુ પણ અદ્ધરતાલ જ છે. આ મુદ્દે શેખ હસીનાના પ્રવાસ દરમિયાન કોઇ પ્રગતિ થઇ નથી. તિસ્તા સમજૂતી આડે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ૨૦૧૧થી અડીંગો લગાવ્યો છે. બેનરજીએ દિલ્હી જઈને શેખ હસીના સાથે મુલાકાત તો કરી પરંતુ પોતાના વલણમાં કોઇ બાંધછોડ કરી નથી. તિસ્તા નદી પશ્ચિમ બંગાળનાં ઉત્તરી જિલ્લાઓમાંથી પસાર થયા છે અને મમતા બેનરજીનું કહેવું છે કે જો બાંગ્લાદેશની માગણી અનુસાર આ નદીનું પાણી તેને અપાશે તો ચોમાસા સિવાયના દિવસોમાં બંગાળમાં પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા છે. મમતાનો વાંધો કેટલો સાચો અને કેટલો રાજકીય એ તો નિષ્ણાતો કહી શકે, પણ દ્વિપક્ષીય સંબંધોના હિતમાં આ મુદ્દો જેટલો વહેલો ઉકેલાય જાય તેટલું સારું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter