મોસુલની મુક્તિ બાદ હવે નવનિર્માણનો પડકાર

Tuesday 18th July 2017 15:36 EDT
 

ઈરાકી નેતૃત્વ હેઠળની સંયુક્ત સેનાને નવ મહિનાના ભીષણ અને લોહિયાળ સંઘર્ષ બાદ છેવટે ઇરાકની ઉત્તરે આવેલા મોસુલ શહેરને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (આઇએસઆઇએસ)ના કબ્જામાંથી છોડાવવામાં સફળતા સાંપડી છે. ઇરાકી સેનાને હરાવીને આઇએસે ૨૦૧૪થી મોસુલમાં અડીંગો જમાવ્યો હતો. કુદરતી સંપત્તિથી ભરપૂર મોસુલના પેટાળમાં તેલ અને ગેસનો વિપુલ ભંડાર ધરબાયેલો હોવાથી તેનું વિશેષ મહત્ત્વ છે. મોસુલ એ જ શહેર છે જ્યાં એક સમયે ઇરાકના પૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસૈનના વફાદાર લશ્કરી અધિકારીઓએ યુએસ આર્મીના ડરથી આશરો મેળવ્યો હતો. સદ્દામના આ જ સાથીદારોના સાથ અને સમર્થનથી આઇએસે મોસુલમાં પગદંડો જમાવ્યો હતો. સમયના વહેવા સાથે આઇએસનો ગઢ બનેલા મોસુલની ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી મસ્જિદમાંથી જ આઇએસના વડા અબુ બકર અલ બગદાદીએ પોતાને ઇસ્લામનો નવો ખલીફા જાહેર કર્યો હતો. તેમજ મોસુલને ઇસ્લામિક સ્ટેટનું પાટનગર જાહેર કર્યું હતું.
જોકે મોસુલમાં આઇએસના કારમા પરાજય બાદ હજુ સુધી બગદાદીનું નિવેદન આવ્યું નથી. એક આશંકા એવી પણ છે કે મોસુલ માટેની લડાઇ દરમિયાન તે માર્યો ગયો છે. જોકે સંયુક્ત સેના આ વાતને સમર્થન આપતી નથી. બગદાદીનું શું થયું તે ભલે હજુ સ્પષ્ટ ન થયું હોય, પરંતુ મોસુલ આઇએસની નાગચૂડમાંથી નીકળી ગયું છે તે હકીકત છે. તો શું ઇરાકમાંથી આઇએસનો સંપૂર્ણ સફાયો થઇ ગયો છે? હાલ તો આ પ્રશ્નનો જવાબ હકારમાં આપવાનું કે નકારમાં આપવાનું કવેળાનું ગણાશે. મોસુલ પર સંયુક્ત સેનાના આક્રમણ વેળા આઇએસની પીછેહઠ થતી જોઇને મોટા ભાગના આતંકીઓ સીમા ઓળંગીને પડોશી દેશોમાં જઇ પહોંચ્યા છે. સુરક્ષિત સ્થળે છુપાયેલા આ આતંકીઓ મોકો મળ્યે ફરી એકસંપ થઇને ત્રાટકી શકે છે. સાથે સાથે એ પણ જોવું રહ્યું કે મોસુલમાં વિજય બાદ ઇરાકી વહીવટી તંત્ર સ્થાનિક પ્રજાજનોના ઘા કેટલી ઝડપે રુઝાવી શકે છે.
મોસુલની મુક્તિ સાથે હજારો લોકોનાં મોત અને દસ લાખ લોકો બેઘર બન્યાની વરવી વાસ્તવિકતા પણ સંકળાયેલી છે એ કોઇએ ન ભૂલવું જોઇએ. મોસુલ પર કબ્જો જમાવ્યા બાદ આઇએસે આસપાસના અન્ય શહેરો અને ગ્રામીણ વિસ્તારો પર પોતાની હકૂમત સ્થાપી હતી. ક્રૂડ ઓઇલથી સમૃદ્ધ મોસુલ અને તેની આસપાસના વિસ્તારને ફરીથી જીતીને ઇરાકને ભવિષ્યમાં જંગી આર્થિક લાભ થશે એ સાચું, પણ હાલ તો મોસુલની સ્થિતિ દર્દનાક છે. મોસુલ પર કબ્જા માટે સંયુક્ત સેના અને આઇએસ વચ્ચે લગભગ ત્રણ વર્ષ ચાલેલા સશસ્ત્ર સંઘર્ષે આ શહેરના લગભગ ૮૦ ટકા વિસ્તારને કાટમાળના ઢગલામાં ફેરવી નાખ્યો છે. યુનાઇટેડ નેશન્સના એક અહેવાલ મુજબ, ખંડેર બની ગયેલા મોસુલને ફરી ધમધમતું કરવા માટે એક બિલિયન ડોલરનો જંગી ખર્ચ થાય તેમ છે. સવિશેષ તો આવશ્યક જનસેવાઓને ઝડપભેર પુન: સ્થાપિત કરવી પડશે, જેથી કરીને શહેર છોડી ગયેલા ૧૦ લાખ લોકોને ફરી અહીં વસાવી શકાય. કોઇ પણ દેશની સરકાર માટે આ કામ પડકારજનક છે, આતંકવાદ સામે લડવા કરતાં પણ વધુ. ઇરાકને આઇએસ સામે લડવામાં મદદરૂપ થનાર દેશો હવે તેને મોસુલના નવનિર્માણમાં પણ સાથ-સહકાર આપશે તેવી આશા અસ્થાને નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter