મોદી અને ભારતઃ વિશ્વતખતે દબદબો વધી રહ્યો છે

Tuesday 14th June 2016 08:09 EDT
 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં ઉમટેલી ૬૦ હજારની મેદનીને સંબોધિત કરી ત્યારે યજમાન વડા પ્રધાન ડેવિડ કેમરને તેમને આ ગ્રહના સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા હતા. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને તેમને સન્માનનીય રાજનેતા ગણાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની એબોટે કહ્યું હતું કે મોદીના નેતૃત્વમાં ભારત એશિયામાં લોકતાંત્રિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. મીડિયા જગતની જાણીતી હસ્તી રુપર્ટ મર્ડોકે મોદીને ભારતની આઝાદી પછીના અત્યાર સુધીના શ્રેષ્ઠ નીતિઓ ધરાવતા રાજનેતા ગણાવ્યા હતા. અને હવે મોદી અમેરિકામાં રોકસ્ટારની જેમ છવાઇ ગયા છે.
નવ વખત સ્ટેન્ડીંગ ઓવેશન અને ૬૦થી વધુ વખત તાળીઓનો ગડગડાટ. ૮ જૂને ભારતીય વડા પ્રધાને યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધ્યું ત્યારે આ નજારો હતો. આ એ જ અમેરિકા છે જ્યાં તેમને એક દસકા સુધી ‘કટ્ટર સાંપ્રદાયિક’ અને ‘હિટલરના હિંદુ સ્વરૂપ’ તરીકે રજૂ કરાયા હતા અને આ જ યુએસ કોંગ્રેસે તેમનો અમેરિકાપ્રવેશ અટકાવ્યો હતો. ૪૫ મિનિટના મંત્રમુગ્ધ કરી દેનારા સંબોધન બાદ કેટલાક સભ્યો મોદીના ઓટોગ્રાફ લેતા જોવા મળતા હતા. આ દૃશ્ય ૨૦૦૫થી તદ્દન વિરોધાભાસી હતું. તે સમયે વડા પ્રધાન ડો. મનમોહન સિંહે આ જ યુએસ કોંગ્રેસમાં અંગ્રેજીમાં લખાયેલું શુષ્ક ભાષણ વાંચ્યું હતું, જેને માત્ર તેઓ જ વાંચી-સાંભળી રહ્યા હતા. મોદીએ આ જ અંગ્રેજી ભાષામાં પ્રભાવશાળી સંબોધન કર્યું.
વડા પ્રધાન બન્યાના કેટલાક મહિનાઓમાં જ મોદીએ અમેરિકાની પોતાના માટેની નફરતને પ્રેમમાં પલટી નાખી છે. બે વર્ષમાં તેમનો આ ચોથો અમેરિકા પ્રવાસ હતો. મોદીના સંબોધન અંગે સીએનએન કહે છેઃ ‘મોદીએ યુએસ સાથે પોતાના અને ભારતના આશ્ચર્યજનક રીતે ગાઢ બની રહેલા સંબંધો પર પ્રવચન આપ્યું અને આપણા ભાગ્યના ઘડવૈયાઓ તેને બિરદાવી રહ્યા હતા.’ મોદીને વખોડવામાં ક્યારેય પાછી પાની નહીં કરનાર ‘વોલસ્ટ્રીટ જર્નલ’એ લખ્યું હતુંઃ અમેરિકી સાંસદો દ્વારા નેતાનું ઉષ્માભેર સ્વાગત. આ એ જ કોંગ્રેસ છે, જેણે એક સમયે આ મોદીનો અમેરિકામાં પ્રવેશ અટકાવ્યો હતો.
ભારતની શાસનધૂરા સંભાળી છે ત્યારથી મોદી અમેરિકા જ નહીં, સમગ્ર વિશ્વને પ્રભાવિત કરવાના કામે લાગ્યા છે. યુએસ સેનેટમાં મોદીના દમદાર સ્વાગતને છેલ્લા બે વર્ષની આકરી મહેનતનું પરિણામ જ ગણી શકાય. મોદીએ ભારતમાં તેમના વિરુદ્ધ ચાલી રહેલા નફરતના રાજકારણને કોરાણે મૂકીને વિશ્વમાં પોતાને સ્થાપિત કરવાના અને ભારતનું દુનિયામાં કદ વધારવાનો વ્યૂહ અપનાવ્યો. તેમણે વિરોધીઓને ચૂપ કરવા માટે નિષ્કલંક શાસન પૂરું પાડ્યું. મોદી સરકાર સામે આજ સુધી ભ્રષ્ટાચાર મુદ્દે આંગળી ચીંધામણ નથી થયું. સાથોસાથ તેમણે પોતાની ક્ષમતા-સજ્જતાને પુરવાર કરવા, દુનિયામાં ભારતનો પ્રભાવ વધારવા વિશ્વને સાથે લઇને ચાલવાનો અભિગમ અપનાવ્યો. મોદીના આ વ્યૂહનો અણસાર તેમના શપથગ્રહણ સમારોહમાં જોવા મળ્યો હતો. તેમણે આ પ્રસંગે ‘સાર્ક’ દેશોના પ્રમુખોને આમંત્રિત કર્યા હતા. આ પછી તેમણે શક્તિશાળી પશ્ચિમી દેશોમાં દોડી જવાના બદલે પડોશી દેશોથી વિદેશ પ્રવાસનો પ્રારંભ કર્યો. વડા પ્રધાન પદ સંભાળ્યાના પહેલા વર્ષમાં તેઓ ૧૮ દેશો ફરી વળ્યા. એક વર્ગે શાસનના એક જ વર્ષમાં આટલા બધા વિદેશ પ્રવાસોની ફળશ્રુતિ વિશે સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ પરિણામ નજર સમક્ષ છે. એટલું જ નહીં, તેઓ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, મિડલ ઇસ્ટ... જે કોઇ દેશમાં ગયા ત્યાં ભારતીયોના વિશાળ સમૂહોને સંબોધ્યા. બધા દેશોએ અહેસાસ કર્યો કે વિદેશવાસી ભારતીયોમાં પણ મોદી બહોળી લોકપ્રિયતા ધરાવે છે.
ટીપે ટીપે સરોવર ભરાય એમ મોદીના તમામ પ્રયાસો સફળતા બનીને ઉભર્યા છે. તેમણે ભારતને વિશ્વના એવા દેશોની નજીક લાવીને ઉભું કરી દીધું છે જેઓ મિસાઇલ-પરમાણુશક્તિ ક્ષેત્રે ટોચના સ્થાને છે. આજે ભારતનું સ્થાન - પ્રભાવ લગભગ ચીન સમકક્ષ થઇ ગયા છે. ભારતના આ રાજદ્વારી વ્યૂહને કારણે પાકિસ્તાન ચીનનું શરણું લેવા માટે મજબૂર બન્યું છે.
આજે મોદી, એક તરફ, દુનિયામાં મોટા ગજાના નેતા તરીકે ઉભર્યા છે. તો બીજી તરફ, બરાક ઓબામા, ડેવિડ કેમરન, એન્જેલા મર્કેલ જેવા ટોચના નેતાઓ સાથેની તેમની તસવીરોથી વિશ્વભરના ભારતીયોમાં સંદેશ ગયો છે કે મોદી વિશ્વનેતા છે અને ભારતને એક વૈશ્વિક તાકાતના સ્વરૂપમાં ઉપસાવી રહ્યા છે. વિશ્વ-ખ્યાતિનો મોદીનો આ પ્રયત્ન આકસ્મિક નથી. આ વાત ટીમ મોદીની બહુ વિચારપૂર્વકની રણનીતિનો હિસ્સો છે. મોદી સારી પેઠે જાણે છે કે લોકતંત્રમાં નેતાની સાચી સફળતા તેની વ્યાપક લોકપ્રિયતામાં જ સમાયેલી હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter