યુએનમાં ભારતનું ઇઝરાયલ-વિરોધી મતદાન!

Tuesday 02nd January 2018 15:18 EST
 

યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ જંગી બહુમતીથી પ્રસ્તાવ મંજૂર કરીને અમેરિકાને જણાવ્યું છે કે તેણે જેરુસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપતો નિર્ણય પાછો ખેંચવો જોઇએ. પ્રસ્તાવ પર મતદાન વેળા નવ દેશોએ અમેરિકી નિર્ણયની તરફેણ કરી છે જ્યારે ૩૫ દેશોએ મતદાન કરવાનું ટાળ્યું હતું. ભારત સહિત ૧૨૮ દેશોએ અમેરિકી નિર્ણયનો વિરોધ કરતા પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. ભારતનો આ અભિગમ દર્શાવે છે કે તે આજે પણ પેલેસ્ટાઇનના સમર્થનમાં છે.
ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલ ગયા અને તેમણે દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા દાખવેલી તત્પરતા જોઇને એક વર્ગ માનવા લાગ્યો હતો કે ભારત હવે પેલેસ્ટાઇનનો સાથ છોડી રહ્યું છે. પરંતુ અમેરિકા-ઇઝરાયલ વિરોધી પ્રસ્તાવને ભારતનું સમર્થન આ ધારણા ખોટી ઠેરવે છે. તો શું મોદીના ઇઝરાયલ પ્રવાસમાં જોવા મળેલી ઉષ્મા દેખાડો હતી? ના. અમેરિકા-ઇઝરાયલ વિરોધી મતદાનનો નિર્ણય ભારતની વિદેશ નીતિ કોઇના પ્રભાવમાં ન હોવાનો સંકેત આપે છે. આવતા સપ્તાહે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ગુજરાત સહિત ભારતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભારતનો પેલેસ્ટાઇન-તરફી અભિગમ ચોંકાવનારો જરૂર હશે, પણ અનઅપેક્ષિત લગારેય નથી. ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રવાહોની મૂલવણી સ્પષ્ટ કરે છે કે ભારતે બે જાનીદુશ્મન પડોશીઓમાંથી ન તો કોઇની તરફેણ કરી છે, ન તો વિરોધ.
ભારતના નિર્ણયની સમાલોચના કરતા વેળા કોઇએ એ ન ભૂલવું જોઇએ કે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી બાબતોમાં લાગણી નહીં, લાંબા અને ટૂંકા ગાળાના હિતોને નજરમાં નિર્ણયો લેવાતા હોય છે. ઇઝરાયલ સાથેના સંબંધો ભારત માટે સંરક્ષણથી માંડીને કૃષિ અને આઇટીથી માંડીને આતંકવાદવિરોધી લડાઇ સહિતના ક્ષેત્રે ઉપકારક સાબિત થાય તેમ છે. પરંતુ જો ભારતે અચાનક ઇઝરાયલની તરફેણમાં મતદાન કર્યું હોત તો તેના નકારાત્મક પરિણામ આવ્યા હોત. પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે તમામ ઇસ્લામિક દેશોને ભારત સામે એક કરવાનો મોકો મળી ગયો હોત.
ભારત અને ઇઝરાયલના સંબંધમાં હિંદુ અને યહૂદી ક્નેક્શન પણ મહત્ત્વનું છે. દુનિયામાં યહૂદીઓ પર સીતમ ગુજારાતો હતો ત્યારે ભારતમાં તેમને સન્માન સાથે સુરક્ષિત સ્થાન મળ્યું હતું. આમ ભારતનો ઇઝરાયલ સાથેનો સંબંધ સ્વાર્થનો નહીં, પરંતુ ભાવનાત્મક છે. ધર્મના દૃષ્ટિકોણથી જોઇએ તો યહૂદી અને હિન્દુ બન્ને સમુદાય પરંપરા-સંસ્કૃતિનું જતન કરનારા છે. ભાજપ તો છેક જનસંઘ કાળથી ઇઝરાયલ સાથે મજબૂત સંબંધોનો હિમાયતી છે. ૧૯૭૭માં અટલ બિહારી વાજપેયી જનતા પાર્ટી સરકારમાં વિદેશ પ્રધાન બન્યા ત્યારે પહેલાં ઇઝરાયલ ગયા હતા. આજે વડા પ્રધાન મોદી ઇઝરાયલ સાથેના સંબંધોને સુદૃઢ બનાવવા સક્રિય છે. કોંગ્રેસ શાસનમાં પણ ઇઝરાયલ સાથેના દ્વિપક્ષીય સંબંધોને મહત્ત્વ તો અપાતું હતું, પરંતુ ભાજપ સરકાર જેટલું તો નહીં જ.
યુએનમાં ભારતનું (પેલેસ્ટાઇન-તરફી) મતદાન એક વ્યૂહાત્મક નિર્ણય હોવાનું ઇઝરાયલ સારી રીતે સમજે છે. સંભવતઃ આથી જ તેણે ભારતના આવા અભિગમ માટે ના તો ભૂતકાળમાં ક્યારેય નારાજગી વ્યક્ત કરી છે, અને ના તો આ વખતેય કોઇ કકળાટ કર્યો છે. બન્ને દેશો વચ્ચેના ભાવનાત્મક સંબંધોની ઝલક વિદેશ નીતિમાં પણ જોવા મળે એવી આશા અસ્થાને નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter