ભારતના રિટેલ સેક્ટરમાં ૧૦૦ ટકા એફડીઆઇ

Tuesday 16th January 2018 13:30 EST
 

મોદી સરકારે ભારતના રિટેલ, કન્સ્ટ્રક્શન અને એરલાઇન ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ના નિયમો ઉદાર બનાવ્યા છે. રિટેલ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ૧૦૦ એફડીઆઇની છૂટ અપાઇ છે તો એર ઇંડિયામાં ૪૯ ટકાની મર્યાદા બંધાઇ છે. સરકાર છેલ્લા કેટલાક સમયથી આર્થિક મોરચે નિષ્ફળતાના આક્ષેપોનો સામનો કરી રહી હતી. આ માહોલમાં સરકારે એફડીઆઇમાં નિયમો હળવા બનાવીને ફરી આર્થિક મોરચે સુધારાના સંકેત આપ્યા છે.
રિટેલમાં એફડીઆઇની છૂટ મળતાં વિવિધ ચીજવસ્તુના વિદેશી બ્રાન્ડના સ્ટોર ભારતમાં ખૂલશે. આ નિર્ણયથી વિદેશી બ્રાન્ડની ચીજવસ્તુ ખરીદવા માગતા ભારતીયોને પસંદગીના વિકલ્પો મળશે તે સાચું, પણ આથી નાના નાના ભારતીય વેપારીઓ માટે તીવ્ર સ્પર્ધાનો ખતરો પણ સર્જાયો છે. આથી જ કેટલાક ભારતીય વેપારી સંગઠનોએ વિદેશી રોકાણ માટે દેશના દરવાજા ખુલ્લા કરવાના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમનું માનવું છે કે મલ્ટીનેશનલ કંપનીઓ ભારતના છૂટક બજારને ગળી જશે. જંગી મૂડીરોકાણ ક્ષમતા અને ટેક્નોલોજી એમ બંને મામલે ચઢિયાતી બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે ભારતના નાના વેપારી માટે ટકવું મુશ્કેલ બનશે.
કોઇ પણ ક્ષેત્રે મજબૂત પ્રતિસ્પર્ધીનું આગમન થાય એટલે ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ આ કિસ્સામાં વેપારી સંગઠનોની ચિંતામાં દમ તો છે. કારણ કે આ જ ભાજપ એક સમયે રિટેલ ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણની તરફેણમાં નહોતો. મનમોહન સરકારે રિટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઇની વાત કરતાં જ ભાજપે ગળું ફાડી ફાડીને વિરોધ કર્યો હતો. તેને યુપીએ સરકારની એ સ્પષ્ટતાથી પણ મંજૂર નહોતી કે આથી રોજગારી વધશે. તેમજ આનાથી દેશમાં મોંઘવારી ઘટશે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પૂર્વે ખુદ અરુણ જેટલીએ કહ્યું હતું કે સરકાર રચીશું તો પણ રિટેલ સેક્ટરમાં એફડીઆઇ મુદ્દે અમારો દૃષ્ટિકોણ બદલાવાનો નથી.
તો વીતેલા સાડા ત્રણ વર્ષમાં એવું તે શું થઇ ગયું કે એફડીઆઇ મુદ્દે ભાજપનો દૃષ્ટિકોણ ઉલટસૂલટ થઇ ગયો? જે પક્ષ ૫૧ ટકા માટે પણ તૈયાર નહોતો તેની જ સરકારે ૧૦૦ ટકા એફડીઆઇ આપવા તૈયાર થઇ ગઇ તેનું કારણ શું? હંમેશા સ્વદેશીની વાત કરતા ભાજપની સરકાર વિદેશી રોકાણ માટે પોતાની નીતિ-સિદ્ધાંત-માન્યતાનું બલિદાન આપી રહી છે ત્યારે આવા પ્રશ્નો સહજ છે. વેપારી વર્ગના મનમાંથી શંકાનો કીડો કાઢવા સરકારે તેમને ભરોસો અપાવવો રહ્યો કે આની અસર ગામડે-ગામડે ધંધો કરતાં નાના-નાના વેપારીઓ પર નહીં થાય.
સરકાર આવતા મહિને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂર્વે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરશે. જેમાં મોટા ભાગે લોકરંજક પગલાં લેવાય તેવી ધારણા છે. આમ બજેટમાં જલદ આર્થિક સુધારાના ડોઝની શક્યતા નહીંવત છે. આ બધું જોતાં લાગે છે કે સરકારે આર્થિક સુધારા માટે જેટલી હિંમત દાખવી શકાય તેટલી બજેટ પહેલાંની જાહેરાતો દ્વારા દાખવી છે. સરકાર વિદેશી રોકાણ આકર્ષવા તલપાપડ છે તો વિદેશી કંપનીઓ પણ ભારત પહોંચવા ઉત્સુક છે. તેમની નજરમાં સવાસો કરોડ ભારતીયોનું બજાર છે. તેઓ છ-બાર મહિના ખોટ ખમવી પડે તો તેમ કરીને પણ આ નાના-નાના દુકાનદારોને ભરખી જવાની તૈયારી સાથે ભારત પહોંચવાના છે. આખરે તો તેઓ બિઝનેસમેન છે.
આ સંજોગોમાં ભાજપ કે કોંગ્રેસની નહીં, પરંતુ ભારત સરકારની જવાબદારી છે કે તેઓ નાના નાના વેપારીઓના હિતોને પણ નજરમાં રાખે. કોઇ પણ દેશના અર્થતંત્રની મજબૂતાઇના પાયામાં નાના વેપારીઓ - રિટેલ સેક્ટર જ હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter