વિશ્વમાં સૌથી મોટું લોકતંત્ર હોવાનું બહુમાન ધરાવતા દેશમાં લોકપ્રતિનિધિઓને પોતાનું કામ કરવા માટે, નૈતિક ફરજ બજાવવા માટે રાષ્ટ્રપતિએ જાહેર અપીલ કરવી પડે તેનાથી વધુ શરમજનક પરિસ્થિતિ કોઇ હોય શકે નહીં. મોદી સરકારની નોટબંધીના નિર્ણયનો વિરોધ કરવામાં ૧૬ નવેમ્બરથી શરૂ થયેલું શિયાળુ સત્ર ખોરંભે પડી ગયું છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સાંસદોને ગૃહની કાર્યવાહીને સુચારુ ઢબે ચલાવવા અનુરોધ કર્યો છે જેથી જનહિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે, સંસદમાં અટકેલા ખરડાઓ પસાર થઇ શકે. રાષ્ટ્રપતિએ નારાજગી અને અણગમો દેખાડતાં કંટાળેલા સૂરમાં કહ્યું છે કે કમસેકમ ઇશ્વરને ખાતર તો કામ કરો... તેમની આ આજીજી કહો કે વ્યથા સાવ ખોટા તો નથી જ. 
શિયાળુ સત્ર થયું છે ત્યારથી દરરોજ લગભગ એક જ ઘટનાક્રમ ચાલ્યો છે. સાંસદો ગૃહમાં પહોંચે છે. વિરોધ પક્ષ નોટબંધી મુદ્દે વડા પ્રધાને ગૃહમાં નિવેદન કરવું જ જોઇએ તેવી ઉગ્ર માગ ઉઠાવે છે. શાસક પક્ષ ચર્ચા માટે તૈયારી દેખાડે છે, પરંતુ વડા પ્રધાન જ નિવેદન કરે તે વાતે અસંમતિ દર્શાવે છે. ભારે હોગોકીરો થાય છે, સાંસદો પોતાના સ્થાન પરથી ઉભા થઇ જાય છે ને અધ્યક્ષ ગૃહની કાર્યવાહી બીજા દિવસ પર મુલત્વી રાખે છે. ગૃહની બહાર નીકળ્યા બાદ સાંસદો એકબીજા સામે દોષારોપણ કરે છે. બીજા દિવસે ફરી જૈસે થે માહોલ સર્જાય છે. પૂર્ણતાના આરે પહોંચેલું શિયાળુ સત્ર આમ તુંતું-મૈંમૈં કરવામાં જ વેડફાઇ ગયું છે.
૧૬ ડિસેમ્બરે પૂરા થઇ રહેલા આ સત્રમાં કુલ મળીને દસ ખરડા વિચારણા અને મંજૂરી માટે રજૂ થવાના હતાં. આમાં ભ્રષ્ટાચાર નિવારણ (સુધારા), ફેક્ટરી એક્ટ (સુધારા), વ્હીસલ બ્લોઅર સુરક્ષા એક્ટ (સુધારા), ગ્રાહક સુરક્ષા એક્ટ સહિતનાં મહત્ત્વનાં અને આમજનતાને સ્પર્શે તેવા ખરડાઓ સામેલ છે. આ બધા ઉપરાંત આવતા વર્ષે પહેલી એપ્રિલથી સરકાર જેને અમલી બનાવવા માગે છે તે જીએસટી બિલ સંબંધિત ત્રણ મહત્ત્વનાં ખરડા પણ વર્તમાન સત્રમાં વિચારણા માટે ગૃહમાં રજૂ થવા શક્યતા હતી. જોકે અત્યાર સુધીમાં જે પ્રકારે સંસદ ચાલી છે તે જોતાં કંઇ નક્કર કામગીરી થવાની આશા નથી. કદાચ સંસદમાં કાર્યવાહી ચાલી તો, પણ કામનાં દિવસો બચ્યાં કેટલા? આટલાં ટૂંકા ગાળાંમાં આ મહત્ત્વનાં ખરડાઓ હાથ ધરાશે તો પણ સાંસદો તેનાં ઉપર ચર્ચા શું કરશે? ને નિર્ણય શું કરશે? છેવટે ધકેલ પંચા દોઢસો જ થશે!
વિરોધ પક્ષ નોટબંધી મુદ્દે વડા પ્રધાનનો જવાબ સાંભળવા માગે છે ને શાસક પક્ષ પોતાની શરતે સંસદ ચલાવવા માગે છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની અપીલના આગલા જ દિવસે ભાજપના વરિષ્ઠ નેતા અને માર્ગદર્શક લાલ કૃષ્ણ અડવાણીએ પણ સંસદની કાર્યવાહી ખોરવાઇ જવાના મુદ્દે આકરા શબ્દોમાં સ્પીકરના નરમ વલણ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અડવાણીનું એક સૂચન એવું છે કે હંગામો મચાવનાર સાંસદોને ગૃહમાંથી હાંકી કાઢવા જોઇએ. તેમજ તેમના પગાર-ભથ્થા કાપી લેવાની જોગવાઇ કરવી જોઇએ. તેમનો આક્રોશ વાજબી છે. મામલો નોટબંધીના વિરોધનો હોય કે અન્ય મુદ્દે અવાજ ઉઠાવવાનો, વિરોધ વ્યક્ત કરવાના અન્ય વિકલ્પો પણ છે. સરકારને ઝૂકાવવા માટે સંસદને ઠપ્પ કરી દેવાનું કે બંધારણીય કાર્યવાહી ખોરવી નાખવાનું જરૂરી નથી. રાષ્ટ્રપતિ કે અડવાણી જ નહીં, સાંસદો, સરકાર અને વિરોધ પક્ષના અભિગમથી આખો દેશ નારાજ છે કેમ કે તેમણે ચૂકવેલા વેરાના નાણાંમાંથી જ સાંસદોને તગડો પગાર અને ભથ્થા સહિતની બીજી સુવિધાઓ મળે છે. એક અંદાજ મુજબ સંસદનું એક દિવસનું કામ અટકે તો આશરે છ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થાય છે. આમ અત્યાર સુધીમાં કેટલું નુકસાન થઇ ચૂકયું છે એનો હિસાબ માંડવામાં આવે તો આંકડો કરોડો રૂપિયામાં પહોંચે તેમ છે. આ માટે જવાબદાર કોણ? નોટબંધી બેશક મહત્ત્વનો મુદ્દો છે, અને તેના પર વિસ્તારથી ચર્ચા ના થાય તેને કમનસીબી જ ગણવી રહી.

