વેક્સિનના આગમનની તૈયારી, અને દેશની આશા

Wednesday 02nd December 2020 05:33 EST
 
 

કોરોના મહામારીને હરાવવા માટેનો રસ્તો હવે કંઇક ખુલ્લો થઇ રહ્યાનું જણાય છે. ભારત સહિત દુનિયાભરમાં વેક્સિનની તૈયારીઓ અંતિમ તબકકામાં પહોંચ્યાના સમાચાર મળી રહ્યા છે. આમાંથી કેટલીક વેક્સિન આ વર્ષના અંત સુધીમાં અથવા તો આગામી વર્ષની શરૂઆત સુધીમાં ઉપલબ્ધ થવા લાગશે. અમેરિકામાં ૧૧ ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થઇ રહ્યાના અહેવાલ છે તો બ્રિટનમાં ક્રિસમસ આસપાસ વેક્સિનેશન શરૂ થવાના અણસાર છે. ભારતના આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનનું કહેવું છે કે જુલાઇ સુધીમાં ૩૦ કરોડ ભારતીયોને રસી અપાઇ ચૂકી હશે. વેક્સીનની તૈયારીઓની જાણકારી મેળવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પૂણે, હૈદરાબાદ અને અમદાવાદના ત્રણ સંસ્થાનોની મુલાકાત બાદ સંકેત મળ્યા છે કે પૂણેના સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇંડિયામાં તૈયાર થઇ રહેલી કોવિશીલ્ડ નામની વેક્સિન ઉત્પાદન આખરી ચરણમાં છે. ઇન્સ્ટિટ્યુટનો દાવો છે કે કોવિશીલ્ડના પરીક્ષણના પરિણામો ખૂબ જ પ્રોત્સાહક જોવા મળ્યા હોવાનું સંસ્થાના વડા અદર પૂનાવાલાનું કહેવું છે. ઇમરજન્સીમાં આ વેક્સિનનો ઉપયોગ કરવા માટે જરૂરી મંજૂરી મેળવવા બહુ જલ્દી કાર્યવાહી હાથ ધરાશે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને વિકસાવાઇ રહેલી આ વેક્સિન ૭૦ ટકા અસરકારક હોવાનું કહેવાય છે. બીજી તરફ, રશિયાની સ્પૂતનિક-૫, અમેરિકાની ફાઇઝર / બાયોએન્ટેક વેક્સિન ૯૦ ટકા અસરકારક હોવાના દાવા થઇ રહ્યા છે. મોડર્નાએ પોતાની રસી ૧૦૦ ટકા અસરકારક હોવાના દાવા સાથે અમેરિકા અને યુરોપમાં આ વેક્સિનની ઇમરજન્સી મંજૂરી માટે અરજી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
કોરોનાને નાથતી વેક્સિન વિકસાવવાની દોડમાં સૌથી પહેલાં કોણ બાજી મારી જાય છે એ તો સમય જ કહેશે, પરંતુ અત્યારે તો એટલું સ્પષ્ટ થઇ ગયું છે કે વેક્સિન હવે હાથવેંતમાં છે. વેક્સિનના પરિણામો પર આખી દુનિયા મીટ માંડીને બેઠી છે તેનું એક કારણ એ છે કે યુદ્ધના ધોરણે લડવા છતાં કોરોના મહામારીને નાથી શકાઇ નથી. શિયાળાના આગમન સાથે જ ભારત સહિત દુનિયાભરમાં કોરોના માઝા મૂકી રહ્યો છે. બીજી અને ત્રીજી લહેર શરૂ થતાં જ કોરોનાના કેસોમાં રોકેટ ઝડપે ઉછાળો નોંધાયો છે.
અમેરિકી કંપનીઓ ફાઇઝર અને મોડર્નાની વેક્સિનને ભલે વધુ અસરકારક ગણાવાતી હોય, પરંતુ ભારત તેના ભરોસે રહી શકે તેમ નથી. આનું એક મુખ્ય કારણ તેની ઊંચી કિંમત છે. આ બન્ને કંપનીના એક ડોઝની સરેરાશ કિંમત ૩૦૦૦થી ૩૫૦૦ રૂપિયા આસપાસ રહેવાની ધારણા છે. એટલું જ નહીં, તેના સંગ્રહ માટે માઇનસ ૭૦થી માઇનસ ૮૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જરૂરી છે. ભારતમાં આવી સુવિધા સાથેની આટલી વિશાળ કોલ્ડ ચેન બનાવવાનું ખૂબ જ પડકારજનક બની રહે તેમ છે. બીજી તરફ, સીરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ વેક્સિનને બે-ત્રણ ડિગ્રીના તાપમાને સંગ્રહ કરી શકાય છે. અને તેના એક ડોઝની કિંમત ૫૦૦થી ૬૦૦ રૂપિયા રહે તેવી પ્રાથમિક ધારણા છે. આમ સીરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ ભારત માટે વધુ અનુકૂળ રહે તેમ છે. અલબત્ત, બીજી વેક્સિનની સરખામણીએ આ કિંમત ઓછી જરૂર છે, પણ ભારતના ગરીબ વર્ગ માટે તો આ રકમ પણ વધુ જ છે. ભાજપે બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને કોરોના વેક્સિન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું હતું તેવું જ વચન હવે સમગ્ર દેશના ગરીબ વર્ગને આપવું જોઇએ.
વેક્સિનના આગમન પૂર્વે તેના સંગ્રહ અને વિતરણ માટે આવશ્યક નેટવર્કનું આગોતરું આયોજન જરૂરી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇંડિયાનું કહેવું છે કે અમારા તમામ એરપોર્ટ તૈયાર છે. સરકારનો નિર્દેશ મળતાં જ વેક્સિન લોજિસ્ટિક્સનું કામ કરી દઇશું. દિલ્હી એરપોર્ટ પાસે ૧.૫ લાખ મેટ્રિક ટન કોલ્ડ ચેઇન સ્ટોરેજની ક્ષમતા છે. જ્યારે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તો વેક્સિન મેનેજમેન્ટ ટાસ્ક ફોર્સ રચવાની તૈયારી ચાલે છે. જે ગ્રાહકો, કંપનીઓ અને સરકારી સંસ્થાઓને એકતાંતણે બાંધવાનું કામ કરશે. આમ પણ ભારતને વેક્સિનેશનનો બહોળો અનુભવ છે. આથી દરેક ભારતીય સુધી વેક્સિન પહોંચાડવામાં કોઇ પણ પ્રકારનો અવરોધ સર્જાય તેવી કોઇ શક્યતા જણાતી નથી. વડા પ્રધાન વારંવાર કહી ચૂક્યા છે કે વેક્સિનેશનનું સંચાલન ચૂંટણી પ્રક્રિયાની જેમ હોવું જોઇએ. જો વહીવટી તંત્ર યોગ્ય રીતે આ કામગીરી કરી શક્યું તો, કોરોના સામેના જંગમાં તે સૌથી મોટી ઉપલબ્ધિ હશે. હવે દરેક ભારતીયની નજર ચોથી ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યોજેલી સર્વપક્ષીય બેઠક પર છે. આ બેઠકમાં વેક્સિનેશન સંદર્ભે કોઇ મહત્ત્વની જાહેરાત થાય તો નવાઇ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter