શ્રીલંકામાં રાજકીય કટોકટીઃ ભારત માટે ચિંતાનો વિષય

Tuesday 30th October 2018 15:25 EDT
 

ભારતના નિકટના પાડોશી શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાએ વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને પદભ્રષ્ટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને દેશના નવા વડા પ્રધાન જાહેર કરી દેતાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. શ્રીલંકા સાથે ગાઢ સંબંધ ધરાવતા ભારત માટે આ ભારે ચિંતાનો વિષય છે કારણ કે રાજપક્ષે ભારતવિરોધી અને તેનાથી પણ વધુ તો ચીનતરફી ગણાય છે. રાજપક્ષેને નવા વડા પ્રધાન જાહેર કરાયાની સાથે જ ચીને તેમને અભિનંદન પાઠવી દીધા છે. સ્વાભાવિક રીતે વિક્રમાસિંઘેએ સંસદમાં બહુમતી હોવાથી વડા પ્રધાનપદ ઉપર દાવો જાળવી રાખ્યો છે, જેને સ્પીકર કારુ જયસૂર્યાએ સમર્થન આપ્યું છે અને બંધારણ અનુસાર નિર્ણય સંસદમાં લેવા સૂચન કર્યું છે. બીજી તરફ, સિરિસેનાએ ૧૬ નવેમ્બર સુધી સંસદને જ બરખાસ્ત કરી ન રહે બાંસ, ન બજેગી બાંસુરી જેવી સ્થિતિની પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. આ સ્થિતિમાં ભારત, યુરોપિયન યુનિયન અને અમેરિકાએ પ્રમુખ સિરિસેનાને બંધારણનું માન જાળવવા અનુરોધ કર્યો છે.
રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતું નથી તે ન્યાયે સિરિસેના એક સમયના મિત્ર વિક્રમાસિંઘેના દુશ્મન બની ગયા છે અને રાજપક્ષે સાથે હાથ મિલાવ્યા છે. વિક્રમાસિંઘેએ જ ૨૦૧૫ની ચૂંટણીમાં સિરિસેનાને રાષ્ટ્રપ્રમુખ બનાવવાની જહેમત કરી તે અગાઉ સિરિસેના અને રાજપક્ષે મિત્રની ભૂમિકામાં હતા. આમ, કોકડું ભારે ગુંચવાયેલું છે.
રાજપક્ષેના કાર્યકાળમાં ચીન પર વધુ પડતી નિર્ભરતાના પરિણામે ભારત-શ્રીલંકા સંબંધોમાં મધુરતા રહી ન હતી. શ્રીલંકાની આર્થિક હાલત પણ ડામાડોળ હોવાં સાથે ચીનનું અબજો ડોલરનું દેવાંદાર છે. રાજપક્ષેએ હંબનટોટા બંદર ચીનને લીઝ ઉપર આપવાની તરફેણ કરી ત્યારે ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં આવી ગયેલા ચીનની સબમરીનો શ્રીલંકાના જળક્ષેત્રમાં ડેરો જમાવે તેવી શક્યતા પણ ઉભી થઈ હતી. સિરિસેના અને વિક્રમાસિંઘે વચ્ચે કોલંબો પોર્ટના ઇસ્ટ કન્ટેનર ટર્મિનલને ભારતીય રોકાણ સાથે વિકસાવવા મુદ્દે વિવાદ પછી સર્જાયેલી વર્તમાન કટોકટી ભારતના સંદર્ભમાં ઘણી અગત્યની છે કારણ કે ઇસ્ટ પોર્ટ ઉપરાંત, જાફનામાં પલાલી એરપોર્ટ, હંબનટોટામાં મટ્ટાલા એરપોર્ટ તેમજ હાઉસિંગ પ્રોજેક્ટ સહિત અન્ય ઘણાં પ્રોજેક્ટ્સ ભારત શરૂ કરવાનું છે.
રાજપક્ષે ૨૬ વર્ષ ચાલેલા અને એક લાખ જેટલા લોકોનો ભોગ લેનારા તામિલ આંતરવિગ્રહનો અંત ૨૦૦૯માં લાવ્યાનો યશ લઈ રહ્યા છે, પરંતુ તે કઈ રીતે આવ્યો તે મુદ્દે તેમની ભારે ટીકા થઈ છે. આંતરવિગ્રહના આખરી મહિનાઓમાં નિર્દોષ તામિલ નાગરિકોનો સફાયો કરાયો હોવાના આક્ષેપો પણ તેમની સામે થયેલા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter