રાજઘરાનાની પ્રતિષ્ઠા પર કુઠારાઘાત

Tuesday 09th March 2021 16:23 EST
 

બ્રિટિશ રાજઘરાણાની અમેરિકન અભિનેત્રી વહુ મેગન મર્કલ અને પ્રિન્સ હેરીએ રોયલ ફેમિલી છોડવા સહિતની બાબતો પર ખુલ્લા દિલે પોતાની વાતો ચેટ શો ક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સાથે ઈન્ટરવ્યૂમાં કરી છે. હેરી અને મેગનના આ ઈન્ટરવ્યૂ બોમ્બશેલનું તત્કાળ પરિણામ એ આવ્યું છે કે ક્વીને સત્વરે નિવેદન આપી સસેક્સ દંપતીએ આટલા વર્ષોમાં ઘણું સહન કર્યું હોવાનું અને પરિવારને તેનાથી દુઃખ થયાનું સ્વીકાર્યું છે. ક્વીનના ટુંકા નિવેદનમાં સ્પષ્ટ કરાયું છે કે આર્ચી વિશે રંગભેદી ટીપ્પણી સહિતની જે વિગતો અપાઈ છે તે ચિંતાજનક છે અને કેટલીક યાદો ધૂંધળી હોઈ શકે પરંતુ મુદ્દાઓને ગંભીરતાથી લેવા અને પરિવારમાં ખાનગી રાહે તેનું નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી છે. જોકે, હેરી અને મેગનની ચિંતાઓ પર વેળાસર ધ્યાન અપાયું હોત કે તેમની સ્વતંત્રતા પર કાપ મૂકવાના પ્રયાસો થયા ન હોત તો ક્વીને આવી અપમાનજનક પરિસ્થિતિમાં મૂકાવું પડ્યું ન હોત તે પણ સાચી વાત છે.
સ્વાભાવિક છે કે કોઠી ધોવાય એટલે કાદવ જ નીકળે. એટલે જ એક ગુજરાતી લોકગીતમાં કહેવાયું છે કે ‘વહુ કરે છે આપણા ઘરની વાત જો, વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ’. તમાશાને કદી તેડું હોતું નથી. પ્રિન્સ હેરી અને અમેરિકન અભિનેત્રી મેગનના લગ્ન થયા ત્યારથી જ દુનિયાભરના શો બિઝનેસની તેમના લગ્ન અને ભાવિ છૂટાછેડા પર નજર ચોંટી ગઈ હતી. મેગન ખુદ શો બિઝનેસમાં હતી, નાણાકીય રીતે સ્વતંત્ર હતી તેમજ સ્વતંત્ર મિજાજ અને વિચાર ધરાવતા અમેરિકી સમાજમાં ઉછરેલી હતી. આનાથી વિપરીત, હેરીનો ઉછેર ચુસ્ત રાજવી રીતરસમો હેઠળ થયો હતો. આ સંજોગોમાં લગ્ન કેટલે સુધી ટકશે તે પ્રશ્ન હતો. પરંતુ, લગ્ન તૂટ્યા નહિ અને રાજપરિવાર જ તૂટી ગયો છે. મેગને અન્ય મોટો આક્ષેપ એ કર્યો છે કે સગર્ભાવસ્થામાં તેના માનસિક આરોગ્યની સમસ્યાઓ પર કોઈ ધ્યાન અપાયું નહિ કે નિષ્ણાત સલાહ લેવાની પરવાનગી પણ અપાઈ ન હતી.
સૌથી મોટો આઘાત પહોંચાડનારો આક્ષેપ બ્રિટિશ રાજાશાહી હજુ શ્વેત રક્તની શ્રેષ્ઠતાના જરીપુરાણા ખયાલમાંથી બહાર આવી નહિ હોવાનો છે. રાજવી કુટુંબ પણ રંગભેદના વલણથી બાકાત નથી. પ્રિન્સ હેરી ને મેગનનું સંતાન આર્ચી હજુ ગર્ભમાં જ હતું ત્યારથી તેના ત્વચાના સંભવિત વર્ણ-રંગ વિશે વાતો શરુ થઈ ગઈ હતી. એક સમયે દક્ષિણ આફ્રિકામાં ગોરા લોકોના રંગભેદનો અત્યાચાર જાણીતો હતો. યુકે જેવા દેશમાં આ રંગભેદની વાસ્તવિકતા ઝડપથી બહાર આવતી નથી. આશ્ચર્ય તો એ બાબતનું થાય છે કે ભારતમાં જ્ઞાતિ અને વર્ણપ્રથા સામે અંગૂલિનિર્દેશ કરનારા ભદ્રસમાજના લોકોને ‘દીવા તળેનું અંધારું’ દેખાતું નથી. આપણે એમ નથી કહેવું કે ભારતની આ પ્રથાઓ સારી છે પરંતુ, મેગનના પિતા શ્વેત અને માતા આફ્રો અમેરિકન અથવા તો અશ્વેત હોવાના સંજોગોમાં હેરી અને મેગનનું સંતાન પણ સામાન્ય દેખાવનું હશે તેવી ધારણાથી જ રાજપરિવારનો જ સભ્ય વણજન્મેલા બાળકની ત્વચાના રંગ અને તેને ભવિષ્યમાં સુરક્ષાકવચ આપી નહિ શકાય તેમજ પ્રિન્સનું ટાઈટલ પણ આપી નહિ શકાય તેવી વાતો કરે ત્યારે કહેવાતા ભદ્રસમાજની માનસિકતા પર દયા આવી જાય. હેરી અને મેગનના સંતાનને પ્રિન્સ કહેવાની ફરજ ન પડે તે માટે નિયમો પણ બદલી દેવાયા હતાં. આ ઈન્ટરવ્યૂમાં એક બાબતે તો આશ્વાસન લેવાયું છે કે ક્વીન એલિઝાબેથ અને તેમના પતિ ડ્યૂક ઓફ એડિનબરાએ આવી વાત કરી નથી. તો ચિંતા એ પણ થાય કે આધુનિક ગણાવી શકાય તેવા કોઈ સભ્યની માનસિકતા આવી હોઈ શકે?
એમ ભલે કહેવાતું હોય કે ‘માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જોને’, વાસ્તવિકતા અલગ જ હોય છે. શાહી પરિવારના લોખંડી સકંજામાં ઘણી વાતો દબાઈને રહી જાય છે. કદીક પ્રિન્સેસ ડાયેના તો કદીક મેગન જેવી સામાન્ય વહુઓ ત્રાસીને મોઢું ખોલી દેતી હોય ત્યારે ચોંકાવનારી હકીકતો બહાર આવી જાય છે. આપણી માન્યતાથી વિરુદ્ધ સમૃદ્ધ દેશો અને લોકો વિવિધ ભ્રમણાઓ કે માન્યતાઓ સાથે જીવે છે માત્ર તેમનું બાહ્ય સ્વરુપ આધુનિક રહે છે. પ્રિન્સ હેરીએ એક વાત તદ્દન સાચી કહી છે કે તેના પિતા ચાર્લ્સ અને મોટા ભાઈ વિલિયમ સહિતના પરિવારના સભ્યો પરંપરા અને નિયમોના બંધનમાં ફસાઈ ગયા છે અને તેમાંથી બહાર નીકળવું કઠણ છે.
આપણે જોઈએ છીએ કે નીઓ રિચ પરિવારોમાં બાપ-દીકરો કે માતા- દીકરી અથવા સમગ્ર પરિવાર સાથે મળીને રહેતા નથી. તેમનો સંબંધ માત્ર સેક્રેટરીઓ મારફત અપાતી એપોઈન્ટમેન્ટ્સને આધારિત હોય છે. બ્રિટિશ રાજપરિવારમાં પણ આ જ હાલત છે. હેરીએ રાજપરિવાર છોડવાની વાત ઉચ્ચારી તો તેની સાથે વાતચીત કરવાના બદલે પિતા ચાર્લ્સે તેની વાતો કે યોજના લેખિતમાં આપવા ફરમાન કર્યું હોવાની વાત બહાર આવી છે. હેરીનો નાણાકીય બહિષ્કાર કરાય છે કે મેગનને બિલ્સ ભરવા માટે એક્ટિંગ ચાલુ રાખવાની સલાહ અપાય છે.
પ્રિન્સેસ ડાયનાએ ૧૯૯૫માં પ્રિન્સ ચાર્લ્સ સાથે કથળેલા સંબંધોની વાત કરવી પડી હતી. ડાયેના પણ આઝાદ પંખી હતી, તેને મુક્ત થઈ ગગનમાં વિહરવું હતું પરંતુ, પ્રિન્સ ચાર્લ્સને તેની કશી જ તમા ન હતી. તે પોતાના સંબંધોમાં વ્યસ્ત હતા. આખરે લેડી ડાયેનાએ બળવો પોકારી રાજપરિવાર છોડી દીધો. વર્તમાન સંજોગો એવા જ છે પરંતુ, સૌથી મહત્ત્વની બાબત એ કહી શકાય કે માતાની હાલત નજરે જોનારા પ્રિન્સ હેરીએ પત્ની મેગનને ભરપૂર સાથ આપ્યો છે અને તેના પરિણામે જ લોકો મેગનની વાત પર વિશ્વાસ મૂકી રહ્યા હોય તેમ લાગે છે.
બ્રિટિશ મોનાર્કીની પ્રતિષ્ઠાને આ ત્રીજો મોટો કુઠારાઘાત છે. અગાઉ ૧૯૩૬માં કિંગ જ્યોર્જ પાંચમા અને ક્વીન મેરીના સૌથી મોટા પુત્ર, પ્રિન્સ ઓફ વેલ્સ એડવર્ડ બે વખત વિધવા થયેલી અમેરિકન મહિલા મિસિસ વોલિસ સિમ્પ્સનને દિલ દઈ બેઠા હતા. કિંગ જ્યોર્જ પાંચમાના નિધન પછી એડવર્ડ આઠમા રાજગાદીએ આવ્યા હતા. કદી મક્કમ મનના નહિ ગણાયેલા એડવર્ડને રાજગાદી અથવા વોલિસમાંથી પસંદગી કરવાની આવી ત્યારે રાજઘરાણાની પરંપરાઓ કે નિયમોને તાબે થયા વિના તેમણે રાજગાદી ઠુકરાવી દીધી હતી. તેમણે દેશ છોડી ફ્રાન્સ જઈને મિસિસ સિમ્પસન સાથે લગ્ન કર્યા હતા. કિંગ એડવર્ડ આઠમાના ગાદીત્યાગના પરિણામે તેમના ભાઈ અને વર્તમાન ક્વીન એલિઝાબેથના પિતા જ્યોર્જ છઠ્ઠાને રાજગાદી મળી હતી.
બ્રિટનની રાજાશાહી બંધારણીય છે પરંતુ, બંધારણ અલિખિત હોવાથી શોભાના પૂતળા જેવી રાજાશાહીનો વિશેષ દબદબો રહે છે. રોયલ પરિવારની આસપાસ નકારાત્મક પબ્લિસિટી વધારે રહે છે. જ્યારે રાજપરિવારનો સભ્ય બળવો પોકારે ત્યારે આવી પબ્લિસિટી વધી જાય છે. આમ છતાં, ૨૦૦૨થી ૨૦૦૭ સુધીના પોલ્સમાં એ બાબત સ્પષ્ટપણે તરી આવી હતી કે આશરે ૭૦થી ૮૦ ટકા બ્રિટિશરો રાજાશાહી ચાલુ રહે તેને સમર્થન આપતા હતા. આજે પણ તમામ વયજૂથમાં બહુમતી બ્રિટિશ પ્રજા રાજાશાહીને સમર્થન આપે છે. જોકે, હવે આ રાજસંસ્થા ધીરે ધીરે તૂટી રહી છે. રાજાશાહીના લખલૂટ ખર્ચાનો બોજ સામાન્ય કરદાતોએ ઉઠાવવો પડે છે તેની સામે કચવાટ વધી રહ્યો છે. હવેની યુવાન પેઢી સ્વતંત્રતાની ચાહક છે ત્યારે રાજાશાહી જેવી જર્જરિત ઈમારતનો બોજ ક્યાં સુધી વેંઢારશે તે કહેવું મુશ્કેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter