ભારતીય હોકીઃ શક્ય છે સુવર્ણ યુગનું પુનરાગમન

Tuesday 20th December 2016 07:42 EST
 

ભારતની જૂનિયર હોકી ટીમે વર્લ્ડ કપ જીતીને પુરવાર કરી દીધું છે કે ચોક્કસ લક્ષ્યપ્રાપ્તિના ઉદ્દેશ સાથે જો સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવે તો કંઇ પણ અશક્ય નથી. ભારતીય જૂનિયર હોકી ટીમે ભલે દોઢ દસકાના લાંબા અરસા પછી વર્લ્ડ કપ જીત્યો હોય, પણ તેનું વિશેષ મહત્ત્વ છે. આનાથી ખેલાડીઓનો જુસ્સો વધવાની સાથોસાથ મનોબળ પણ મક્કમ બનશે અને તેની દૂરોગામી અસર આગામી દિવસોમાં હોકીની રમત પર પણ જોવા મળશે. ભારતીય ટીમે છેલ્લે ૨૦૦૧માં જૂનિયર હોકી વર્લ્ડ કપ જીત્યો હતો. રમત ભલે કોઇ પણ હોય વિજય તો નિરંતર પ્રેક્ટિસ થકી જ શક્ય છે, અને આ વિજયને પણ છેલ્લા ૧૦ વર્ષથી ચાલી રહેલી આયોજનબદ્ધ તૈયારીનું પરિણામ જ ગણી શકાય. જૂનિયર હોકી ટીમે જે પ્રકારે તનતોડ મહેનત સાથે તૈયારી કરી હતી તે જોઇને ટૂર્નામેન્ટના પ્રારંભ પૂર્વે જ રમતવિવેચકોના અહેવાલો આવવા લાગ્યા હતા કે વર્લ્ડ કપના દાવેદારોમાં ભારતીય ટીમ સૌથી મોખરે છે. અને ખેલાડીઓએ ભારતીય હોકીના ચાહકોને નિરાશ નથી કર્યા.
જૂનિયર હોકી ટીમના આ જ ખેલાડીઓ આગામી સમયમાં દેશની સિનિયર ટીમમાં જોડાશે. આમ સારું રમતા જૂનિયર ખેલાડીઓના આગમનથી ટીમ આપોઆપ મજબૂત બનશે. ૨૦૨૦માં ટોક્યોના યજમાનપદે યોજાનારી ઓલિમ્પિક્સને નજરમાં રાખવામાં આવે તો આ વિજય ભારતીય હોકી માટે મહત્ત્વપૂર્ણ પડાવ સાબિત થઇ શકે તેમ છે. જોકે આ માટે હોકી ફેડરેશને છેક પાયાના સ્તરે કામગીરી કરવી પડશે. ભારતમાં અન્ય રમતોની મુકાબલે હોકીની રમત પાછળ રહી ગઇ છે તેનું એક મહત્ત્વનું કારણ માર્કેટિંગનો અભાવ છે. યોગ્ય રીતે માર્કેટિંગ નહીં થવાના કારણે હોકીને અન્ય રમતોની સરખામણીએ વધુ આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત હોકી ફેડરેશને વિવિધ રાજ્યોમાં કાર્યરત પ્રાદેશિક એકમોને મજબૂત બનાવી તેમને વધુને વધુ સારા ખેલાડીઓ તૈયાર કરવા પ્રોત્સાહિત કરવાની જરૂર છે. રાજ્યસ્તરે હોકીનું સ્થાન મજબૂત બનશે તો આપોઆપ ખેલાડીઓ વચ્ચે હરિફાઇ વધશે અને આમ વધુ સારા, પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર આવશે. પાયાના સ્તરે વધુ સારા ખેલાડીઓ તૈયાર થશે તો અને તો જ નેશનલ ટીમને શ્રેષ્ઠ ખેલાડીઓ મળશે. આ માટે રમતના પ્રચાર-પ્રસારનું કાર્ય બહુ મહત્ત્વનું છે. તો સાથે સાથે જ સરકારી સ્તરે આ રમતને યોગ્ય સહયોગ મળી રહે તે પણ આવશ્યક છે.
ભારતે જૂનિયર હોકી વર્લ્ડ કપ જીતી લીધો છે તેનાથી આશાસ્પદ સંજોગો અવશ્ય સર્જાયા છે, પરંતુ એટલા માત્રથી એવું માની લેવાની જરૂર નથી કે હોકીની તમામ તકલીફો દૂર થઇ ગઇ છે અને હવે શ્રેષ્ઠ સીનિયર ટીમ તૈયાર થઇ જશે. સીનિયર અને જૂનિયર ટીમની રમતમાં આસમાન-જમીનનો ફરક હોય છે. બન્ને ટીમોમાં ઘણી બાબતો અલગ હોય છે. સીનિયર ટીમમાં પરિપકવતાનું પ્રમાણ ઊંચું હોય છે તો તેમની રમતનો સ્તર પણ અલગ હોય છે. અલગ અલગ દેશોમાં રમવાની સ્થિતિ પણ અલગ અલગ હોય છે. આથી જરૂરી એ છે કે હોકી ટીમની તૈયારીમાં સાતત્ય જળવાઇ રહે, જેથી ભારતીય હોકી ચાહકોને ફરી એક વખત સુવર્ણ યુગના સાક્ષી બનવાનો અવસર સાંપડે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter