ભારત-મ્યાનમારઃ વિના સહકાર નહીં ઉદ્ધાર

Tuesday 12th September 2017 15:03 EDT
 

ચીનના યજમાનપદે યોજાયેલી ‘બ્રિક્સ’ સમિટમાં ત્રાસવાદ મુદ્દે ધાર્યું રાજદ્વારી લક્ષ્ય પાર પાડનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મ્યાનમાર પ્રવાસ ભલે અખબારોની હેડલાઇનમાં ચમક્યો ન હોય, પણ તેનું મહત્ત્વ લેશમાત્ર ઓછું આંકી શકાય તેમ નથી. ભારત-મ્યાનમાર ૧૬૦૦ કિલોમીટર કરતાં પણ વધુ લાંબી સરહદથી જોડાયેલાં છે. મ્યાનમારમાં લોકતંત્રની સ્થાપના બાદ ભારતના વડા પ્રધાનનો આ પ્રથમ પ્રવાસ હતો. લાંબો સમય લશ્કરી શાસન તળે રહેલા મ્યાનમારમાં ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીઓમાં પૂર્ણ બહુમતી મેળવનાર આંગ સાન સૂ કીની નેશનલ લીગ ફોર ડેમોક્રેસી દેશની શાસનધૂરા સંભાળી છે. આ લોકતાંત્રિક સરકાર પાસેથી ભારતને ઘણી આશાઓ હતી, અને આજે પણ છે. પરંતુ ભારતની આશાથી વિપરિત મ્યાનમારનાં નેતા આંગ સાન સૂ કીએ તેમના પહેલા વિદેશ પ્રવાસ માટે ચીન પર પસંદગી ઉતારી હતી તે નોંધનીય છે. આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોના મતે, આ પગલું દર્શાવે છે કે મ્યાનમારમાં લશ્કરી શાસન દરમિયાન જ ચીને પોતાની મજબૂત પકડ બનાવી લીધી હતી. અને બીજું, નવી સરકાર સંતુલિત વિદેશ નીતિ વિકસાવવા માગે છે. વળી, મ્યાનમાર માટે મૂડીરોકાણ અને વેપારના દૃષ્ટિકોણથી પણ ચીન બહુ મહત્ત્વનું છે.
મ્યાનમાર તેના વિકાસ માટે ચીનને મહત્ત્વનો સહયોગી સમજે છે તો ભારત માટે અન્ય દૃષ્ટિકોણથી મ્યાનમારની ભૂમિકા ઘણી મહત્ત્વની છે. ભારત માટે મ્યાનમાર પૂર્વી અને દક્ષિણી-પૂર્વી દેશોના પ્રવેશદ્વાર સમાન છે. પ્રાકૃતિક સંસાધનો અને ભૌગૌલિક દૃષ્ટિકોણથી પણ મ્યાનમાર ભારતના વિકાસ માટે મહત્ત્વનું છે. ઉલ્લેખનીય છે કે મ્યાનમાર પ્રાકૃતિક સંસાધનોથી ભરપૂર પ્રદેશ છે. અહીં કુદરતી ગેસના અખૂટ ભંડાર છે, જેમાં ભારતની પેટ્રોલિયમ કંપનીઓએ અઢળક મૂડીરોકાણ કર્યું છે. ચીન અને મ્યાનમાર વચ્ચેની ગેસલાઇનમાં પણ ભારતીય કંપનીઓ ઓએનજીસી (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન) અને ગેઇલ (ગેસ ઓથોરિટી ઓફ ઇંડિયા લિમિટેડ)નું જંગી મૂડીરોકાણ છે. વધી રહેલા વિકાસ દરને જાળવવા માટે ભારત પણ મ્યાનમાર પાસે ઉપલબ્ધ ઉર્જાના સ્રોતોનો ઉપયોગ કરવા ઇચ્છુક છે. ભારત મ્યાનમારથી ગેસ પુરવઠો આયાત કરવા માગે છે, પરંતુ ચીને ભારત કરતાં વધુ ઊંચા ભાવે સોદો કરીને ૨૦૧૪થી જ ગેસની આયાત શરૂ કરી દીધી છે.
ભારત અને મ્યાનમાર વચ્ચે વર્ષેદહાડે લગભગ ૨.૨ બિલિયન ડોલરનો વેપાર થાય છે. ભારત માટે મ્યાનમાર સાતમો મોટો આયાતકાર દેશ અને ત્રીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે. આમ છતાં આ દ્વિપક્ષી વેપાર ચીન-મ્યાનમાર વચ્ચે થતા વેપાર કરતાં ત્રીજા ભાગનો છે. ભારત અને મ્યાનમારની વચ્ચે કંઇક કેટલીય મહત્ત્વપૂર્ણ યોજનાઓ પેન્ડીંગ છે. આમાં ૪૮૪ કરોડ ડોલરના ખર્ચે સાકાર થનારો મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ મુખ્ય છે. જળમાર્ગ અને જમીનમાર્ગને આવરી લેતો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ૨૦૧૪માં કાર્યરત થઇ જવાનો હતો, પરંતુ આજેય પણ અધૂરો જ છે.
સુરક્ષાના દૃષ્ટિકોણથી મૂલવવામાં આવે તો પણ મ્યાનમાર ભારત માટે મહત્ત્વનું સાથીદાર છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં ચાલી રહેલી અલગતાવાદી પ્રવૃત્તિને નાથવા માટે મ્યાનમારનો સહયોગ અનિવાર્ય છે. કેટલાય નાગા અને મણિપુરી અલગતાવાદી સંગઠનો મ્યાનમારમાં રહ્યે રહ્યે ભારતમાં પોતાના લોહિયાળ બદઇરાદાઓ પાર પાડતા રહ્યા છે. ભારતે છેલ્લા કેટલાક સમયથી મ્યાનમારના સહયોગથી જ આ સંગઠનોનો સફાયો કરવાના કામે લાગ્યું છે. આ જ પ્રકારે દરિયાઇ ક્ષેત્રે સહયોગની વાત કરીએ ચાંચિયાગીરીને (પાઇરસી) ડામવા અને સી લેન કમ્યુનિકેશનમાં પણ મ્યાનમારનો સાથ-સહકાર આવશ્ય છે. આમ ભારત માટે અનેક પ્રકારે મ્યાનમારનો સહયોગ અનિવાર્ય છે.
બીજી તરફ, મ્યાનમારમાં પણ બધું ઠીકઠાક છે એવું નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં મ્યાનમારના રાખિન પ્રાંતમાં વધેલી વંશીય અને ધાર્મિક હિંસા ભારત, બાંગ્લાદેશ અને ચીન જેવા પડોશી દેશો માટે ચિંતાનું કારણ બની છે.
છેલ્લા એક વર્ષમાં લગભગ ૯૦ હજાર રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓ બળજબરીથી બાંગ્લાદેશની સીમામાં ઘૂસી ગયા છે. એટલું જ નહીં, ભારતમાં લગભગ ૪૦ હજાર રોહિંગ્યા શરણાર્થી અસંતોષનું કારણ બન્યા છે. રાખિન પ્રાંતમાં વધતી હિંસા ચીન અને ભારતની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ સામે પડકાર સર્જી શકે છે. ચીનનો પગપેસારો, ભારતના આર્થિક અને સંરક્ષણ સંબંધિત હિતોનું જતન, મ્યાનમારની આંતરિક અશાંતિ... આ બધા પરિબળો વચ્ચે સંતુલન જાળવીને ભારત-મ્યાનમાર દ્વિપક્ષી સંબંધોનો પાયો મજબૂત બનાવવાનો છે. આ સંજોગોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મ્યાનમાર પ્રવાસ દ્વિપક્ષી સંબંધોમાં ઉષ્માનું ઈંધણ પૂરવામાં ઉપકારક સાબિત થશે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter