ભારતમાં સંક્રમણ ઉછાળાને કેવી રીતે નાથીશું

Tuesday 18th May 2021 15:02 EDT
 

ભારતીય વેરિએન્ટ B.1.617.2ની માયાજાળથી કોવિડના કેસીસમાં ઉછાળો આવ્યો છે. આ સંદર્ભે વેક્સિનેશન પર ફરી ધ્યાન કેન્દ્રિત કરવા અને સામાન્યપણે રસીકરણને વધુ તીવ્ર બનાવવા પર ભાર મૂકાઈ રહ્યો છે. વેક્સિનેશનની સાથોસાથ માસ્ક પહેરવા, અને શારીરિક અંતર જાળવવા, વારંવાર હાથ ધોવા સહિતના સાવચેતીના અન્ય મહત્ત્વપૂર્ણ પગલાં પર ભાર મૂકાયો છે.
સંક્રમણનો ઉછાળો આઠ રાજ્યોમાં સૌથી વધુ જણાય છે. આ રાજ્યોમાં પણ પ્રાદેશિક વૈવિધ્ય જોવાં મળી રહ્યું છે. કેટલાક જિલ્લાઓમાં સંક્રમણનું પ્રમાણ વધારે છે. આને ધ્યાનમાં લઈએ તો જ્યાં વેક્સિનની આવશ્યકતા વધારે હોય ત્યાં તેનો પૂરવઠો પહોંચાડવો અને તમામને વેક્સિન અપવાનું જરુરી બને છે. જાહેર આરોગ્યની વિકટ પરિસ્થિતિમાં લોકજાગૃતિનું વિશેષ મહત્ત્વ છે. વેક્સિન લગાવવા વચ્ચેનો ગાળો વધારવામાં આવ્યો હોય ત્યારે પણ નાગરિકોને એ સમજાવવું જરુરી છે કે વેક્સિન રક્ષણ મેળવવા માટે જ છે.
ઘણી વખત લોલેલોલ ચાલતું હોય છે. કોવિડમાંથી બહાર આવનારા લોકોના પ્લાઝમા કોવિડ સામે રક્ષણ આપી શકે કે સારવારમાં ઉપયોગી નીવડવાની બાબતે ખુદ ડોક્ટર્સ પણ મુઝવણમાં રહ્યાં છે. આવા પ્લાઝમા મેળવવા પેશન્ટ્સના પરિવારોએ ઘણી દોડાદોડ કરેલી છે. ઘણા વિલંબ પછી આવું માર્ગદર્શન આવ્યું છે કે પ્લાઝમા સારવાર ઉપયોગી નથી. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) જેવી સંસ્થાઓ યોગ્ય માહિતી જાહેર કરીને આવી વિકટ પરિસ્થિતિને નિવારી શકી હોત. સામૂહિક અટકાવના પગલાં લેવાં માટે મોટા સમુદાયની સમજાવટ કરવાની હોય ત્યારે વારંવાર જાહેર હસ્તક્ષેપો કરવા પડે છે. મહામારીના આરંભકાળ માર્ચ-એપ્રિલ ૨૦૨૦માં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ICMR સત્તાવાળો દ્વારા રોજ પ્રેસ બ્રીફિંગ કરાતું હતું જેનાથી ચાવીરુપ માહિતીના પ્રસારમાં ઘણી મદદ મળી હતી. આવી માહિતી આપવાનું ફરી શરુ કરાવું જોઈએ.
મે મહિનાના આરંભે ઉદારમના વેક્સિનેશન નીતિ શરુ કરાઈ હતી પરંતુ, તેનાથી વેક્સિનના પૂરવઠાની અછત સર્જાતા પગલું બૂમરેંગ પુરવાર થયું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલા સોગંદનામા અનુસાર જુલાઈ સુધીમાં ભારતમાં વેક્સિનનું માસિક ઉત્પાદન ૧૩૦ મિલિયન ડોઝથી પણ વધી જવાનું હતું. આના પરિણામે રોજિંદા ૪૦,૦૦,૦૦૦ ઈન્જેક્શન આપી શકાય તેમ હતા. જોકે, આ કોઈ આશ્વાસનદાયી સ્થિતિ નથી. કેટલીક રાજ્ય સરકારોની ઈચ્છાને માન આપી કેન્દ્ર સરકારે જોરશોરથી ૧૮-૪૪ વયજૂથના લોકોને પણ વેક્સિનેશન કરવાની જાહેરાતો કરી દીધી અને આખી બાજી બગડી ગઈ. હવે વેક્સિનેશનનું લક્ષ્યાંક પહોંચી વળાતું નથી.
ખાટલે ખોડ એ છે કે વેક્સિન ઉત્પાદનના અવાસ્તવિક ડેટાના આધારે રાજ્યોએ આવી ઈચ્છા દર્શાવી હતી. ૪૫થી વધુ વયના માત્ર ૧૦૦ મિલિયન લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ અને ૨૩ મિલિયનથી ઓછાં લોકોએ તેમનો બીજો ડોઝ મેળવ્યો છે. આ હાલતમાં ૧૮-૪૪ વયજૂથની ૫૯૦ મિલિયનની વસ્તીને તત્કાળ વેક્સિન આપી શકાય તેમ નથી. જો કેન્દ્ર સરકાર જુલાઈના અંત સુધીમાં પ્રાયોરિટી જૂથો માટે ૬૦૦ મિલિયન ઈન્જેક્શનના મૂળ પ્લાનને વળગી રહી હોત તો ‘ન ઘરના ન ઘાટના’ જેવી પરિસ્થિતિ સર્જાઈ ન હોત.
વિશ્વમાં વેક્સિનનું સૌથી વધુ ઉત્પાદન કરતી ભારતીય કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ કહ્યું છે તેમ વિશાળ વસ્તીના કારણે ભારતમાં વેક્સિનેશન અભિયાન ૨-૩ મહિનામાં પૂર્ણ કરી શકાય તેમ નથી અને સમગ્ર વિશ્વની વસ્તીનું વેક્સિનેશન કરવામાં ૨-૩ વર્ષ લાગી જશે. આ સ્થિતિમાંથી બહાર આવવા સરકારે મહામારીનો સામનો કરવા આવશ્યક દવાઓ અને વેક્સિનના ઉત્પાદન માટે વધુ ફાર્મા કંપનીઓને પરવાનગી આપવી જોઈએ. યુએસની ફાઈઝર, મોડેર્ના, નોવાવેક્સ અને એસ્ટ્રેઝેનેકા વેક્સિન્સના તાકીદના વપરાશની છૂટ પણ આપવી જોઈએ જેથી વેક્સિન પુરવઠાની અછતમાં રાહત મળશે. ભારતને રાહત મળે તેવા સમાચાર એ કહી શકાય કે DRDOના સંશોધનોના પગલે કોરોના વિરુદ્ધ પાવડર સ્વરુપમાં 2-DG દવા તૈયાર કરાઈ છે જેનો ૧૦,૦૦૦ ડોઝનો પ્રથમ જથ્થો લોન્ચ પણ કરી દેવાયો છે અને ટુંક સમયમાં તેનું ઉત્પાદન પણ વધારી દેવાશે.
આજકાલ સોશિયલ મીડિયા અને ખાસ કરીને વોટ્સએપ યુનિવર્સિટી ઘણી સક્રિય છે. ડોક્ટરો દ્વારા તેમના પેશન્ટ્સને જે પ્રીસ્ક્રિપ્શન્સ અપાયાં હોય તેના આધારે સારવારની સલાહોનો મારો ચાલતો રહે છે. કોઈ પણ સારવાર સાર્વત્રિક હોતી નથી. દરેક પેશન્ટની તાસીર કે બંધારણ અનુસાર તે બદલાતી રહે છે પરંતુ, લોકો આવી સલાહોને અનુસારી પોતાનું સ્વાસ્થ્ય બગાડે છે. સામાન્ય તાવતરિયાની સારવાર કરવાની હોય તેમ બોગસ ઉપાયો ફરતા રહે છે. ગામડાંમાં આનું પ્રચલન વધુ છે. આપણે સમજવાની જરુર છે કે કોવિડ સામાન્ય તાવ નથી. તેની વિશિષ્ટ સારવાર આપવી પડે છે. આના માટે પણ દેશના નાગરિકોને સ્પષ્ટ માર્ગદર્શન આપવું જોઈએ. સરકારની સાથોસાથ હોસ્પિટલો અને ડોક્ટર્સ પણ આ કામગીરી ઉપાડી શકે છે.
એક બાબત ધ્યાનમાં રાખીએ કે આ સમય રાજકારણ ખેલવાનો નથી કે મહામારી વચ્ચે સતત કાર્યરત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાગણ સામે આક્ષેપોની ઝડી વરસાવવાનો પણ નથી. આપણે યાદ રાખીએ કે ‘સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના’નો મહામંત્ર જ આપણને કોરોના સામે વિજય અપાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter