ભારત માટે અમેરિકી આશ સદા નિરાશ?

Tuesday 25th April 2017 15:27 EDT
 

અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) જનરલ એ. આર. મેકમાસ્ટર તાજેતરમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતનો પવનવેગી પ્રવાસ કરી ગયા. વિશ્વની એકમાત્ર મહાસત્તાના પ્રતિનિધિ આતંકવાદગ્રસ્ત દેશોના પ્રવાસે હોવાથી સ્વાભાવિક જ એશિયાભરના સુરક્ષા નિષ્ણાતોની તેમના પર નજર હતી. સવિશેષ તો ભારતને આશા હતી કે અમેરિકી એનએસએ આતંકવાદને પાળતા-પોષતા પાકિસ્તાનને આકરો સંદેશ આપશે, પરંતુ અફસોસ આ આશા-અપેક્ષા ઠગારી નીવડી છે. ટ્રમ્પ સરકારે ભલે હજુ આ ક્ષેત્ર માટેનો પોતાનો દષ્ટિકોણ સ્પષ્ટ કર્યો ન હોય, પરંતુ મેકમાસ્ટરના પ્રવાસનો નિષ્કર્ષ સ્પષ્ટ કરે છે કે ભારતમાં આતંકવાદ ફેલાવતા સંગઠનોને નાથવાની પાકિસ્તાનને ફરજ પાડવાનો મુદ્દો હજુ અમેરિકાના પ્રાયોરિટી લિસ્ટમાં નથી. તેને તો બસ અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવામાં અને અમેરિકાના સૌથી લાંબા યુદ્ધને ખતમ કરવામાં જ રસ છે. મેકમાસ્ટરે આતંકવાદી સંગઠનોને પાકિસ્તાન દ્વારા મળી રહેલા સમર્થન સંદર્ભે કહ્યું હતુંઃ અમને આશા છે કે પાકિસ્તાનની નેતાગીરી એ વાત સમજશે કે ગણ્યાગાંઠ્યા સંગઠનો સામે પગલાં લેવાની નીતિ બદલવાનું તેના પોતાના જ હિતમાં છે. તેમણે સમજવું રહ્યું કે અફઘાનિસ્તાન કે બીજા સ્થળોએ પોતાનું હિત સાધવા માટે હિંસા આચરનાર જૂથોનું સાથ લેવાના બદલે રાજદ્વારી ચર્ચાનો વિકલ્પ શ્રેષ્ઠ છે.
મેકમાસ્ટરે તેમના નિવેદનમાં અફઘાનિસ્તાન બાદ ‘બીજા સ્થળો’એ શબ્દનો ઉપયોગ કર્યો હોવા છતાં ભારત માટે કંઇ હરખાવા જેવું નથી. આ પ્રકારના સંદેશાનું રાજદ્વારી બાબતોમાં કોઇ મહત્ત્વ હોતું નથી. કાબુલમાં પાકિસ્તાન સમર્થિત અફઘાની-તાલિબાની આતંકવાદ અમેરિકાને સીધો ફટકો મારી રહ્યો હોવાથી ત્યાં મેકમાસ્ટરે આકરો સંદેશ આપ્યો, પણ ઇસ્લામાબાદ પહોંચતાં જ તેમનો અવાજ નરમ પડી ગયો. અને નવી દિલ્હીમાં તો તેમણે સમ ખાવા પૂરતોય આશ્વાસનનો શબ્દ ઉચ્ચાર્યો નથી.
ભારત સરકારે આ સંકેતોના આધારે યોગ્ય નિષ્કર્ષ તારવવો રહ્યો. ભારતે સમજવું રહ્યું કે અમેરિકી આશ સદા નિરાશ જ નિવડશે. એક પડોશી દેશ (પાકિસ્તાન) ભારતવિરોધી આતંકવાદને પોષી રહ્યું છે તો બીજો પડોશી દેશ ભારતને મિત્રતાપૂર્ણ સંબંધ ધરાવે છે. અફઘાનિસ્તાન સાથે ભારત સ્વતંત્રપણે મિત્ર દેશના સ્વરૂપમાં સંકળાયેલું છે. અહીં ભારત દ્વારા વિવિધ પ્રકારે અપાતી સહાયના કાર્યક્રમો ઘણા લોકપ્રિય છે, અને તે ચાલુ રહેવા જોઇએ. આ ઉપરાંત મોદી સરકાર અફઘાન આર્મીને સહાયતા પૂરી પાડવા પણ કટિબદ્ધ છે. ભારતના હિતો અને અફઘાન પ્રજાનો આગ્રહ જોતાં આ વ્યવસ્થા ચાલુ રહે તે અન્યોન્યના હિતમાં છે. ભારત આતંકવાદ સામેના જંગમાં અમેરિકી સમર્થનની આશ છોડીને પહેલો સગો પડોશીની નીતિને વળગી રહે એ જ તેના હિતમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter