મોદી સામેના આક્ષેપઃ રાહુલની રાજકીય અપરિપકવતા

Wednesday 04th January 2017 04:41 EST
 

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો અને વ્યક્તિગત આક્ષેપ કર્યો છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના શાસનકાળ દરમિયાન સહારા અને બિરલા ઔદ્યોગિક જૂથે તેમને ૫૫ કરોડ રૂપિયા આપ્યા છે. કોંગ્રેસના યુવરાજે આ આક્ષેપો વડા પ્રધાનની હોમ પીચ એવા ગુજરાતના મહેસાણામાં જાહેર સભાને સંબોધતા કર્યા હોવાથી ખરેખર તો દેશભરમાં સનસનાટી મચી જવી જોઇએ, પણ થયું છે આથી સાવ જ ઉલ્ટું. આક્ષેપોનું સૂરસૂરિયું થઇ ગયું છે. કોંગ્રેસના નેતાઓએ પણ આક્ષેપો સાંભળીને છાનેખૂણે હસી લીધું હોય તો નવાઇ નહીં. ખરેખર તો રાહુલે આ આક્ષેપો કરીને ફરી એક વખત તેમની રાજકીય અપરિપકવતાનો પરચો આપ્યો છે. આ જ આક્ષેપો મહિના અગાઉ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, જે દસ્તાવેજોના આધારે રાહુલે વડા પ્રધાન સામે આક્ષેપ કર્યા છે તેને સુપ્રીમ કોર્ટે અગાઉ જ અપૂરતા ઠરાવ્યા છે.
સ્વૈચ્છિક સંસ્થા ‘કોમન કોઝ’ના કર્તાહર્તા એડવોકેટ પ્રશાંત ભૂષણે આ દસ્તાવેજોના આધારે તપાસની માગણી કરી હતી. જેને નકારતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રજૂ કરાયેલા દસ્તાવેજો પર્યાપ્ત નથી. ફક્ત આરોપના આધારે આટલા મોટા (વડા પ્રધાન) પદ પર બેઠેલી વ્યક્તિ વિરુદ્ધ તપાસનો આદેશ આપી શકાય નહીં. ‘કોમન કોઝ’ના વકીલ રામ જેઠમલાનીના આગ્રહથી કોર્ટે તેમને નક્કર પુરાવા રજૂ કરવા ૧૪ ડિસેમ્બરનો સમય આપ્યો હતો. મુદતે જેઠમલાની કોર્ટમાં હાજર રહ્યા નહીં. કોર્ટે પ્રશાંત ભૂષણને કહ્યું કે, બે દિવસમાં નક્કર પુરાવા રજૂ કરો, નહીં તો અરજી ફગાવી દેવાશે. ૧૬ ડિસેમ્બરે પ્રશાંત ભૂષણે પુરાવા આપવા ફરી સમય માગ્યો, પરંતુ કોર્ટે નારાજગી દર્શાવતાં કહ્યું કે, પ્રશાંત ભૂષણ આ રીતે દબાણ કરી શકે નહીં. પ્રશાંત ભૂષણ હજી સુધી એવા કોઈ પુરાવા રજૂ કરી શકયા નથી કે જેના આધારે તપાસ થઇ શકે.
રાહુલ ગાંધી કે તેમના સલાહકારોએ આ મુદ્દે આંધળૂકિયા કર્યા હોય તેવું લાગે છે. એક તો તેઓ નરેન્દ્ર મોદી પર જે આરોપો મઢી રહ્યા છે તે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભામાં રજૂ કરી ચૂક્યા છે. બીજું, જે તથાકથિત દસ્તાવેજોના આધારે કેજરીવાલ અને પ્રશાંત ભૂષણ મોદી પર આક્ષેપ કરી રહ્યા હતા તે વીતેલાં વર્ષોમાં અખબારોમાં પણ ચમકતા રહ્યા છે. ત્રીજું, આવકવેરા વિભાગે જે કથિત દસ્તાવેજો મેળવ્યા છે એ તો કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર હતી તે સમયગાળાના છે. એક અહેવાલ મુજબ આવકવેરા વિભાગની તપાસમાં ૧૮ પક્ષો અને ૧૦૦ રાજનેતાના નામો જોવા મળે છે. આમાં કોંગ્રેસ સહિતના પક્ષો અને નેતાઓના નામેય સામેલ છે, પણ એમાં સત્ય કેટલું એ કહેવું મુશ્કેલ છે.
રાહુલ ગાંધી જે દસ્તાવેજોના આધારે વડા પ્રધાનને ભ્રષ્ટ ગણાવી રહ્યા છે તે દસ્તાવેજોમાં બીજા નેતાઓનાં નામોનો પણ ઉલ્લેખ છે, જેમાં શીલા દીક્ષિતનું નામ પણ છે. કોંગ્રેસે તેમને ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કર્યાં છે.
રાહુલ ગાંધીએ મહેસાણામાં કરેલા આક્ષેપોનો જવાબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આપ્યો છે. મારી પાસે નરેન્દ્ર મોદીના ભ્રષ્ટાચારના પુરાવા છે, હું બોલીશ તો ભૂકંપ આવી જશે એવા ગળું ફાડી ફાડીને દાવા કરનારા રાહુલની મોદીએ ભરપૂર મજાક ઉડાવી છે. જો રાહુલ આવા આક્ષેપોથી મોદી સરકારને હચમચાવવાનો મનસુબો ધરાવતા હોય તો કહેવું જ રહ્યું કે તેઓ હાંસીપાત્ર જ બન્યા છે. દેશના સૌથી પુરાણા રાજકીય પક્ષનું સુકાન સંભાળવા સજ્જ થઇ રહેલા યુવરાજે સમજવું રહ્યું કે, આક્રમક ભાષામાં આક્ષેપ કરી દેવાથી પ્રભાવી નેતા બની શકાતું નથી. આ માટે રાજકીય સજ્જતા સાથે પરિપકવતા પણ એટલી જ જરૂરી છે. આમાં પણ વડા પ્રધાન સામે આક્ષેપો કરતી વેળા તો પૂરી ચકાસણી કરવી જોઇએ. આ માટે આવશ્યક પુરાવા જરૂરી છે કેમ કે વ્યક્તિ કરતાં વડા પ્રધાન પદનું વિશેષ મહત્ત્વ છે. રાહુલે કદાચ વિચાર્યું હશે કે મોદીએ કાળા નાણાં સામેની લડાઇના નામે નોટબંધી લાદી છે, પણ ભ્રષ્ટાચાર મામલે તેઓ પોતે પણ દૂધે ધોયેલા નથી એવો મુદ્દો ઉછાળી શકાય તો કોંગ્રેસનો બેડો પાર થઇ જશે. અલબત્ત, આમ કરતાં એ ભૂલી ગયા કે તેઓ મોદી સામે એક આંગળી ચીંધી રહ્યા છે ત્યારે બાકીની ચાર આંગળી પોતાના પક્ષ ભણી ચીંધાઇ રહી છે. ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસની છબી એટલી ખરડાયેલી છે કે આ મુદ્દે ભલે તેઓ ગમેતેટલું બોલે તેની વિશ્વસનિયતા રહેતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter