વૈશ્વિક ચિંતાનો વિષય અમેરિકા-રશિયા તણાવ

Tuesday 08th August 2017 08:51 EDT
 

વિશ્વની બે મહાશક્તિઓ - અમેરિકા અને રશિયાએ ફરી શીંગડા ભરાવવાનું શરૂ કર્યું છે. આમ તો તેમની વચ્ચે શીત યુદ્ધના સમયથી જ એકબીજા સામે તણખાં ઝરતાં રહ્યા છે, પણ છેલ્લા કેટલાક મહિનાથી તેમની વચ્ચે જે પ્રકારે તણાવ વધ્યો છે તે ચિંતાજનક છે. આ વિવાદમાં બળતામાં ઘી હોમ્યું છે અમેરિકી સેનેટના એક નિર્ણયે. યુએસ સેનેટે રશિયા પર જુદા જુદા વ્યાપાર પ્રતિબંધો લાદતું વિધેયક સર્વસંમતિથી પસાર કરતાં રશિયા રોષે ભરાયું છે. જવાબમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં કામ કરતા ૭૫૫ અમેરિકી રાજદ્વારીને સ્વદેશ પાછા ફરવાનું ફરમાન કર્યું છે.
આમ અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમન સાથે પુતિને વ્યક્ત કરેલો આશાવાદ હવે ખોટો પુરવાર થઈ રહ્યો છે. રશિયાએ ૨૦૧૪માં ક્રોએશિયા પર કબ્જો જમાવ્યો છે ત્યારથી અમેરિકાએ તેની સામે આકરું વલણ અપનાવ્યું છે. તે સમયે તત્કાલીન પ્રમુખ ઓબામાએ ૩૫ રશિયન રાજદ્વારીની હકાલપટ્ટી કરી હતી. તે સમયે પુતિને વળતાં પગલાં નહોતા ભર્યા. તેમને આશા હતી કે અમેરિકામાં શાસન બદલાયા બાદ રશિયાવિરોધી અભિગમ બદલાશે. ટ્રમ્પે પણ પ્રચારમાં મોસ્કો સાથેના સંબંધો ગાઢ બનાવવાનો મનસૂબો વ્યક્ત કર્યો હતો. જોકે ટ્રમ્પ સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી પણ અમેરિકાએ રશિયા સામે આકરું વલણ જાળવતાં અને પ્રમુખપદની ચૂંટણી વેળા રશિયાની દખલગીરી અંગે તપાસ ચાલુ રાખતાં પુતિનનું ભ્રમનિરસન થવા લાગ્યું હતું. આ બધા વચ્ચે સેનેટના બન્ને ગૃહોમાં રશિયા ઉપર પ્રતિબંધ ફરમાવતો ખરડો પસાર થયો છે. આ પરિબળોએ તણાવ ઉગ્ર બનાવ્યો છે. રશિયા હાલ અનેક આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તે સમયે અમેરિકી પ્રતિબંધો તેની મુશ્કેલીમાં વધારો કરે તેમ છે.
અમેરિકા અને રશિયા વચ્ચે વધતું અંતર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. વૈશ્વિક સમસ્યાઓ વેળા જ્યારે જ્યારે અમેરિકા - રશિયાએ હાથ મિલાવ્યા છે ત્યારે ત્યારે નક્કર પરિણામ મળ્યા છે. પછી તે ઈરાનનો પરમાણુ સોદો હોય, અશાંત સિરિયા હોય કે અફઘાનિસ્તાનમાં શાંતિનું પુનઃ સ્થાપન હોય, બન્ને દેશે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. જોકે દુનિયાભરના પ્રશ્નો સાથે મળીને ઉકેલનાર આ બે દેશો દ્વિપક્ષીય સમસ્યાઓનું સમાધાન શોધી શક્યા નથી તે હકીકત છે.
આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોને ચિંતા એ છે કે અમેરિકા - રશિયા વચ્ચે અંતર વધતાં રશિયા અને ચીન વધુ નજીક આવશે. ચીન અને રશિયાની જોડી અનેક મુદ્દે - વૈશ્વિક હિતોને કોરાણે મૂકીને - એકમેકને સમર્થન આપતા જોવા મળી છે. જેમ કે, સાઉથ ચાઇના સીના મામલે ચીને અપનાવેલા અતિક્રમણવાદી અભિગમને સમગ્ર વિશ્વે વખોડ્યો, પણ રશિયા ચૂપ રહ્યું. તો રશિયાએ ક્રોએશિયા મામલે અપનાવેલા આક્રમક અભિગમ સામે ચીને આંખ આડા કાન કર્યા છે.
ભવિષ્યમાં આ ગઠબંધન વૈશ્વિક સ્થિરતા માટે ખતરો જ નહીં, પરંતુ ભારત જેવા શાંતિપ્રિય દેશો માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. વિકાસના પંથે હરણફાળ ભરી રહેલા ભારત માટે તલવારની ધાર પર ચાલવા જેવા સાબિત થઇ શકે છે. ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે કે રશિયા અને અમેરિકા સાથે સંબંધોમાં સંતુલન જાળવવું. રશિયા દસકાઓ જૂનું મિત્રરાષ્ટ્ર છે તો પ્રવર્તમાન વૈશ્વિક માહોલમાં અમેરિકા મહત્ત્વપૂર્ણ સાથીદાર સાબિત થઇ શકે તેમ છે. બન્નેમાંથી એક પણ દેશની ઉપેક્ષા ભારતને પરવડે તેમ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter