રિયોમાં ભારતઃ મનોમંથનનો સમય

Tuesday 23rd August 2016 13:59 EDT
 

રિયો ઓલિમ્પિકનું રંગેચંગે સમાપન થયું છે. આશંકા હતી તેવી કોઇ અનિચ્છનીય ઘટનાના ‘અપસેટ’ વગર રમતોત્સવની પૂર્ણાહૂતિથી આયોજકોથી માંડીને ખેલાડીઓ સહુ કોઇ રાહત અનુભવી રહ્યા છે. હા, મેડલ વિજેતા દેશોની યાદીમાં દેખાતા ‘અપસેટ’થી કહીં ખુશી, કહીં ગમનો માહોલ અવશ્ય જોવા મળી રહ્યો છે. હારજીત ભલે દરેક રમતનું અવિભાજ્ય અંગ ગણાતી હોય, પરંતુ આખરે તો જો જીતા વોહી સિકંદર હોય છે! વિજેતા દેશોની યાદી પર નજર ફેરવશો તો જણાશે કે સવાસો કરોડની વસ્તી ધરાવતા દેશે માત્ર બે માત્ર મેડલથી સંતોષ માનવો પડ્યો છે તો આશરે સાડા છ કરોડની વસ્તી ધરાવતા દેશે કુલ ૬૭ મેડલ સાથે રિયોમાં વિજયપતાકા લહેરાવ્યા છે. હા, આ વાત ભારત અને બ્રિટનની છે. ભારત બે મેડલ મેળવીને પણ ‘ખુશ’ છે, અને બ્રિટન ૨૦૧૨માં ઘરઆંગણે યોજાયેલા ઓલિમ્પિક્સમાં ચોથા ક્રમે રહીને પણ નાખુશ હોવાથી તેણે કમર કસીને વિજેતા દેશોની યાદીમાં બીજું સ્થાન હાંસલ કર્યું છે. આ વાત બન્ને દેશોનો રમતગમત પ્રત્યેનો તેનો અભિગમ દર્શાવે છે.
લગભગ ૬૦૦ જેટલા મેડલ અન્ય દેશના ખેલાડીઓ જીતી ગયા બાદ ભારતને મહિલા રેસલર સાક્ષી મલિકના બ્રોન્ઝ અને બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુના સિલ્વર મેડલથી સંતોષ માનવો પડી રહ્યો છે. સાક્ષી અને સિંધુની સિદ્ધિ અદ્ભૂત અને ઐતિહાસિક છે, પરંતુ એકાદ હજાર ઓલિમ્પિક મેડલમાંથી એકાદ-બે મેડલ (અને તેમાં પણ ગોલ્ડ તો નહીં જ) કબ્જે કરીને સંતોષ માની લેવો વાજબી છે? વૈશ્વિક ખેલોમાં ભારતની સ્થિતિ રિયો બાદ વધુ નબળી પડી છે તે સહુ કોઇએ સ્વીકારવું જ રહ્યું. આ માટે કોણ જવાબદાર સિસ્ટમ કે ખેલાડી? દેશભરમાં આ મુદ્દો ચર્ચાની એરણે ચઢ્યો છે. થોડાક દિવસ બધું ચાલશે, પછી વિસરાશે અને ફરી ૨૦૨૦ની ટોક્યો ઓલિમ્પિક ટાણે ખેલાડીઓને મેડલ જીતવાના લક્ષ્યાંકો મૂકાશે. સિંધુ અને સાક્ષી જેવા છુટાછવાયા લડાયક ખેલાડીઓને ભરોસે રહેવાથી રમતના મેદાનમાં ભારતની સ્થિતિ બદલાઇ જવાની નથી તે સત્તાધીશોએ સમજવું રહ્યું.
ભારતે રમતગમતના મેદાનમાં તેનો દેખાવ સુધારવા માટે આજે સ્પોર્ટસ પાવરહાઉસ બની ચૂકેલા બ્રિટનમાંથી પદાર્થપાઠ લેવા જેવો છે. કઇ રીતે? ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં બ્રિટન (૬૫ મેડલ) પોતાના જ ઘરમાં અમેરિકા (૧૦૩) અને ચીન (૮૮) પછી ત્રીજા નંબરે રહ્યું હતું. આજે રિયોમાં તે ૬૭ મેડલ સાથે બીજા સ્થાને છે. બે દસકા પહેલાં ૧૯૯૬ના એટલાન્ટા ઓલિમ્પિકમાં લિયાન્ડર પેસના બ્રોન્ઝ મેડલ સાથે ભારત યાદીમાં ૭૧મા સ્થાને હતું. આ જ રમતોત્સવમાં બ્રિટન એક ગોલ્ડ સાથે ૩૬મા નંબરે હતું. આનાથી આઘાતનો આંચકો અનુભવનારા બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન જ્હોન મેેજરે એક
અ-લોકપ્રિય નિર્ણય કર્યો. નેશનલ લોટરીનું સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેનું નાણાંભંડોળ રમતગમતના વિકાસ માટે ફાળવી દીધું. ખેલાડીઓની રમત સુધારવા માટેની યોજનાનું સુકાન જાણીતા ખેલાડીઓને સોંપી દીધું. પરિણામ આપણી નજર સમક્ષ છે.
માત્ર ૨૦ વર્ષમાં બ્રિટન રમતજગતમાં મહાશક્તિ બની ગયું છે. બ્રિટને રિયો ઓલિમ્પિકની તૈયારી માટે ફાળવેલા ભંડોળનો આંકડો માંડશો તો સમજાશે કે તેણે પ્રતિ મેડલ ૫૫ લાખ પાઉન્ડ ખર્ચ્યા છે. મેડલ યાદીમાં બીજું મેળવનાર બ્રિટનનું આગામી લક્ષ્ય છે ટોક્યો ઓલિમ્પિક. રિયોમાં કરેલા શાનદાર દેખાવની ઉજવણી હજુ પૂરી પણ નથી થઇ ત્યાં ૨૦૨૦ની તૈયારી શરૂ થઇ ગઇ છે. સ્પષ્ટ છે કે ચેમ્પિયન્સ રાતોરાત પેદા નથી થતા. આ માટે પ્રતિબદ્ધતા સાથે મહેનત કરવી પડે છે, વર્ષો પરસેવો વહાવવો પડે છે.
ભારતમાં રમતગમતનું પ્રતિનિધિત્વ કરતા સંગઠનોએ, તેના હોદ્દેદારોએ તેમજ સત્તાધીશોએ મનોમંથન કરવું રહ્યું કે આઝાદીના સાત દસકા પછી પણ દેશના એકલદોકલ ખેલાડી જ કેમ ઓલિમ્પિકના પોડિયમ સુધી પહોંચે છે? રિયો ઓલિમ્પિક્સે ભારતીય રમત સંગઠનોની કામગીરી સામે અરીસો ધરી દીધો છે. ભારતમાં એક વર્ગ હંમેશા એવો અભિગમ અપનાવતો રહ્યો છે કે મેડલ જીતવા કરતાં ઓલમ્પિક રમતોત્સવમાં ભાગ લેવાનું જ વિશેષ મહત્ત્વનું છે, પરંતુ બ્રિટને આ ભારતીય દૃષ્ટિકોણ કરતાં ‘અલગ’ જ અભિગમ અપનાવીને મેડલ હાંસલ કરવાને જ લક્ષ્ય બનાવ્યું. પરિણામ નજર સામે છે. ટોક્યો ઓલિમ્પિકને ચાર વર્ષની વાર છે. સમય પૂરતો છે - જો નિશ્ચિત લક્ષ્યાંક સાથે મહેનત કરવામાં આવે તો ભારતીય ખેલાડીઓ પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેમ છે એ વાત પી. વી. સિંધુ, સાક્ષી મલિકના પ્રદર્શને પુરવાર કરી દીધું છે. જરૂર છે તેમને યોગ્ય તાલીમની, માર્ગદર્શનની અને પૂરતા સંસાધનની.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter