ભારતમાં ૧૦ અણુ ઊર્જા મથકોને મંજૂરી

Tuesday 23rd May 2017 13:04 EDT
 

ભારત સરકારે દેશમાં ૧૦ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજકીય હો-ગોકીરામાં આ સમાચારની ભલે ખાસ નોંધ લેવાઇ ન હોય, પરંતુ મોદી સરકારનો આ નિર્ણય દેશમાં વીજ પુરવઠા ક્ષેત્રે માગ અને પુરવઠા વચ્ચે પ્રવર્તતી ખાઇ પૂરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે એ નક્કી છે. નવું સ્થપાનારું દરેક અણુ મથક ૭૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે. મતલબ કે દેશના વીજ પુરવઠામાં ૭૦૦૦ મેગાવોટનો ઉમેરો થશે. હાલ દેશમાં ૨૨ પરમાણુ ઊર્જા મથકો દ્વારા કુલ ૭૦૦૦ મેગાવોટ વીજ પુરવઠાનું ઉત્પાદન થાય છે તે જોતાં સૂચિત પ્લાન્ટ્સ સાકાર થયે બમણો પુરવઠો ઉપલબ્ધ થશે. કોઇ પણ દેશને આર્થિકથી માંડીને કૃષિ કે પછી ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરવી હોય તો સાતત્યપૂર્ણ વીજ પુરવઠો અનિવાર્ય ગણવો રહ્યો. સંભવતઃ આ જ કારણસર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ પ્રધાનમંડળના આ નિર્ણયને ખૂબ મહત્ત્વપૂર્ણ ગણાવ્યો છે.
આ નિર્ણયથી થનારો લાભ માત્ર વીજ પુરવઠા પૂરતો સીમિત નથી. અર્થતંત્ર માટે પણ આ પગલું ખૂબ જ લાભકારક સાબિત થશે. ઊર્જા પ્રધાન પિયૂષ ગોયલના કહેવા પ્રમાણે ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી આ ૧૦ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સનું નિર્માણ કરશે. આર્થિક નિષ્ણાતોના મતે, ભારત સરકારે દરેક ક્ષેત્રે મેઇક ઇન ઇંડિયા અભિગમ અપનાવ્યો છે. તે જોતાં આ અણુ મથક માટે ભારતીય કંપનીઓને જ ઓર્ડર મળશે, તેનું મૂલ્ય ૭૦ હજાર કરોડ રૂપિયા હોવાની શક્યતા છે. આ ઉપરાંત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ૩૫ હજાર લોકોને રોજગારી મળશે.
જોકે આ લાભો મેળવવાની પૂર્વશરત છે અણુ મથકોને સમયસર કાર્યરત કરવાની. સરકાર કોઇ પણ હોય તેના દ્વારા લેવાતા નિર્ણયના કેન્દ્રસ્થાને હંમેશા પ્રજા અને આર્થિક વિકાસ હોય છે. મોદી સરકારના નિર્ણયના પાયામાં પણ આ જ બાબત હશે તે નિઃશંક છે, પણ આ કિસ્સામાં યોજનાનું અમલીકરણ આસાન નહીં હોય. જાપાનના ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટમાં દુર્ઘટના બાદ દેશ-વિદેશમાં આ પ્રકારનાં અણુ ઊર્જા મથકો સામેનો વિરોધ તીવ્ર બન્યો છે. આમાં ભારત પણ બાકાત નથી. તામિલનાડુના કુદનકુલમ્ પાવર પ્લાન્ટ સામેનો લોકસંઘર્ષ તો સૌથી વધારે જાણીતો છે. ગુજરાતના ભાવનગર જિલ્લામાં મીઠી વીરડી ગામે સ્થપાનારા અણુ પ્લાન્ટ સામે પણ આંદોલન થઇ ચૂક્યું છે. આ સિવાય પણ જ્યાં અણુ પ્લાન્ટ ચાલે છે ત્યાં સમયાંતરે અકસ્માતોની શંકા-કુશંકાઓ થતી રહી છે.
સૌથી સલામત અને પ્રદૂષણના દૃષ્ટિકોણથી મૂલવવામાં આવે તો અણુ ઊર્જા સૌથી સ્વચ્છ ઊર્જા મનાય છે. ભારતમાં મોટાભાગનું ઊર્જા ઉત્પાદન થર્મલ પ્લાન્ટ્સ દ્વારા થાય છે. થર્મલ પાવર પ્લાન્ટસ હવામાં બેહદ પ્રદૂષણ તો ફેલાવે જ છે, પરંતુ આવા પ્લાન્ટ્સની કાર્યક્ષમતાને કોલસાના પુરવઠાની ઉપલબ્ધતા અને તેની ગુણવત્તા પણ અસર કરતી હોય છે. તાજેતરમાં જ ગુજરાતમાં આ સ્થિતિ જોવા મળી હતી. ખાનગી ઊર્જા ઉત્પાદક કંપનીઓએ આયાતી કોલસાના પુરવઠાની તંગી અને તે માટે ચૂકવવા પડતા ઊંચા ભાવનું કારણ આગળ ધરીને સરકારને રજૂઆત કરી હતી કે કાં વીજ યુનિટનો ભાવ વધારી આપો અથવા તો વીજ કટોકટી માટે તૈયાર રહો. દેશના જે કોઇ ભાગમાં થર્મલ પાવર સ્ટેશન કાર્યરત છે ત્યાં અવારનવાર આ સ્થિતિ સર્જાય છે. બીજી તરફ, દેશમાં જળ ઊર્જા અને સૌર ઊર્જાના વિકલ્પો બહુ અસરકારક રીતે અમલી બની શક્યા નથી. આ તમામ સંજોગોમાં અણુ ઊર્જાનો જ મહત્ત્વનો વિકલ્પ બાકી રહે છે. સલામતીથી માંડીને જમીન સંપાદન સહિતના અનેક પ્રશ્નો છતાં અણુ ઊર્જા ક્ષેત્રની સંપૂર્ણ ઉપેક્ષા થઇ શકે તેમ નથી.
તત્કાલીન મનમોહન સિંહ સરકારે તેની સ્થિરતાને જોખમમાં મૂકીને પણ અમેરિકા સાથે અણુ ઊર્જા સંધિ કરી હતી. તે સમયે વિપક્ષની પાટલીએ બેસતાં ભાજપે મનમોહન સરકાર વિરુદ્ધ મત આપ્યો હતો. હવે આ જ ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકાર અણુ સંધિને ભારત-અમેરિકી દ્વિપક્ષી સંબંધોમાં સિમાચિહનરૂપ ગણાવી રહ્યું છે. આજે ભારત આ અણુ સંધિના સહારે જ એક સાથે ૧૦ અણુ ઊર્જા મથકો સ્થાપવાની ક્ષમતા હાંસલ કરી શક્યું છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter