વિશ્વસમસ્તને એક તાંતણે જોડતો યોગ

Wednesday 24th June 2015 12:34 EDT
 

યુનાઇટેડ નેશન્સે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કર્યા બાદ તેની પહેલી ઉજવણી જોરશોરથી થઇ. માત્ર ભારતમાં જ ૨૦ કરોડ લોકો યોગમાં જોડાયા. લંડન, ન્યૂ યોર્કથી માંડીને અશાંત અફઘાનિસ્તાનમાં પણ યોગના કાર્યક્રમ યોજાયા. ભારતના નામે એક સાથે બે વિશ્વવિક્રમ રચાઇ ગયા. એક તો દિલ્હીમાં રાજપથ પર એક સાથે ૩૫,૯૮૫ લોકોએ યોગાસન કર્યા અને બીજો, એકસાથે ૮૪ દેશમાં લોકો યોગાસનમાં સામેલ થયા. ગુજરાતે પણ બે વિક્રમ પોતાના નામે નોંધાવ્યા. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં એકસાથે ૭૦ હજારથી વધુ લોકોએ યોગ કર્યા. અને બીજો વિક્રમ સમગ્ર રાજ્યમાં ૨૯,૦૦૦ સ્થળોએ સવા કરોડ લોકોએ યોગ કર્યા.
આ બધા આંકડાઓ શું દર્શાવે છે? માત્ર સરકારી આયોજનની જ્વલંત સફળતા? ના. આ આંકડાઓ પરથી બે બાબત ફલિત થાય છે - એક તો, પૂર્વના દેશો હોય કે પશ્ચિમના, ઉત્તરના હોય કે દક્ષિણના, લોકોમાં હવે શારીરિક-માનસિક સ્વાસ્થ્યની સુખાકારી માટેની સભાનતા વધી છે. લોકો હવે Prevention is better then cure...ની ઉક્તિમાં વધુ વિશ્વાસ ધરાવતા થયા છે. અને બીજી, યોગને ધર્મ સાથે જોડીને વિવાદનો વંટોળ સર્જવાની - ટૂંકી દૃષ્ટિના - નેતાઓ-ધર્મગુરુઓની કારી ફાવી નથી. દેશવિદેશમાં યોજાયેલા યોગના કાર્યક્રમોમાં વિવિધ ધર્મના લોકોએ સામેલ થઇને એ વિચારને સમર્થન આપ્યું છે કે યોગ કોઇ ચોક્કસ ધર્મ કે સંપ્રદાય પૂરતો સીમિત નથી. યોગને કોઇ ધર્મ સાથે સાંકળીને ન જોવો જોઇએ. યોગ ધાર્મિક માન્યતાઓ, વર્ણ, જાતિ ભેદભાવથી પર છે.
યોગનો આ વૈશ્વિક સ્વીકાર ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા માટે અત્યંત ગર્વની વાત છે. ભગવાન બુદ્ધના ધ્યાનના સંદેશ અને મહાત્મા ગાંધીના અહિંસાના સંદેશ પછી હવે વિશ્વસમસ્તે ભારતના યોગના સંદેશને જીવનમાં અમલમાં મૂક્યો છે તે નાનીસૂની બાબત નથી. રવિવારે લાખો-કરોડો લોકોએ સાથે મળીને યોગ કર્યા અને યોગને જીવનમાં ઉતારવાની કોશિશ કરી. યોગ દિવસની આંતરરાષ્ટ્રીય ઉજવણીએ લોકોમાં સદાબહાર સ્વાસ્થ્ય માટેની સભાનતા વધારવાનું કાર્ય કર્યું છે.
પતંજલિએ યોગસૂત્ર લખ્યું તેનું પ્રથમ સૂત્ર અડધા વાક્યનું હતું અને તે હતું - અથ યોગાનુશાસનમ્ (હવે યોગનું અનુશાસન). બીજા શબ્દોમાં કહીએ તો ‘હવે યોગ’. જ્યારે વ્યક્તિ પોતાની જાતની ભલાઇ માટે તમામ ઉપાયો અજમાવી ચૂકી હોય, તેને વાસ્તવિક્તાનું ભાન થઇ ગયું હોય કે કોઇ બાબત કાયમી સુખ કે શાંતિ આપી શકે તેમ નથી ત્યારે તેને સમજાય છે કે સદાસર્વદા સુખશાંતિ પામવા માટે અંતરમનમાં ડૂબકી લગાવ્યા વગર છૂટકો નથી. અને અંતરમનમાં ડૂબકી લગાવવા, અંદરથી પોતાની જાતને બદલવા માટે અથ યોગાનુશાસનમ્ સિવાય આરોવારો નથી.
યોગ સામે બિનપાયેદાર વાંધાવચકા કાઢનાર મુઠ્ઠીભર નેતાઓ અને કેટલીક મુસ્લિમ સંસ્થાના મોવડીઓએ પણ અંતરમનમાં ડોકિયું કરવું જ રહ્યું. તેમનું આત્મમંથન સમગ્ર મુસ્લિમ સમાજ માટે અવશ્ય ઉપકારક સાબિત થશે. તેમણે સૂર્ય નમસ્કાર આસનને ઇસ્લામ ધર્મની પરંપરા વિરુદ્ધ ગણાવ્યું. આ મુદ્દે ભારે વાદ-વિવાદ થયો. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તો આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવા તૈયાર થઇ ગયું હતું. છેવટે સરકારે યોગ કાર્યક્રમમાંથી સૂર્ય નમસ્કાર બાકાત કર્યા. પરંતુ આ નેતાઓને એક જ સવાલ છે - શું તેમની ધાર્મિક પરંપરાનો પાયો એટલો નબળો છે કે એક યોગાસનથી તે હચમચી જાય? જો તેઓ ઇસ્લામના સાચા અનુયાયી હોત તો તેમણે આવું બેજવાબદાર નિવેદન કર્યું ન હોત. તેઓ અવશ્ય જાણતા હોત કે ઇસ્લામ ધર્મ કેટલો ગહન છે, તેના મૂલ્યો કેટલા વ્યાપક છે.
મોદી સરકારે સમગ્ર આયોજન કર્યું હતું, એટલે સમગ્ર આયોજન સામે કોંગ્રેસનો વિરોધ અપેક્ષિત હતો! પક્ષના બટકબોલા નેતા દિગ્વિજય સિંહે એવું નિવેદન કર્યું હતું કે ‘મોદી વધુ એક નૌટંકી કરી રહ્યા છે. સામૂહિક યોગની શું જરૂર છે?’ જરૂર છે, દિગ્ગીરાજા, પ્રવર્તમાન સમયમાં અવશ્ય જરૂર છે. યોગ પ્રેમ, અહિંસા, કરુણા અને સૌને સાથે લઇને ચાલવાની વાત કરે છે, અને આથી જ તેનામાં સમગ્ર દુનિયાને એક પરિવાર તરીકે જોડવાની ક્ષમતા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય સફળતાએ આ વાત પુરવાર કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter