લંડનમાં આતંકી હુમલો અને તેના સૂચિતાર્થ

Wednesday 29th March 2017 06:55 EDT
 

‘આતંકવાદ લંડનવાસીઓના જીવનનો જાણે એક હિસ્સો બની ગયો છે.’ વેસ્ટ મિન્સ્ટર (પાર્લામેન્ટ) નજીક આતંકી હુમલો થયા બાદ લંડનના મેયર સાદિક ખાને કહેલા આ શબ્દો આતંકવાદનો વધતો પ્રભાવ દર્શાવે છે. સાદિક ખાને ભલે પાર્લામેન્ટ સંકુલ નજીક થયેલા હુમલા સંદર્ભે આમ કહ્યું હોય, પરંતુ તેમનું આ નિવેદન વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પણ એટલું જ સાચું છે. આતંકવાદ હવે વિશ્વ સમસ્તના પ્રજાજનોના જીવનનો મહત્ત્વનો હિસ્સો બન્યો છે. લંડન હુમલાની જવાબદારી સ્વીકારવાની સાથોસાથ કુખ્યાત આતંકી સંગઠન આઇએસ (ઇસ્લામિક સ્ટેટ)એ વધુ આતંકી હુમલાની ધમકી પણ ઉચ્ચારી છે. લંડનમાં ૨૨ માર્ચે થયેલા હુમલાએ ગત વર્ષે ફ્રાન્સના નીસમાં ૮૪ અને જર્મનીના બર્લિનમાં ૧૨ માનવજિંદગીને કચડી નાખનાર હુમલાની યાદ તાજી કરાવી દીધી છે. જોકે તે સમયે આઇએસએ હુમલાની જવાબદારી સ્વીકારી નહોતી. આ વખતે આઇએસએ ખુલ્લંખુલ્લા બહાર આવ્યું છે. અલબત્ત, સ્કોટલેન્ડ યાર્ડ આ દાવાને વાહિયાત ગણાવે છે. લંડનનો આતંકી હુમલો એ આશંકા પ્રબળ બનાવે છે કે આઇએસ હવે મિડલ ઇસ્ટમાંથી નીકળીને પશ્ચિમ સહિત વિશ્વમાં ફેલાઇ રહ્યું છે. એક તરફ સીરિયા અને ઇરાકમાં આઇએસનો પ્રભાવ ઘટી રહ્યો છે તો બીજી તરફ વિદેશમાં, સવિશેષ પશ્ચિમી દેશોમાં તેના સમર્થકો વધી રહ્યા છે, જેઓ પોતાના જ ઘરને નિશાન બનાવી રહ્યા છે.
ત્રાસવાદી જૂથો, સવિશેષ તો આઇએસ સાથે સંકળાયેલા કે એકલદોકલ ત્રાસવાદીઓએ કેટલાક સમયથી હુમલાની અનોખી પેટર્ન અપનાવી છે. એક તો, કટ્ટરવાદી વિચારસરણીથી ગેરમાર્ગે દોરવાયેલો આતંકી એકલો જ કાવતરું ઘડીને તેને પાર પાડે છે. ત્રાસવાદવિરોધી બાબતોના નિષ્ણાતો આને લોન વુલ્ફ એટેક તરીકે ઓળખાવે છે. બીજું, અતિ આધુનિક શસ્ત્રો કે વિસ્ફોટકોના બદલે પ્રમાણમાં ઓછાં જટિલ કહેવાય એવાં શસ્ત્રોનો ઉપયોગ કરે છે. અને ત્રીજું, વ્યાપક હાજરી ધરાવતાં કે આંતરરાષ્ટ્રીય કે સામુદાયિક મહત્ત્વ ધરાવતાં સ્થળોને નિશાન બનાવે છે. આ ચોક્કસ પેટર્ન પાછળનો મુખ્ય ઉદ્દેશ ખુવારીની સાથે સનસનાટીભરી પ્રસિદ્ધિ થકી આમ પ્રજામાં ભારે ધાક બેસાડવાનો હોય છે. લંડનમાં પણ હુમલાખોર સંસદ અને આસપાસનાં જાણીતાં સ્થળોને નિશાન બનાવી યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં પોતાની દુષ્ટ હાજરીની નોંધ લેવડાવવા ઇચ્છતો હતો.
લંડન સહિત સમગ્ર બ્રિટન લાંબા સમયથી આતંકી જૂથોના નિશાનમાં છે. ભૂતકાળમાં લંડન ટ્યુબ - બસ પર હુમલા થઇ ચૂક્યા છે. આઇએસ સામેના જંગમાં બ્રિટિશ સરકાર બહુ સક્રિય છે અને હાલ મધ્ય એશિયામાં સર્જાયેલી નિરાશ્રિત કટોકટીમાં યુરોપ મહત્વનું કેન્દ્ર છે. આમ બ્રિટનમાં ગમેત્યારે હુમલાની સંભાવના હતી જ. સલામતી દળોની ચોક્સાઈથી કેટલાય દુષ્કૃત્યો ઘટના અગાઉ જ પકડી પડાયાં છે.
મધ્ય એશિયામાં હવે આઇએસ નબળું પડી રહ્યાના અને તેના પંજામાંથી અનેક વિસ્તાર મુક્ત કરાવાઇ રહ્યાના અહેવાલો છે, પરંતુ અફસોસજનક તો એ છે કે આઇએસની કટ્ટરવાદી વિચારધારાનું ઝેર વિશ્વભરમાં પ્રસરી ચૂક્યું છે. આ ઝેરનું મારણ શું? ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આઇએસનાં મોડ્યુલ્સ એક્ટિવ થઇ ચૂક્યાં છે ને ધર્મના નામે હજારો નિર્દોષોનું રક્ત વહાવી રહ્યા છે. આવા આતંકીઓ સમયાંતરે પોતપોતાની રીતે ત્રાસવાદી કૃત્યોને અંજામ આપતા રહ્યા છે કે પોતાનો બદઇરાદો પાર પાડવાની તાકમાં બેઠા છે. છેક સીરિયામાં સક્રિય આઇએસની વિચારસરણીનું ઝેર કેટલી હદે ફેલાયું છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તાજેતરમાં સૌરાષ્ટ્રના રાજકોટમાંથી ઝડપાયેલા રામોદિયા બંધુઓ છે.
સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ કોમી એખલાસ માટે દેશભરમાં જાણીતું છે. રાજ્યમાં ગમેતેવો સંવેદનશીલ માહોલ હોય, પરંતુ આ શહેરમાં શાંતિ-ભાઇચારો જળવાઇ રહ્યા છે. આવા શહેરના એક જ પરિવારના બે યુવાનો સોશ્યલ મીડિયા મારફતે લાંબા સમયથી આઇએસના સંપર્કમાં હતા એટલું જ નહીં આતંકી ષડયંત્ર પાર પાડવાની ફિરાકમાં હતા. બન્ને ભાઇની નસ-નસમાં કટ્ટરવાદી ધાર્મિક વિચારસરણીનું ઝેર ઘોળાઇ ગયાનું જાણીને આઇએસે તેમને લોન વુલ્ફ એટેક માટે ઉશ્કેર્યા હતા. એક ભાઇએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલા જઇને આવો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેનો બદઇરાદો પાર પડ્યો નહોતો. કોમી એખલાસભર્યા માહોલમાં ઉછેર અને પરિવારના એક પણ સભ્યની વિચારસરણી કટ્ટરવાદી ન હોવા છતાં આ ભાઇઓ આઇએસની કટ્ટર ધર્માંધતામાં લપેટાઇ ગયા તેનું કારણ શું? આ પ્રશ્ન સમાજથી માંડીને સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.
સુરક્ષા એજન્સીઓ સતર્ક હોય તો આતંકી સંગઠન કે તેના સભ્યો દ્વારા રચાતું કોઇ પણ ષડયંત્ર ઝડપાઇ જવાની શક્યતા વધી જતી હોય છે, પરંતુ લંડનમાં આતંકી હુમલા વેળા ઠાર મરાયેલા ખાલિદ મસૂદ કે રામોદિયા બંધુ જેવા લોકોને - તેમનો બદઇરાદો પાર પાડતાં પહેલાં - ઝડપી લેવાનું બહુ મુશ્કેલ છે. સુરક્ષા એજન્સીઓ માટે આવા એકલ-દોકલ કટ્ટરવાદી જ ચિંતાનું કારણ બની રહ્યા છે. નિષ્ણાતો માને છે કે આ પ્રકારના કિસ્સા અટકાવવામાં સુરક્ષા એજન્સીઓ કરતાં પણ પરિવારજનો વધુ અસરકારક ભૂમિકા ભજવી શકે છે. કઇ રીતે? સંતાનોની ગતિવિધિ પર નજર રાખીને. જો તમારા સંતાનોની હિલચાલ કોઇ પણ પ્રકારે શંકાસ્પદ જણાય, તેમના વાણીવર્તનમાં ધાર્મિક કે સામાજિક મુદ્દે વધુ પડતું જડ કે કટ્ટર વલણ જણાય તો તેને સાવચેતીનો સંકેત સમજો. તેનામાં દેખાતા આ બદલાવનું કારણ સમજવા પ્રયાસ કરો, અને તેને વાસ્તવિક્તાનું ભાન કરાવો. આપણો આ અભિગમ સંતાનની જિંદગી અને પરિવારનો માળો તો વેરણછેરણ થતો અટકાવશે જ, પરંતુ આપણા સામાજિક, રાષ્ટ્રીય હિતોનું જતન પણ કરશે. સાબદો પરિવાર સદા સુખી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter